ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. આજની મેચ શ્રેણી માટે નિર્ણાયક છે. ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. શુભમન ગિલે તોફાની બેટિંગ કરતા સદી નોંધાવી હતી. રાહુલ ત્રિપાઠીએ પણ તોફાની રમત રમી હતી. અમદાવાદમાં ભારતીય બેટ્સમેનોએ ચોગ્ગા છગ્ગાની આતશબાજી કરી દઈ વિશાળ સ્કોર ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમે નોંધાવ્યો હતો. ભારતે 235 રનનુ લક્ષ્ય 4 વિકેટના નુક્શાન પર ખડક્યુ હતુ.
શ્રેણી હાલમાં 1-1 થી બરાબરી પર છે, આવી સ્થિતીમાં નિર્ણાયક મેચને જીતીને ભારતે સિરીઝને પોતાને નામે કરવા માટે પુરો દમ બેટિંગ ઈનીંગમાં લગાવ્યો હતો. ઈશાનને બાદ કરતા શાનદાર રમત ભારતીય બેટરોએ દર્શાવી હતી.
ફરી એકવાર ઓપનીંગ જોડી લાંબો સમય ટકી શકી નહોતી અને માત્ર 7 રનના ટીમ સ્કોર પર જ તૂટી ગઈ હતી. જોકે ઓપનર શુભમન ગિલે બાજી પોતાના હાથમાં સંભાળી લેતા મોટો સ્કોર ખડકવાની યોજના સફળ બનાવી હતી. શુભમન ગિલે શાનદાર સદી નોંધાવી હતી. 54 બોલમાં જ પોતાની સદી પુરી કરી લીધી હતી. ગિલે 5 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી આ સદી પુરી કરી હતી. ગિલે અણનમ 126 રનની ઈનીંગ 63 બોલમાં રમી હતી.
ગિલ હવે એ ખેલાડીઓની ક્લબમાં જોડાઈ ગયો છે, ક્રિકેટમાં ટી20, વનડે અને ટેસ્ટ એમ તમામ ફોર્મેટમાં સદી નોંધાવી હોય. આ ક્લબમાં રોહિત શર્મા, સુરેશ રૈના, કેએલ રાહુલ, વિરાટ કોહલી ક્લબમાં સામેલ છે. હવે ગિલ પણ આ ક્લબમાં સામેલ થયો છે. જે ક્રિકેટના તમામ ત્રણેય ફોર્મેટમાં સદી નોંધાવી ચુક્યા છે.
ઈશાન કિશન 3 બોલનો સામનો કરીને 1 રન નોંધાવીને જ પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રન નોંધાવ્યા હતા. 3 છગ્ગા અને 4 ચોગ્ગા ત્રિપાઠીએ જમાવીને ભારત માટે સારી શરુઆત કરવાના પ્રયાસ સાથે તેણે ગિલ સાથે સારી ભાગીદારી નોંધાવી હતી. ત્રિપાઠીના રુપમાં ભારતે 87 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. 9મી ઓવરના બીજા બોલ પર ઈશ સોઢી સામે વધુ એક બાઉન્ડરી ફટકારવાના પ્રયાસમાં બાઉન્ડરી પર લોકી ફર્ગ્યુશનના હાથમાં કેચ ઝડપાયો હતો.
હાર્દિક પંડ્યાએ 30 રન 17 બોલમાં નોંધાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 4 ચોગ્ગા નોંધાવ્યા હતા. જ્યારે સૂર્યાકુમાર યાદવે 13 બોલમાં 24 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન સૂર્યાએ 2 છગ્ગા ફટકાર્યા હતા. દીપક હુડ્ડાએ 2 બોલમાં 2 રન નોંધાવીને અણનમ રહ્યો હતો.