ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે લખનૌમાં બીજી ટી20 મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે ભારતીય બોલરોએ કિવી બેટરોને શરુઆતથી જ બાંધી રાખ્યા હતા. રાંચીમાં ચોગ્ગા છગ્ગાની આતશી બેટિંગ કરતા ન્યુઝીલેન્ડના બેટ્સમેનોના બેટ આજે શાંત લાગી રહ્યા હતા. ઉમરાન મલિકના સ્થાને યુઝવેન્દ્ર ચહલને સ્થાન આજે આપવામા આવ્યુ હતુ, તેણે પ્રથમ 2 ઓવરમાંથી એક મેડન ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી. નિર્ધારીત 20 ઓવરના અંતે ન્યુઝીલેન્ડની ટીમ 08 વિકેટ ગુમાવીને 99 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
ભારતીય બોલરોએ આજે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય બોલરોએ 35 રનમાં જ શરુઆતની 3 વિકેટ ઝડપી લઈને કિવી ટીમને મુશ્કેલી સર્જી દીધી હતી. બીજી તરફ 20 ઓવર પુર્ણ કરવા સુધી એક પણ છગ્ગો ફટકારવાનો મોકો આપ્યો નહોતો. જ્યારે ચોગ્ગા પણ ઓછા જોવા મળી રહ્યા હતા.
ગ્લેન ફિલિપ્સે 10 બોલનો સામનો કરીને 5 રન નોંધાવ્યા હતા. દીપક હુડાએ ફિલિપ્સની વિકેટ ઝડપી હતી. ડેરેલ મિશેલ 13 બોલનો સામનો કરીને 8 રન નોંધાવ્યા હતા. આમ એક બાદ એક ટોપ ઓર્ડરના બેટ્સમેન ક્રિઝથી પેવેલિયનનુ અંતર માપવા લાગ્યા હતા. માઈકલ બ્રેસવેલ 22 બોલનો સામનો કરીને 14 રન નોંધાવી હાર્દિક પંડ્યાના બોલ પર કેચ આઉટ થયો હતો. ઈશ શોઢી એક રન અને લોકી ફર્ગ્યુશન શૂન્યમાં પરત ફર્યો હતો. સુકાની મિશેલ સેન્ટનરે સૌથી વધારે રન ટીમ તરફથી નોંધાવ્યા હતા. સેન્ટનરે 19 રન 23 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા.
શરુઆતથી જ ભારતીય બોલરો ન્યુઝીલેન્ડ પર હાવી થયા હતા. એક બાદ એક 7 બોલરોને ભારતે અજમાવ્યા હતા. કુલદીપ યાદવ અને દીપક હુડ્ડાએ 44 ઓવર કરીને 17-17 રન આપીને એક એક વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવર કરીને 25 રન ગુમાવી 1 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે 3 ઓવર કરીને 17 રન આપી 1 વિકેટ ઝડપી હતી. શિવમ માવીએ એક ઓવર કરી હતી અને તેણે 10 રન આપ્યા હતા.
યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ કરતા 2 ઓવરમાં માત્ર 4 જ રન ગુમાવ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. ચહલે તેની એક ઓવર મેડન કરી હતી. અર્શદીપ સિંહે તેની પ્રથમ ઓવર ઈનીંગની 18મી ઓવરના રુપમાં કરી હતી. જેમાં માત્ર 3 જ રન આપ્યા હતા. અર્શદીપ તેની બીજી ઓવર ઈનીંગની અંતિમ અને 20મી ઓવર લઈને આવ્યો હતો.