ઓસ્ટ્રેલિયા (Australia) સામેની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતીય મહિલા ટીમ (Indian Women Cricket Team) ચાર વિકેટથી હારી ગઈ હતી. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. બીજી T20 મેચમાં ભારતની બેટિંગ ઘણી નિરાશાજનક હતી. તારાઓથી ભરેલી ટીમ ઇન્ડીયા (Team India)ની બેટિંગ ઓસ્ટ્રેલિયન બોલરો સામે વિખેરાયેલી જોવા મળી હતી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં માત્ર 118 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય પાંચ બોલ બાકી રાખીને હાંસલ કર્યું અને મેચ ચાર વિકેટથી જીતી લીધી.
શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. પ્રથમ T20 ભલે રદ કરવામાં આવી હોય, પરંતુ આ મેચમાં ભારતે સારી બેટિંગ બતાવી હતી. જોકે, બીજી T20 માં પૂજા વસ્ત્રાકર (Pooja Vastrakar) અને કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) સિવાય કોઈ ટકી શક્યું ન હતું, જે ટીમને મેચ હારીને ચૂકવવી પડી હતી.
119 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. ઇનિંગના બીજા બોલ પર તેણે એલિસા હીલીની વિકેટ ગુમાવી હતી. આ પછી મેગ લેનિંગ (4) અને બેથ મૂની (34) એ ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો. જોકે ગાયકવાડે બંનેને પેવેલિયન મોકલ્યા હતા. એશ્લે ગાર્ડનર (1), એલિસા પેરી (2) અને નિકોલા કેરી (7) પણ ખાસ કંઈ કરી શક્યા નહીં. જોકે તાહલિયા મેકગ્રા એ અણનમ 42 રનની મદદથી ટીમની જીત નિશ્ચિત કરી હતી.
ભારતીય ટીમે પૂજા વસ્ત્રાકરની છેલ્લી ઓવરમાં 27 બોલમાં અણનમ 37 રનની મદદથી નવ વિકેટે 118 નો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય ટીમનો સ્કોર 17 મી ઓવર બાદ નવ વિકેટે 81 હતો, ટીમે છેલ્લી ત્રણ ઓવરમાં 37 રન બનાવ્યા હતા, જેમાં રાજેશ્વરી ગાયકવાડ સાથે રમતા વસ્ત્રાકરે તમામ રન બનાવ્યા હતા જ્યારે અન્ય પૂંછડીયા ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
ખૂબ જ ખરાબ બેટિંગ પ્રદર્શન ટીમનુ રહ્યુ હતું. જેમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડી ટાયલા વેલેમિંક (18 રનમાં 2) ના ઝડપી બોલ પર આઉટ થઈ હતી. ત્યારબાદ સ્પિનરો સોફી મોલિનાઉ (4 ઓવરમાં 2/11) અને એશ્લે ગાર્ડનર (4 ઓવરમાં 1/12) બેટ્સમેનો પર નિયંત્રણ લગાવ્યુ. જેને લઇ મધ્યની ઓવરમાં બેટીંગ લાઇન તૂટી પડી. જેમાં ત્રણ વિકેટ સામેલ હતી અને 27 બોલમાં એક પણ રન થયો ન હતો. આ કારણે ભારતીય બેટિંગ ક્રમ પડી ભાંગ્યો હતો.