T20 World Cup: પાકિસ્તાનને વિશ્વકપ પહેલા જ લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન ઇજાને લઇ થયો બહાર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) વર્લ્ડ કપ (World Cup) ટીમમાં ફેરબદલ એક દિવસ પહેલા જ કરી હતી. જેમાં 3 ખેલાડીઓની અદલાબદલી કરવામાં આવી હતી અને હવે ફરી બોર્ડે ટીમમાં ફેરફાર કરવો પડશે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) પહેલા સતત ચર્ચામાં છે. બાબર આઝમની કેપ્ટનશિપ ધરાવતી ટીમ વર્લ્ડ કપ પહેલા અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. અગાઉ મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક અને બોલિંગ કોચ વકાર યુનુસના અચાનક રાજીનામા આપ્યા. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ જેવી ટીમો દ્વારા T20 શ્રેણી રદ કર્યા બાદ હવે ટીમનો મુખ્ય ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. તે હવે પસંદ કરાયેલી ટીમની બહાર થઇ ગયો છે.
પાકિસ્તાની ટીમના વિસ્ફોટક બેટ્સમેન સોહેબ મકસૂદ (Sohaib Maqsood) ભારત સામેની પ્રથમ મેચના બે સપ્તાહ પહેલા ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. મકસૂદને થોડા દિવસ પહેલા પીઠમાં ઈજા થઈ હતી.
મીડિયા અહેવાલ મુજબ, હાલના દિવસોમાં પાકિસ્તાનમાં રમાઇ રહેલી ઘરેલુ T20 ટૂર્નામેન્ટ નેશનલ T20 કપમાં 6 ઓક્ટોબરે એક મેચ દરમ્યાન મકસૂદને પીઠના ભાગે ઇજા થઇ હતી. ત્યારથી તે ટુર્નામેન્ટમાંથી બહાર હતો અને પીસીબીની મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી હતી. વર્લ્ડ કપ માટે તેના સ્થાન અંગે શંકાઓ ઉભી થઈ હતી, પરંતુ એમઆરઆઈ સ્કેનના રિપોર્ટની રાહ જોવાના કારણે પાકિસ્તાની પસંદગીકારોએ કોઈ નિર્ણય લીધો નહોતો. હવે સોહેબનો રિપોર્ટ આવ્યો છે, જેમાં સ્પષ્ટ છે કે, તે વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં.
પાકિસ્તાની ટીમમાં ફરી ફેરફાર થશે
PCB એ વર્લ્ડ કપ (World Cup) માટે પસંદ કરેલી 15 સભ્યોની ટીમમાં શુક્રવાર, 8 ઓક્ટોબરે જ ફેરબદલ કર્યો હતો. પરંતુ તેમાં મકસૂદનું સ્થાન જાળવી રાખવામાં આવ્યું હતું. હવે બદલાયેલી પરિસ્થિતિમાં પાકિસ્તાની બોર્ડે ફરી એક નવા ખેલાડીને ટીમમાં સામેલ કરવો પડશે. વર્લ્ડ કપ માટે ટીમો બદલવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર રવિવાર છે. પીસીબીએ શુક્રવારે 3 ખેલાડીઓની અદલા બદલી કરી હતી. ત્યારબાદ પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદ, બેટ્સમેન ફખર ઝમાન અને હૈદર અલી ટીમમાં પરત ફર્યા હતા.
મકસૂદની કારકિર્દી આવી છે
સોહેબ મકસૂદ 34 વર્ષીય આક્રમક બેટ્સમેન છે, જે સામાન્ય રીતે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે. તેણે ઈજાગ્રસ્ત થતા પહેલા નેશનલ કપમાં સધર્ન પંજાબ ટીમની આગેવાની કરી અને સતત બે મેચમાં અડધી સદી ફટકારી. મકસૂદે લગભગ 5 વર્ષ બાદ આ વર્ષે પાકિસ્તાની ટીમમાં પુનરાગમન કર્યું અને કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી. તેણે 26 T20 મેચમાં 116 ના સ્ટ્રાઇક રેટથી 273 રન બનાવ્યા છે. બીજી બાજુ, એકંદર T20 રેકોર્ડ ઘણો સારો છે, જ્યાં તેણે 148 મેચમાં 134 ની સ્ટ્રાઇક રેટથી 3565 રન બનાવ્યા છે.