IND vs SL: શ્રેયસ અય્યરની શાનદાર ઇનીંગના દમ પર ભારત સિરીઝમાં અજેય, રવિન્દ્ર જાડેજા અને સેમસનની પણ જબરદસ્ત રમત
શ્રીલંકન ઓપનર નિશંકાની અર્ધશતકીય અને કેપ્ટન દાશુન શનાકા ની તોફાની રમત વડે શ્રીલંકાએ 5 વિકેટ ગુમાવીને 183 રનનો સ્કોર ખડક્યો હતો.

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે ઘર આંગણે T20 સિરીઝ રમાઇ રહી છે. બીજી મેચ ધર્મશાળામાં રમાઇ હતી જેમાં, જ્યાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ રન ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. જેમાં તેને સફળતા મળી હતી અને ભારતે સિરીઝને 2-0 થી પોતાના તરફી કરી લીધી હતી. શ્રીલંકન ઓપનર નિશંકાની અર્ધશતકીય અને કેપ્ટન દાશુન શનાકા ની તોફાની રમત વડે શ્રીલંકાએ 5 વિકેટ ગુમાવીને 183 રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ભારતે શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની રમત વડે 7 વિકેટે જીત મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ અય્યરને જીત માટે મજબૂત સાથ પૂરાવ્યો હતો.
ભારતીય ટીમની શરુઆત સારી રહી નહોતી. કેપ્ટન રોહિત શર્મા કમનસીબ રીતે બોલ્ડ થયો હતો. તે માત્ર 1 જ રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો અને પેવેલિયન છોડવા દરમિયાન તેના ચહેરા પર નિરાશા દેખાઇ આવી રહી હતી. ભારતીય બેટીંગ ઇનીગ માટેની પ્રથમ ઓવર લઇને આવેલા દુષ્મંતા ચમિરાના છઠ્ઠા બોલ પર તે આઉટ થયો હતો. તે વખતે ભારતનો સ્કોર 9 રન હતો. તેના બાદ ઇશાન કિશન પણ રોહિતની વિકેટના આઘાતને ભૂલાવી સેટ થવા લાગ્યો ત્યાં જ તે બીજી વિકેટના રુપમાં છઠ્ઠી ઓવરમાં લાહિરુ કુમારાનો શિકાર થયો હતો. તે કેપ્ટન શનાકાને વિકેટ આપી બેઠો હતો. તેણે 15 બોલમાં 16 રન કર્યા હતા. આ દરમિયાન 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
બાદમાં ભારતીય ટીમની મુશ્કેલ શરુઆતને આગળ સુધારવા માટેની જવાબદારી શ્રેયસ અય્યર અને સંજૂ સેમસનના ખભે આવી હતી. બંનેએ તે ભૂમિકા ગંભીરતા પૂર્વક નિભાવી જાણી હતી. બંનેએ ભારતીય સ્કોર બોર્ડને જરુરી રન રેટ સાથે આગળ વધારી હતી. સંજૂ સેમસને 25 બોલમાં 39 રન ફટકાર્યા હતા, જે દરમિયાન તેણે 3 છગ્ગા જમાવ્યા હતા. અય્યરે 44 બોલમાં 74 રનની અણનમ ઇનીંગ રમી હતી. અય્યરે 4 છગ્ગા ફટકાર્યા હતા.
જાડેજાએ લગાવ્યો વિજયી ચોગ્ગો
રવિન્દ્ર જાડેજાએ અણનમ 45 રન 18 બોલમાં નોંધાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જાડેજાએ અય્યર સાથે જીત સુધી પહોંચાડતી રમત રમી હતી અને મજબૂત સાથ અય્યરને પુરાવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ અંતમાં વિજયી ચોગ્ગો 18 મી ઓવરની શરુઆતે ચામિરાના બોલ પર ફટકાર્યો હતો. આમ ભારતે 17.1 ઓવરમાં જ 184 રનના લક્ષ્યાંકને પાર કરી લીધુ હતુ.