IND vs SA: આ માટીમાંથી બનાવવામાં આવી છે ગુવાહાટીની પિચ, જાણો કોને વધુ મદદ મળશે?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીમાં રમાશે. આ મેચ 22 નવેમ્બરથી શરૂ થશે. મેચ પહેલા ગુવાહાટીની પિચની તસવીરો સામે આવી છે. જાણો આ પિચ પર કોને સૌથી વધુ સપોર્ટ મળશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી શરૂ થવાની છે, અને મેચ પહેલા સૌથી મોટો પ્રશ્ન એ છે કે કયા પ્રકારની પિચનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રશ્નનો જવાબ લગભગ મળી ગયો છે, કારણ કે ગુવાહાટી સ્ટેડિયમની પિચના પહેલા ફોટા સામે આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે ગુવાહાટીની પિચ લાલ રેતીથી બનેલી છે અને તેના પર ઘણું ઘાસ છે. જો કે, આ પિચ પર દેખાતું ઘાસ મેચના એક દિવસ પહેલા દૂર કરી દેવાય છે, જેના પછી ખબર પડશે કે આ 22-યાર્ડ સ્ટ્રીપની સ્થિતિ શું હશે.
ગુવાહાટીની પિચ કોને મદદ કરશે?
ગુવાહાટીમાં ODI અને T20 મેચ રમાઈ ચૂકી છે, પરંતુ આ સ્ટેડિયમમાં આ પહેલી ટેસ્ટ મેચ હશે. ટીમ ઈન્ડિયાને પણ ખબર નથી કે બોલિંગ અને બેટિંગ માટે પરિસ્થિતિ કેવી હશે. જોકે, પિચને જોઈ લાગે છે કે સ્પિનરોને ફરી એકવાર ફાયદો થશે. સ્પિન ફ્રેન્ડલી પિચ પર ગુવાહાટીમાં ટોસ ચોક્કસથી મહત્વપૂર્ણ બની જશે.
ટોસ જીતી પહેલા બેટિંગ સારો વિકલ્પ
જો ગુવાહાટીની પિચ સ્પિન-ફ્રેન્ડલી હશે, તો ટોસ જીતવો ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ રહેશે. કારણ કે આ પિચ પર ચોથી ઈનિંગ અત્યંત મુશ્કેલ હશે. કોલકાતામાં પણ ટીમ ઈન્ડિયા સાથે આવું જ થયું હતું, અને ટીમ 100 રન પણ બનાવી શકી ન હતી. એવા અહેવાલો છે કે શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટમાં રમશે નહીં, અને પંત તેની જગ્યાએ કેપ્ટનશીપ કરશે. જો પંતનું નસીબ સાથ આપશે, તો તે ટોસ જીત્યા પછી પહેલા બેટિંગ કરવા માંગશે. જો તે ટોસ હારી જાય, તો ટીમ ઈન્ડિયા માટે મેચ જીતવી અત્યંત મુશ્કેલ બની શકે છે.
ટીમ ઈન્ડિયા માટે બીજી મુશ્કેલી
ગુવાહાટી ટેસ્ટમાં ભારતીય ટીમને બીજી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. શુભમન ગિલનું સ્થાન નંબર 4 પર કોણ લેશે તે એક મુખ્ય પ્રશ્ન છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ડાબા હાથના બેટ્સમેન સાઈ સુદર્શનને પસંદ કરશે. સમસ્યા એ છે કે જો ટીમ ઈન્ડિયા સુદર્શનને રમાડે છે, તો ભારતીય લાઈનઅપમાં સાત ડાબા હાથના બેટ્સમેન હશે, જે તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: IND vs SA : ફિટ હોવા છતાં શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટમાં નહીં રમે, આ છે મોટું કારણ
