IND vs ENG : ઈંગ્લેન્ડ પ્રવાસ માટે નવી ટીમની જાહેરાત, સરફરાઝ ખાનના ભાઈને પણ મળી તક
આગામી થોડા દિવસોમાં ભારતની 5 અલગ અલગ ટીમો ઈંગ્લેન્ડમાં રમતી જોવા મળશે. આ દરમિયાન, બીજી ટીમની જાહેરાત કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં ભારતથી ઈંગ્લેન્ડ જવા રવાના થશે. આ ટીમમાં સરફરાઝ ખાનના ભાઈને પણ સ્થાન મળ્યું છે.

ક્રિકેટ ચાહકો હાલમાં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ પર નજર રાખી રહ્યા છે. આ દરમિયાન, ભારતની સિનિયર ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ખાસ વાત એ છે કે આ શ્રેણી દરમિયાન, ભારતીય અંડર-19 ટીમ પણ ઈંગ્લેન્ડમાં હશે. સાથે જ ઈન્ડિયા A નો ઈંગ્લેન્ડ પ્રવાસ હમણા જ સમાપ્ત થયો છે. એટલું જ નહીં, ભારતની મહિલા ક્રિકેટ ટીમ પણ આ ઈંગ્લેન્ડમાં રમવા જઈ રહી છે. બીજી તરફ, ભારતની મિક્સ્ડ ડિસેબલ (વિકલાંગ) ટીમ પણ ઈંગ્લેન્ડ જઈ રહી છે. આ દરમિયાન, બીજી ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જે બ્રિટિશરો સામે રમશે.
મુંબઈની ઈમર્જિંગ ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે જશે
હકીકતમાં, મુંબઈ ક્રિકેટ એસોસિએશને પણ તેની ઈમર્જિંગ ટીમને ઈંગ્લેન્ડના પ્રવાસે મોકલવાનો નિર્ણય લીધો છે, જેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. MCAએ સૂર્યાંશ શેડગેને તેની ઈમર્જિંગ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે, જે 28 જૂન 2025થી એક મહિના માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં, ટીમ ઈંગ્લેન્ડની વિવિધ કાઉન્ટી અને સ્થાનિક ટીમો સામે પાંચ બે દિવસીય અને ચાર ODI મેચ રમશે. આ પ્રવાસનો હેતુ યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય અનુભવ પૂરો પાડવાનો અને તેમની ટેકનિકલ, વ્યૂહાત્મક અને માનસિક કુશળતાને નિખારવાનો છે.
ટીમમાં 16 ખેલાડીઓનો સમાવેશ
16 સભ્યોની ટીમમાં ઘણા આશાસ્પદ ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમાં બેટિંગ ઓલરાઉન્ડર મુશીર ખાન, ઓપનર અંગક્રિશ રઘુવંશી અને યુવા સ્પિનર હિમાંશુ સિંહ જેવા નામોનો સમાવેશ થાય છે. સૂર્યાંશ શેડગે સાથે વેદાંત મુરકરને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે. ટીમના ઘણા ખેલાડીઓ રણજી ટ્રોફીમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, જે આ પ્રવાસને તેમના માટે વધુ મહત્વપૂર્ણ બનાવે છે. મુંબઈની આ ઈમર્જિંગ ટીમ નોટિંગહામશાયર, વોર્સેસ્ટરશાયર, ગ્લોસ્ટરશાયર અને કાઉન્ટી ચેલેન્જર્સ ટીમ જેવી મજબૂત ટીમો સામે રમશે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે મુંબઈની ઈમર્જિંગ ટીમ
સૂર્યાંશ શેડગે (કેપ્ટન), વેદાંત મુરકર (વાઈસ કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, આયુષ વર્તક, આયુષ જીમારે, હિમાંશુ સિંઘ, મનન ભટ્ટ, મુશીર ખાન, નિખિલ ગિરી, પ્રગ્નેશ કાનપિલેવાર, પ્રતિકકુમાર યાદવ, પ્રેમ દેવકર, પ્રિન્સ બદિયાની, ઝૈદ પાટણકર, હૃષીકેશ ગોર અને હર્ષલ જાધવ.
આ પણ વાંચો: IND vs ENG : 4 ખેલાડીઓ કરશે ડેબ્યૂ ! ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?
