IND vs BAN: ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને આપશે ટક્કર
બાંગ્લાદેશે ભારત સામે 19 સપ્ટેમ્બરથી રમાનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. બે મેચની આ શ્રેણી માટે 16 ખેલાડીઓને ટીમમાં રાખવામાં આવ્યા છે, બાંગ્લાદેશ ટીમની કમાન નઝમુલ હસન શાંતો સંભાળશે.
બાંગ્લાદેશે ભારત સામે 19 સપ્ટેમ્બરથી રમાનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. બે મેચની આ શ્રેણી માટે 16 ખેલાડીઓને ટીમમાં રાખવામાં આવ્યા છે, ટીમની કમાન નઝમુલ હસન શાંતો સંભાળશે. બાંગ્લાદેશની ટીમે તાજેતરમાં પાકિસ્તાન સામે 2-0થી ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ પ્રવાસમાં ગયેલા તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેથી ટીમમાં વધારે ફેરફાર કરવામાં આવ્યા નથી. ફાસ્ટ બોલર શોરીફુલ ઈસ્લામ ઈજાગ્રસ્ત છે. તેથી તેના સ્થાને ઝાકર અલીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ટીમમાં યુવા-અનુભવી ખેલાડીઓનું મિશ્રણ
બાંગ્લાદેશની ટીમમાં ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામ ભારત સામે ઓપનિંગની જવાબદારી સંભાળશે. કેપ્ટન નઝમુલ શાંતો નંબર 3 પર આવશે. આ ઉપરાંત ટીમમાં મોમિનુલ હક, મુશફિકુર રહેમાન અને મહમુદુલ હસન જોય બેટ્સમેન તરીકે સામેલ છે, જ્યારે લિટન દાસ વિકેટકીપિંગ કરતો જોવા મળશે. શોરીફુલ ઈસ્લામના સ્થાને સામેલ ઝાકર અલી ટીમનો બીજો વિકેટકીપર બેટ્સમેન હશે. જ્યારે શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાજ સ્પિન ઓલરાઉન્ડર તરીકે રહેશે. તસ્કીન અહેમદ, હસન મહમૂદ, સૈયદ ખાલિદ અહેમદ અને નાહિદ રાણા ટીમના 4 મુખ્ય ઝડપી બોલર હશે. આ સિવાય બે અન્ય સ્પિનરો નઈમ હસન અને તૈજુલ ઈસ્લામ છે.
બાંગ્લાદેશની ટીમ
નઝમુલ હસન શાંતો (કેપ્ટન), ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશફિકુર રહેમાન, મહમુદુલ હસન જોય, લિટન દાસ (વિકેટકીપર), ઝાકર અલી (વિકેટકીપર), શાકિબ અલ હસન, મેહદી હસન મિરાજ, નઈમ હસન, તૈજુલ ઈસ્લામ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, સૈયદ ખાલિદ અહેમદ, નાહીદ રાણા.
Bangladesh have named a 16-player squad for this month’s Test series against India #INDvBAN | #WTC25https://t.co/2iM9EGoRPL
— ICC (@ICC) September 12, 2024
ભારત સામે બાંગ્લાદેશનો રેકોર્ડ
બાંગ્લાદેશની ટીમ અગાઉ 2019-20માં 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતની મુલાકાતે આવી હતી. ત્યારબાદ ભારતે બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 13 ટેસ્ટ મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 11 મેચ જીતી છે અને 2 મેચ ડ્રો રહી છે. એટલે કે બાંગ્લાદેશની ટીમ હજુ પણ ટેસ્ટમાં ભારતને હરાવી શકી નથી. પાકિસ્તાનને હરાવ્યા બાદ કેપ્ટન શાંતો સહિત સમગ્ર ટીમ આત્મવિશ્વાસ સાથે ભારત આવી રહી છે. બાંગ્લાદેશની ટીમ ભારત સામેની ટેસ્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
WTCમાં કોણ ક્યાં છે?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન સર્કલમાં કુલ 9 ટીમો રેસમાં હતી. બાંગ્લાદેશ સામે સિરીઝ હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ આ રેસમાંથી બહાર થઈ ગઈ છે. બાકીની 8 ટીમોમાં ભારતીય ટીમ 68.52 ટકા પોઈન્ટ સાથે ટેબલમાં નંબર વન પર છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ 45.83 ટકા પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા 92 વર્ષમાં પહેલીવાર આ ખાસ દિવસ જોશે, માત્ર બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટ જીતવી પડશે