T20 World Cup Breaking News: મોટી દુર્ઘટના ટળી! મેદાન પર બે ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર, ડરના મારે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા
AFG VS NZ: ટી20 વર્લ્ડ કપ 2026 ને શરૂ થયાને હજુ એક જ દિવસ થયો છે અને અત્યારથી જ તેમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. ટૂર્નામેન્ટના પહેલા જ દિવસે બે મોટા ઉલટફેર થતા-થતા રહી ગયા હતા. બીજી તરફ, બીજા દિવસે એક ખતરનાક અકસ્માત ટળી ગયો હતો.

ટી20 વર્લ્ડ કપની ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન બંને ટીમ સામસામે હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા બોલિંગ કરી રહી હતી પરંતુ ઇનિંગની ત્રીજી ઓવરમાં જ કંઈક એવું બન્યું કે, જેના કારણે કિવી ટીમના જ બે ખેલાડીઓ એકબીજા સાથે અથડાયા હતા. આ એક દ્રશ્યએ ત્યાં હાજર ખેલાડીઓ અને પ્રેક્ષકોને થોડીવાર માટે ચિંતામાં મૂકી દીધા હતા.
હેનરી અને ગુરબાઝ સામસામે
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રવિવાર, 8 ફેબ્રુઆરીએ આ મેચ રમાઈ હતી, જેમાં અફઘાનિસ્તાની ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝ-સદિકુલ્લાહ અટલ ઓપનિંગ કરી રહ્યા હતા અને બંને શરૂઆતથી જ આક્રમક બેટિંગ (એટેક) કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
જો કે, બંને ઓપનરને કોઈ ખાસ સફળતા મળી નહોતી અને મોટાભાગના શોટ બરાબર કનેક્ટ કરી શકતા નહોતા. આવું જ કંઈક ત્રીજી ઓવરમાં બન્યું, જ્યારે ફાસ્ટ બોલર મેટ હેનરી બોલિંગ કરી રહ્યો હતો અને ગુરબાઝ સ્ટ્રાઈક પર હતો.
View this post on Instagram
બંને ખેલાડીઓ મેદાન પર જ પડ્યા રહ્યા
ત્રીજી ઓવરનો પાંચમો બોલ હેનરીએ બાઉન્સર નાખ્યો અને ગુરબાઝે પુલ શોટ ફટકાર્યો પણ તે સફળ રહ્યો નહીં. બેટની ઉપરની કિનારી વાગીને બોલ વિકેટની પાછળ હવામાં ઊંચે ઉછળ્યો. કેચની શક્યતા જોતા ન્યૂઝીલેન્ડના 3 ફિલ્ડરો બોલ તરફ દોડ્યા, જેમાં વિકેટકીપર ટિમ સાઈફર્ટ પણ જોડાયો હતો. એવામાં કેચ પકડવા દરમિયાન સાઈફર્ટ-ફિન એલન વચ્ચે જોરદાર ટક્કર થઈ અને બંને મેદાન પર પડી ગયા. આગલી થોડી સેકન્ડો માટે બંને મેદાન પર જ પડ્યા રહ્યા અને એકબીજાને જોઈ રહ્યા હતા.
રાહતની વાત એ રહી કે, આ ટક્કરથી ખેલાડીઓને કોઈ નુકસાન થયું નહીં અને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નહોતી. બંને ઊભા થઈ ગયા અને દરેક વ્યક્તિએ રાહતનો શ્વાસ લીધો. ખેલાડીઓને તો કોઈ ઈજા ન થઈ પરંતુ ટીમને એક નુકસાન ચોક્કસ થયું.
એક ભૂલ અને 20 રનનું નુકસાન
આ ટક્કરના કારણે કેચ છૂટી ગયો અને રહેમાનુલ્લાહ ગુરબાઝને જીવનદાન મળી ગયું. તે સમયે ગુરબાઝ માત્ર 7 રન પર હતો. ગુરબાઝે આ તકનો ફાયદો ઉઠાવ્યો અને પોતાના સ્કોરમાં બીજા 20 રન ઉમેરીને અંતે 27 રન બનાવીને આઉટ થયો. જો કે, આ વિકેટ લોકી ફર્ગ્યુસને લીધી હતી. તેણે આ જ ઓવરમાં ગુરબાઝના ઓપનિંગ પાર્ટનર ઈબ્રાહિમ ઝાદરાનને પણ આઉટ કર્યો હતો.
હાલમાં અફઘાનિસ્તાન ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 ફટકાર્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ગુલાબદિને 35 બોલમાં 63 રન ફટકાર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. કિવિ ટીમ તરફથી ફર્ગ્યુસને 2 વિકેટ અને હેનરી, ડફી તેમજ રવિન્દ્રએ અનુક્રમે 1-1 વિકેટ ખેરવી હતી.
રનચેઝમાં હાલ કિવી ટીમ ઘૂંટણીયે આવી ગઈ છે. મુજીબે 1 જ ઓવરમાં ફિન એલન અને રચિન રવિન્દ્રને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ચિંતામાં મૂકી દીધું છે. હવે સાઈફર્ટ અને ફિલિપ્સ ક્રિઝ પર છે. એવામાં કિવી ફેન્સની નજર આ બંને આક્રમક બેટ્સમેન પર ટકેલી છે.
