T20 World Cup Breaking News: વાનખેડેમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! છેલ્લી ઓવરના રોમાંચમાં ઈંગ્લેન્ડે નેપાળનું ‘સપનું તોડ્યું’, અંગ્રેજ બોલરોએ છેલ્લી ઘડીએ બાજી પલટી
આજે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટ જગત એક મોટો ઉલટફેર થતાં બચી ગયો હતો. T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ-સી ના આ મહત્વપૂર્ણ મુકાબલામાં બે વખતની ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ અને નેપાળ સામસામે હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 184/7 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન હેરી બ્રૂક (53 રન) અને જેકોબ બેથેલે (55 રન) શાનદાર અડધી સદી ફટકારી હતી. અંતિમ ઓવરોમાં વિલ જેક્સની 39 રનની આક્રમક ઈનિંગે ઈંગ્લેન્ડને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. નેપાળ તરફથી નંદન યાદવ અને દીપેન્દ્ર સિંહ એરીએ 2-2 વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડના બેટ્સમેનોને અંકુશમાં રાખ્યા હતા.
185 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની શરૂઆત એકંદરે સારી રહી હતી. કેપ્ટન રોહિત પૌડેલ અને દીપેન્દ્ર સિંહ એરીએ અદભૂત રમત બતાવી હતી. બંને બેટ્સમેનોએ અનુક્રમે 39 અને 44 રન બનાવ્યા હતા. 18 મી ઓવરમાં લોકેશ બામે જોફ્રા આર્ચર અને લ્યુક વુડ સામે આક્રમક બેટિંગ કરી 22 રન ઝૂડી કાઢ્યા હતા. તેણે 2 શાનદાર છગ્ગા ફટકારીને મેચમાં નેપાળની વાપસી કરાવી હતી.
છેલ્લી 2 ઓવરમાં 23 રન જોતાં હતા અને લોકેશ બામ ક્રિઝ પર હતો. બામે ગુલસન ઝા સાથે મળીને 19 મી ઓવરમાં 14 રન ઉમેર્યા હતા અને નેપાળને જીતની નજીક પહોંચાડી દીધું હતું. જો કે, અંતિમ ઓવરમાં સેમ કરને સચોટ યોર્કર્સ નાખીને આખી મેચ નેપાળના પક્ષમાંથી ખેંચી લીધી હતી. છેવટે લોકેશ બામના 39 રન એળે ગયા અને ઈંગ્લેન્ડ ટીમે રાહતનો શ્વાસ લીધો.
ઈંગ્લેન્ડ તરફથી લિયામ ડોસને 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ ખેરવી હતી. આ સિવાય વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લ્યુક વૂડ અને કરને 1-1 વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે, ઈંગ્લેન્ડના 2 સ્ટાર બોલર આર્ચર અને રશીદને નેપાળના બેટ્સમેનોએ આડેહાથ લીધા હતા.
