IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચ પહેલા મોટો હોબાળો, સ્ટાર ખેલાડીઓએ મેચ ન રમવાનો લીધો નિર્ણય
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં 20 જુલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ પહેલા ત્રણ દિગ્ગજ ભારતીય ખેલાડીઓએ મોટો નિર્ણય લીધો છે અને લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ની બીજી સિઝન શરૂ થઈ ગઈ છે. ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડીઓ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. આ લીગની હાઈ વોલ્ટેજ મેચ 20 જુલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે, જો કે મેચ પહેલા હોબાળો મચી ગયો છે. ભારતના કેટલાક અનુભવી ખેલાડીઓએ મોટો નિર્ણય લીધો છે અને પાકિસ્તાન સામેની મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
હરભજન-પઠાણ બ્રધર્સ પાકિસ્તાન સામે નહીં રમે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં પાકિસ્તાન સામે રમાનારી મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હરભજન સિંહ ગત સિઝનનો ભાગ હતો, પરંતુ આ વખતે તેણે પાકિસ્તાન સામે ન રમવાનો નિર્ણય લીધો છે. ભજ્જી જ નહીં, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે પણ પોતાના નામ પાછા ખેંચી લીધા છે.
આતંકવાદી હુમલાના સંદર્ભમાં લીધો નિણર્ય
વાસ્તવમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ પહેલા કરતા વધુ વધી ગયો છે. આ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 થી 10 મે સુધી લશ્કરી સંઘર્ષ ચાલુ રહ્યો.
ભારતીય ફેન્સની નારાજગી
પરંતુ આ ઓપરેશન સિંદૂરના માત્ર 2 મહિના પછી, ભારતના મહાન ખેલાડીઓ પાકિસ્તાન સામે મેચ રમવા જઈ રહ્યા છે, જે ચાહકોને પસંદ નથી આવી રહ્યું. ચાહકો સોશિયલ મીડિયા પર આ મેચનો સતત વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાન ટીમમાં શાહિદ આફ્રિદીનો પણ સમાવેશ થાય છે, જેણે પહેલગામ હુમલા પછી ભારત સામે ખૂબ ઝેર ઓક્યું હતું. આવી સ્થિતિમાં, ચાહકોનું કહેવું છે કે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સામે મેચ ન રમવી જોઈએ.
WCL 2025 માટે ભારત ચેમ્પિયન ટીમ
યુવરાજ સિંહ, શિખર ધવન, હરભજન સિંહ, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, પીયૂષ ચાવલા, સ્ટુઅર્ટ બિન્ની, વરુણ એરોન, વિનય કુમાર, અભિમન્યુ મિથુન, સિદ્ધાર્થ કૌલ, ગુરકીરત માન.
પાકિસ્તાન ચેમ્પિયન ટીમ
મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, સરફરાઝ અહેમદ, શરજીલ ખાન, વહાબ રિયાઝ, આસિફ અલી, શાહિદ આફ્રિદી, કામરાન અકમલ, આમેર યામીન, સોહેલ ખાન, સોહેલ તનવીર.
આ પણ વાંચો: IND vs ENG : ટીમ ઈન્ડિયાના 10 ખેલાડીઓ માન્ચેસ્ટરમાં ડેબ્યૂ કરશે, ખાસ નજારો જોવા મળશે
