Aaryavir Sehwag : વીરેન્દ્ર સેહવાગના દીકરાનો ધમાકો, આર્યવીર સેહવાગે 99 રન બનાવી અપાવી જીત
કૂચ બિહાર ટ્રોફીમાં દિલ્હીએ બિહારને હરાવ્યું હતું. દિલ્હીનો 8 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે 99 રન બનાવ્યા હતા અને ટીમને વિજય અપાવ્યો હતો.

વીરેન્દ્ર સેહવાગનો પુત્ર, આર્યવીર સેહવાગ ફરી એકવાર હેડલાઈનમાં છે. આ જમણા હાથના બેટ્સમેને શાનદાર બેટિંગથી પોતાની ટીમને જીત તરફ દોરી છે. કૂચ બિહાર ટ્રોફીમાં દિલ્હી માટે રમતા આર્યવીર સેહવાગે બિહારના બોલરોને મુશ્કેલીમાં મુક્યા અને મેચમાં કુલ 99 રન બનાવ્યા, જેનાથી તેની ટીમે 8 વિકેટથી મેચ જીત લીધી. આર્યવીર સેહવાગ ઉપરાંત, ઝડપી બોલર લક્ષ્મણે જોરદાર બોલિંગ કરી અને કુલ 11 વિકેટ લીધી. આ ખેલાડીએ પહેલી ઈનિંગમાં 7 વિકેટ અને બીજી ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી.
વીરેન્દ્ર સેહવાગનો દીકરો હેડલાઈનમાં
પાલમના એરફોર્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ પર દિલ્હીની શરૂઆત ખરાબ રહી. આરાધ્યા ચાવલા માત્ર 4 રન બનાવીને આઉટ થયો. તન્મય ચૌધરી પણ ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો, પરંતુ ત્યારબાદ આર્યવીર સેહવાગે કેપ્ટન પ્રણવ પંત સાથે સદીની ભાગીદારી કરી. બંનેએ બીજી વિકેટ માટે 147 રન ઉમેર્યા. બંને ખેલાડીઓએ ચોગ્ગાનો વરસાદ કર્યો, જોકે આર્યવીર કે પંત બંનેમાંથી કોઈ સદી ફટકારી શક્યો નહીં. આર્યવીર 72 રન બનાવીને આઉટ થયો અને પ્રણવ પંત 89 રન બનાવીને આઉટ થયો. દિલ્હી પ્રથમ ઈનિંગમાં ફક્ત 278 રન બનાવી શક્યું.
આર્યવીરે મેચમાં 99 રન બનાવ્યા
દિલ્હીએ ઓછા રન બનાવ્યા, પરંતુ બિહારે તેનાથી પણ ખરાબ રમત રમી. તેમણે પહેલી ઈનિંગમાં 125 રન બનાવ્યા. બિહારને ફોલોઓન કરવાની ફરજ પડી, પરંતુ બીજી ઈનિંગમાં તેઓ 205 રન બનાવી શક્યા. દિલ્હીને ફક્ત 53 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે તેમણે 15.2 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. આર્યવીરે બીજી ઈનિંગમાં પણ અણનમ 27 રન બનાવીને દિલ્હીને વિજય અપાવ્યો. આર્યવીરે મેચમાં કુલ 99 રનનું યોગદાન આપ્યું.
આર્યવીર સેહવાગની કારકિર્દી
આર્યવીર સેહવાગ 2023 થી એજ ગ્રુપ ક્રિકેટમાં રમે છે. અહેવાલ અનુસાર તેણે કુલ 61 મેચ રમી છે, જેમાં 2103 રન બનાવ્યા છે. ગયા વર્ષે કૂચ બિહાર ટ્રોફીમાં બેવડી સદી ફટકારીને તે લાઈનલાઈટમાં આવ્યો હતો. આર્યવીરે મેઘાલય સામે અણનમ 200 રન બનાવ્યા હતા. તે દિલ્હી પ્રીમિયર લીગમાં પણ રમ્યો હતો, જ્યાં તેને સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે ₹8 લાખમાં ખરીદ્યો હતો.
આ પણ વાંચો: Breaking News: BCCI એ બાંગ્લાદેશ સામે આખી સિરીઝ રદ કરી, અચાનક લીધો મોટો નિર્ણય
