IND vs AUS : વિરાટ કોહલી થયો ઈમોશનલ…સ્ટીવ સ્મિથની નિવૃત્તિ બાદ વીડિયો થયો વાયરલ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં ભારત સામેની હાર બાદ સ્ટીવ સ્મિથે નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિ પછી વિરાટ કોહલીનો એક ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભાવુક દેખાઈ રહ્યો છે. શું વિરાટને પહેલાથી જ ખબર હતી કે સ્ટીવ સ્મિથ નિવૃત્તિ લેવાનો છે?

ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં જગ્યા બનાવી હતી અને ઓસ્ટ્રેલિયાને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું હતું. ઓસ્ટ્રેલિયન ચાહકો હજુ આ હારના આઘાતમાંથી બહાર આવ્યા ન હતા, ત્યારે કેપ્ટન સ્ટીવ સ્મિથે ફેન્સને બીજો મોટો ઝટકો આપ્યો હતો. સ્ટીવ સ્મિથે અચાનક વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
સ્મિથે ODI ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
સ્ટીવ સ્મિથને એક મહાન ટેસ્ટ ક્રિકેટર માનવામાં આવે છે, પરંતુ તેણે ODI અને T20માં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્મિથની નિવૃત્તિ બાદ વિરાટ કોહલી સાથે સ્ટીવ સ્મિથનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી સ્મિથને ગળે લગાવી રહ્યો છે. આ તસવીર જોઈને એવું લાગે છે કે વિરાટને પહેલાથી જ ખબર હતી કે સ્ટીવ સ્મિથ નિવૃત્તિ લેવાનો છે.
કોહલી-સ્મિથનો વીડિયો વાયરલ
દુબઈમાં સેમીફાઈનલ મેચ સમાપ્ત થયા પછી વિરાટ કોહલીએ સ્ટીવ સ્મિથને ગળે લગાવ્યો, થોડી વાર તેની સાથે વાત કરી, આ સમયે વિરાટ પણ થોડો ભાવુક થયો હતો. સ્મિથ અને વિરાટ બંને ‘ફેબ-4’નો ભાગ છે. બંનેના બેટિંગ આંકડાઓની ઘણીવાર સરખામણી કરવામાં આવે છે. મેચ પછી સ્ટીવ સ્મિથે પણ વિરાટને સલામ કરી હતી. વિરાટ કોહલી વિશે સ્મિથે કહ્યું કે આ ખેલાડી એક મોટો મેચ વિનર છે. રન ચેઝમાં તેને રોકવો મુશ્કેલ છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ઘણા રન બનાવ્યા છે.
Virat Kohli ️ – “Last” ? Steve Smith ️ – “Yes”#SteveSmith pic.twitter.com/HckKvpGRXO
— Richard Kettleborough (@RichKettle07) March 5, 2025
સ્મિથનો વનડે રેકોર્ડ
સ્ટીવ સ્મિથે 169 વનડે મેચ રમી અને 5727 રન બનાવ્યા હતા. સ્મિથની બેટિંગ એવરેજ 43 થી વધુ હતી. સ્મિથે 12 સદી અને 34 અડધી સદી પણ ફટકારી હતી. સ્ટીવ સ્મિથે વર્ષ 2010માં ODIમાં ડેબ્યૂ કર્યું હતું અને સૌથી મોટી વાત એ છે કે આ દિગ્ગજ ખેલાડી બોલર તરીકે ટીમમાં આવ્યો હતો પરંતુ જ્યારે તે ODI ક્રિકેટમાંથી નિવૃત્ત થયો ત્યારે તેની બેટિંગ એવરેજ 43 થી વધુ હતી જે ખરેખર અદ્ભુત છે.
T20 અને ટેસ્ટ રમવાનું ચાલુ રાખશે
સ્ટીવ સ્મિથે વનડેને અલવિદા કહી દીધું છે. પરંતુ હાલ પૂરતું, તે T20 અને ટેસ્ટ રમવાનું ચાલુ રાખશે. સ્ટીવ સ્મિથ T20 ફોર્મેટ રમી રહ્યો છે કારણ કે તે 2028 ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયા માટે રમવા માંગે છે. 2028 ઓલિમ્પિક લોસ એન્જલસમાં યોજાવાનું છે અને તેમાં ક્રિકેટનો પણ સમાવેશ થયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથનું ફોર્મ અદ્ભુત છે. સ્મિથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત સામે બે સદી પણ ફટકારી હતી.
આ પણ વાંચો: Video : ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ગાળો બોલવા લાગ્યો, અચાનક કોચ સાથે શું થયું?