Breaking News : માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રિષભ પંત થયો ઈજાગ્રસ્ત, ચાલુ મેચમાં છોડ્યું મેદાન
માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન ભારતીય ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ઈજાને કારણે રિષભ પંતને મેદાન છોડવું પડ્યું હતું. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સની 68મી ઓવરમાં ક્રિસ વોક્સના યોર્કરને રિવર્સ-સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે પંત ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે રિટાયર્ડ હાર્ટ થયો હતો.

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ઈજાને કારણે રિટાયર્ડ હાર્ટ થયો હતો. આ ઘટના ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સની 68મી ઓવરમાં બની હતી, જ્યારે પંત ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સનો સામનો કરી રહ્યો હતો. આ ઈજાએ ટીમ ઈન્ડિયાની ચિંતા પણ વધારી દીધી છે.
રિષભ પંત કેવી રીતે થયો ઘાયલ?
ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સની 68મી ઓવરમાં ક્રિસ વોક્સના ઝડપી યોર્કર બોલે પંતને મુશ્કેલીમાં મૂકી દીધો. પંતે આ બોલ પર રિવર્સ-સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો તેના જૂતા પર વાગ્યો. આ જોરદાર ફટકા પછી પંત પીડાથી કણસતો જોવા મળ્યો. મેદાન પર હાજર ફિઝિયોએ તાત્કાલિક તેની તપાસ કરી, અને એવું જોવા મળ્યું કે તેના પગમાંથી લોહી નીકળતું હતું. પીડા અને ઈજાની ગંભીરતાને જોતા, પંત વધુ બેટિંગ કરી શક્યો નહીં. આ પછી, તેને એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો.
સીરિઝમાં બીજીવાર પંત થયો ઈજાગ્રસ્ત
આ શ્રેણીમાં રિષભ પંત ઈજાગ્રસ્ત થયાની આ પહેલી ઘટના નથી. તેને ત્રીજી ટેસ્ટ મેચમાં પણ ઈજા થઈ હતી. તે મેચ દરમિયાન જસપ્રીત બુમરાહનો ઝડપી બાઉન્સર પંતની આંગળીમાં વાગ્યો હતો, જેના કારણે તે આખી મેચમાં વિકેટકીપિંગ કરી શક્યો ન હતો. જોકે, તેણે બેટિંગ કરી હતી. ત્યારબાદ માન્ચેસ્ટર ટેસ્ટમાં તેના રમવા અંગે સસ્પેન્સ હતું. પરંતુ તે સ્વસ્થ થયો.
રિટાયર્ડ હર્ટ થઈ બહાર ગયો પંત
જ્યારે રિષભ પંત ઈજાગ્રસ્ત થયો, ત્યારે તે 48 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યો હતો. તે ખૂબ જ સારી લયમાં હતો અને તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. પરંતુ આ ઈજાને કારણે પંતને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું. આનો અર્થ એ છે કે તે ફિટ થઈ શકે છે અને બેટિંગમાં પાછો આવી શકે છે. પરંતુ તેની ઈજા કેટલી ગંભીર છે તે જાણવા માટે BCCI તરફથી અપડેટની રાહ જોવી પડશે.
આ પણ વાંચો: Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, કારકિર્દીમાં પહેલીવાર બન્યું આવું
