Breaking News : બે વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે લીધી નિવૃત્તિ
ભારતીય ક્રિકેટમાં બહુ ઓછા ખેલાડીઓ છે જેમને બે વર્લ્ડ કપ રમવાનો મોકો મળે છે, અને તેમાં પણ 2 વર્લ્ડ કપ જીતવાનું સૌભાગ્ય ખૂબ જ નસીબદાર ક્રિકેટરોને મળે છે. ભારત માટે બે વર્લ્ડ કપ જીતવાનું બહુમાન ધરાવતા એક સ્ટાર ક્રિકેટરે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.

હાલ ક્રિકેટમાં નિવૃત્તિનો ટ્રેન્ડ હાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ODI ક્રિકેટ અને દક્ષિણ આફ્રિકાના સ્ટાર હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. આ બધા વચ્ચે, હવે વધુ એક ખેલાડીએ નિવૃત્તિ લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર લેગ-સ્પિનર પીયૂષ ચાવલાએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
પિયુષ ચાવલાએ નિવૃત્તિની જાહેરાત કરી
37 વર્ષીય ભૂતપૂર્વ લેગ-સ્પિનર પીયૂષ ચાવલાએ શુક્રવાર, 6 જૂનના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક નિવેદન બહાર પાડ્યું અને ચાહકોને પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી. ચાવલાએ કહ્યું કે તેણે તમામ ફોર્મેટ અને તમામ સ્તરના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. ચાવલાએ લખ્યું, “મેદાન પર બે દાયકા વિતાવ્યા પછી, આ સુંદર રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.”
View this post on Instagram
બે વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ
પીયૂષ ચાવલા ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યા છે. 2007માં જ્યારે ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની કપ્તાનીમાં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે ચાવલા ટીમનો ભાગ હતા. તે સમયે ચાવલા ફક્ત 19 વર્ષનો હતો. જોકે, વર્લ્ડ કપમાં તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી અને તેણે T20 ડેબ્યૂ માટે 2010 સુધી રાહ જોવી પડી હતી. આ ઉપરાંત, તે 2011માં વનડે વર્લ્ડ કપ જીતનાર ટીમમાં પણ હતો. વનડે વર્લ્ડ કપમાં તેણે 3 મેચ રમી અને 4 વિકેટ લીધી. જોકે, તેને ફાઈનલમાં તક મળી ન હતી.
IPLના સૌથી સફળ બોલરોમાંના એક
ચાવલાએ આ બે વર્લ્ડ કપ જીતને પોતાની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો અને કહ્યું કે તે હંમેશા તેમના દિલમાં રહેશે. પિયુષ ચાવલાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બહુ લાંબી ન હતી પરંતુ તેણે IPLમાં લાંબો સમય વિતાવ્યો અને પહેલી સિઝનથી જ આ લીગનો ભાગ રહ્યો. તેણે પોતાની છેલ્લી સિઝન 2024માં રમી હતી. IPLમાં પિયુષે પંજાબ કિંગ્સ સાથે પોતાની સફર શરૂ કરી. પછી તે કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો પણ ભાગ બન્યો. આ દરમિયાન તેણે 2014માં કોલકાતાને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ચાવલા IPLના સૌથી સફળ બોલરોમાંના એક રહ્યા છે, તેણે 192 મેચોમાં 192 વિકેટ લીધી હતી.
સચિનને આઉટ કરી લાઈમલાઈટમાં આવ્યો
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો, પીયૂષ ચાવલાની કારકિર્દી 15 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી, જ્યારે તેણે અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. તે બે વાર અંડર-19 વર્લ્ડ કપ રમ્યો હતો. પરંતુ તેને સૌથી વધુ લાઈમલાઈટ ત્યારે મળી જ્યારે તેણે માત્ર 17 વર્ષની ઉંમરે ચેલેન્જર ટ્રોફીમાં સચિન તેંડુલકરને આઉટ કર્યો. ચાવલાએ કુલ 35 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં તેણે 43 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: RCBએ 650 કરોડ કમાયા, IPLની ઈનામી રકમ કરતા ટિકિટ વેચીને વધુ કમાણી કરી