Breaking News: રોહિત શર્માના માતા-પિતા અચાનક લંડન પહોંચ્યા, IND vs ENG લોર્ડ્સ ODI પછી લેશે નિવૃત્તિ?
રોહિત શર્માની નિવૃત્તિને લઈ અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે તેના માતા-પિતા લંડન પહોંચી ગયા છે. જે બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાનારી ODI મેચ રોહિત શર્માની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે.

ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક રોહિત શર્માના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 19 જુલાઈના રોજ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાનારી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ મેચ રોહિત શર્માના વનડે કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિતના માતા-પિતા, ગુરુનાથ શર્મા અને પૂર્ણિમા શર્મા, તેમના પુત્રની અંતિમ મેચ જોવા માટે લંડન પહોંચ્યા છે. આ પછી, એવી અટકળો ચાલી રહી છે કે રોહિત રવિવારે લોર્ડ્સમાં છેલ્લી વખત ભારતીય જર્સીમાં રમતો જોવા મળશે.
પસંદગીકાર-કોચે રોહિત સાથે કરી ચર્ચા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર ગયા અઠવાડિયે રોહિત શર્મા સાથે મળ્યા હતા અને ટીમ ઈન્ડિયાની લાંબા ગાળાની યોજનાઓની ચર્ચા કરી હતી. પસંદગીકારોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ 2027 ના ODI વર્લ્ડ કપ માટે રોહિતને ધ્યાનમાં લઈ રહ્યા નથી, અને આ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય શ્રેણી હોઈ શકે છે. પસંદગી સમિતિ હવે યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેમાં યશસ્વી જયસ્વાલને ભવિષ્યના ઓપનર તરીકે મુખ્ય ભૂમિકા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.
રોહિત શર્માના માતા-પિતા લંડન પહોંચ્યા
રોહિત શર્માના માતા-પિતા લંડન પહોંચી ગયા છે અને માનવામાં આવે છે કે તેઓ અંતિમ વનડે જોવા માટે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાજર રહેશે. જોકે, હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે આ રોહિત શર્માની છેલ્લી મેચ હશે કે નહીં. BCCIએ પણ કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
આ નિર્ણય અફઘાનિસ્તાન શ્રેણીમાં જ લેવાનો હતો
અહેવાલો અનુસાર, અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી રોહિતની છેલ્લી હોવાની ધારણા હતી, પરંતુ તે શ્રેણીમાં અડધી સદી ફટકારવાથી પસંદગીકારોએ આ નિર્ણય મુલતવી રાખ્યો. જોકે, ઈંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં રોહિતનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું છે. પ્રથમ ODI માં 11 રન બનાવ્યા બાદ, તે કાર્ડિફમાં રમાયેલી બીજી મેચમાં 47 બોલમાં માત્ર 26 રન જ બનાવી શક્યો. આનાથી તે આખરે આ મોટા નિર્ણય તરફ આગળ વધ્યો.
બે ફોર્મેટને અલવિદા કહી દીધું છે
રોહિત શર્મા પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બે ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેણે 29 જૂન, 2024 ના રોજ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે ભારતને T20 વર્લ્ડ કપ ટાઈટલ અપાવ્યા પછી તરત જ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ, મે 2025 માં, તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે લોર્ડ્સમાં રોહિત તેની વનડે કારકિર્દીનો પણ અંત લાવી શકે છે.
