માનવતાનો જીવંત દાખલો, પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોને મળ્યું નવું જીવન, જુઓ Video
આણંદના સોજીત્રા તાલુકાના કાસોર ગામમાં પૂરની સ્થિતિમાં ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું હૃદયસ્પર્શી બચાવકાર્ય કરવામાં આવ્યું. વન વિભાગ અને દયા ફાઉન્ડેશનની ટીમે શરૂઆતમાં મુશ્કેલીઓ છતાં, પાણીમાં સુરક્ષિત માર્ગ બનાવીને તમામ વાનરોને સફળતાપૂર્વક બચાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ વચ્ચે અનેક જીવોના બચાવકાર્યના કિસ્સાઓ સામે આવ્યા છે. આવા જ એક હૃદયસ્પર્શી કિસ્સામાં, આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના કાસોર ગામમાંથી એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું છે. અહીં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સેવાલયા વિસ્તારમાં આવેલા એક ખેતરના ઝાડ પર 25 થી 30 જેટલા વાનરોનું ટોળું ફસાઈ ગયું હતું.
નીચે લગભગ પાંચ થી છ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હોવાથી વાનરો ઝાડ પર જ લાચાર અવસ્થામાં રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને કમસદ સ્થિત દયા ફાઉન્ડેશનની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. શરૂઆતમાં, દોરડા અને સીડીની મદદથી વાનરો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ગભરાયેલા વાનરો નીચે ઉતરવા તૈયાર નહોતા.
ત્યારબાદ, બચાવ ટીમે સૂઝબૂઝ અને માનવતાભર્યો અભિગમ દાખવીને પાણીમાં વસ્તુઓ ગોઠવી એક સુરક્ષિત માર્ગ બનાવ્યો. આ પદ્ધતિ અપનાવીને, એક પછી એક તમામ વાનરોને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યા અને તેમને સુરક્ષિત વિસ્તારમાં ખસેડવામાં આવ્યા. આ બચાવકાર્ય દર્શાવે છે કે દરેક જીવ પ્રત્યે સંવેદના એ જ સાચી માનવતા છે.
ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત, 437 જગ્યાઓ ખાલી, જુઓ Video

