Breaking News : ભારત-પાકિસ્તાન મેચ માટે ICC એ કરી મોટી જાહેરાત, T20 World Cup 2026 માટે બે લોકોને સોંપી ખાસ જવાબદારી
T20 વર્લ્ડ કપ 2026નું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા થશે, જે 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. સૌથી વધુ રાહ જોવાતી ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે.

T20 વર્લ્ડ કપ 2026નું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે સૌથી વધુ રાહ જોવાતી ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં આવેલા આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો હંમેશા રોમાંચક રહેતો હોવાથી આ મેચને વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે હાઈ-વોલ્ટેજ ઇવેન્ટ માનવામાં આવે છે.
ભારત-પાકિસ્તાન મેચ માટે ICCની મોટી જાહેરાત
આ મહત્વપૂર્ણ મેચને ધ્યાનમાં રાખીને ICC એ ગ્રુપ સ્ટેજ માટે મેચ અધિકારીઓની જાહેરાત કરી છે. ગ્રુપ સ્ટેજ માટે કુલ 24 ઓન-ફીલ્ડ અમ્પાયર અને 6 મેચ રેફરીની પસંદગી કરવામાં આવી છે. સુપર 8 અને નોકઆઉટ સ્ટેજ માટે અધિકારીઓની જાહેરાત બાદમાં કરવામાં આવશે.
ICC એ ભારત-પાકિસ્તાન મેચ માટે બે અનુભવી અમ્પાયરોને જવાબદારી સોંપી છે. શ્રીલંકાના કુમાર ધર્મસેના અને ઇંગ્લેન્ડના રિચાર્ડ ઇલિંગવર્થ આ મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે ફરજ બજાવશે. બંને અમ્પાયરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિશાળ અનુભવ છે, જે આ મહત્વપૂર્ણ મુકાબલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કુમાર ધર્મસેનાએ અગાઉ 2016 અને 2022 T20 વર્લ્ડ કપ ફાઇનલ સહિત અનેક મોટી મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. તેઓ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં પણ ઓન-ફીલ્ડ અમ્પાયર રહેશે, જેમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સની ટીમો આમને-સામને ટકરાશે. બીજી તરફ, રિચાર્ડ ઇલિંગવર્થ પણ વર્ષોથી ICCના મોટા ટુર્નામેન્ટ્સમાં પોતાની નિષ્પક્ષતા અને અનુભવ માટે ઓળખાય છે.
ટુર્નામેન્ટના પહેલા દિવસે કોલકાતામાં રમાનારી ગ્રુપ Cની મેચમાં સ્કોટલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નીતિન મેનન અને સેમ નોગાજસ્કી અમ્પાયરિંગ કરશે. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયા પોતાનો પહેલો મેચ 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામે રમશે. આ મેચ માટે ઓન-ફીલ્ડ અમ્પાયર તરીકે પોલ રીફેલ અને રોડ ટકરની નિમણૂક કરવામાં આવી છે.
T20 વર્લ્ડ કપ 2026 માટે મેચ અધિકારીઓની યાદી
મેચ રેફરી: ડીન કોસ્કર, ડેવિડ ગિલ્બર્ટ, રંજન મદુગલે, એન્ડ્રુ પાયક્રોફ્ટ, રિચી રિચાર્ડસન અને જવાગલ શ્રીનાથ.
અમ્પાયર: રોલેન્ડ બ્લેક, ક્રિસ બ્રાઉન, કુમાર ધર્મસેના, ક્રિસ ગેફની, એડ્રિયન હોલ્ડસ્ટોક, રિચાર્ડ ઇલિંગવર્થ, રિચાર્ડ કેટલબરો, વેઇન નાઈટ્સ, ડોનોવન કોચ, જયરામન મદનગોપાલ, નીતિન મેનન, સેમ નોગાજસ્કી, કેએનએ પદ્મનાભન, અલ્લાહુદ્દીન પાલેકર, અહસાન રઝા, લેસ્લી રીફર, પોલ રીફેલ, લેંગટન રુસેરે, શરફુદ્દૌલા ઇબ્ને શાહિદ, ગાઝી સોહેલ, રોડ ટકર, એલેક્સ વ્હાર્ફ, રવિન્દ્ર વિમાલાસિરી અને આસિફ યાકુબ.
ક્રિકેટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
