AUSW vs INDW: જીતેલી બાજી હારી જતા મિતાલી રાજનુ દર્દ છલકાયુ, રોમાંચક મેચમાં એક નો-બોલે મેચ ઝૂંટવી લીધી
ભારતીય મહિલા ટીમ (Indian Women Team)આ મેચમાં જીતના ઉંબરે ઉભી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં બનેલા ડ્રામાએ ભારતના હાથમાંથી મેચ છીનવી લીધી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને આ હાર ત્યારે મળી જ્યારે ટીમ વિજયના ઉંબરે ઉભી હતી. જોકે, ઝુલન ગોસ્વામી ( Jhulan Goswami) દ્વારા ફેંકવામાં આવેલી છેલ્લી ઓવરમાં થયેલી એક ભૂલે ભારતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. ઝુલને છેલ્લી ઓવરમાં નો બોલ (No Ball) ફેંક્યો હતો, જેના કારણે મેચ ઓસ્ટ્રેલિયા (Australia ) ના પક્ષમાં થઇ ગઈ હતી.
હવે ટીમની કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) કહ્યું છે કે, તેણે ઝુલનનો છેલ્લો બોલ ‘નો બોલ’ નાંખવાની અપેક્ષા નહોતી રાખી. જેના કારણે ‘કરો અથવા મરો’ ની મેચ ભારતના હાથમાંથી સરકી ગઇ હતી.
ઓસ્ટ્રેલિયાને છેલ્લા બોલ પર ત્રણ રનની જરૂર હતી. પરંતુ ખૂબ જ ઝાકળના કારણે ગોસ્વામી માટે બોલને કાબૂમાં રાખવો મુશ્કેલ બન્યો હતો. તેણે કમર ઉપરથી એક સંપૂર્ણ ટોસ બોલ ફેંક્યો જે નિકોલ કેરીના બેટને સ્પર્શ્યો અને સીધો ભારતીય ફિલ્ડરના હાથમાં ગયો હતો. જેના કારણે ભારતીય કેમ્પમાં ઉજવણી શરુ થઈ હતી. પરંતુ ટીવી અમ્પાયરે તેને ‘નો બોલ’ જાહેર કર્યો. ઓસ્ટ્રેલિયાએ અંતિમ બોલ પર બે રન બનાવીને મેચ જીતી લીધી હતી.
છેલ્લા બોલ પર નર્વસ હતી
મિતાલીએ કહ્યું, છેલ્લો બોલ મારા માટે ઘણો ‘નર્વસ’ હતો કારણ કે તેમાં કંઈ પણ થઈ શકે છે. અમે ‘નો બોલ’ની અપેક્ષા નહોતી રાખી, પરંતુ તે રમતનો ભાગ છે. અમે બધા ખૂબ જ ઉત્સાહિત હતા. આજે અમે જે પ્રદર્શન કર્યુ છે તે કરવાનું ચાલુ રાખીશું.
હાર છતાં મિતાલીએ બંને ટીમના ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, બંને ટીમો માટે ક્રિકેટની એક મહાન મેચ હતી. મેચ દરમ્યાન લગભગ 550 રન થયા હતા, તે શાનદાર ક્રિકેટ પ્રદર્શન હતું. અમે હજુ પણ આગામી મેચ જીતવા માંગીએ છીએ. બેટિંગ વિભાગે શાનદાર કામ કર્યું, સ્મૃતિ અને રિચાએ સારી બેટિંગ કરી. છેલ્લો બોલ મારા માટે ખૂબ જ નર્વિંસ કરનારો હતો કારણ કે કંઈ પણ થઈ શકે છે.
બેથ મૂનીએ આ વાત કહી
બેથ મૂની ‘પ્લેયર ઓફ ધ મેચ’ બની હતી, તેણે ઓસ્ટ્રેલિયા માટે લક્ષ્યનો પીછો કરતા અણનમ 125 રન બનાવ્યા હતા. તેણે કહ્યું કે, આદર્શ એ હોત કે મેચને છેલ્લી ઓવર સુધી ખેંચાઇ ના જવી જોઈએ. મૂનીએ કહ્યું, સાચું કહું તો, હું નિરાશ હતી કે અમે તેને છેલ્લી ઓવર સુધી લઈ ગયા. કેરી સાથેની ભાગીદારી શાનદાર રહી હતી. અમારી પાસે ખરેખર સારી યોજના હતી. અમે અનુમાન લગાવી રહ્યા હતા કે, તે હવે કયો બોલ ફેંકશે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટને વખાણ કર્યા
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેગ લેનિંગે ભારતીય આક્રમણની પ્રશંસા કરી જેના કારણે મેચ નજદીક થઈ. તેણે કહ્યું, ભારતે સારી બોલિંગ કરી. જે રીતે મેચ સમાપ્ત થઈ તે અદ્ભુત હતી. અમારી ટીમમાં ઉંડાણ છે, અમારી પાસે બેટિંગ અને બોલિંગ બંનેમાં મહાન ખેલાડીઓ છે. ભારતે મેચનો મોટાભાગનો ભાગ સારો રમ્યો હતો. હું આ જીતથી ખૂબ જ ખુશ છું. ચોક્કસપણે ખૂબ જ રોમાંચક મેચ રહી છે, જેનો અમે ભાગ રહ્યા છીએ. અમે ત્રીજી મેચમાં પણ સારી મેચની અપેક્ષા રાખી રહ્યા છીએ.
ભારતે 7 વિકેટે 274 રન બનાવ્યા હતા.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુક્રવારે મિશેલ ઓવલ મેદાન પર રમાયેલી બીજી વનડે મેચમાં, ઓસ્ટ્રેલિયાના હાથે રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા બોલ સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 274 રન બનાવ્યા હતા.
રોમાંચક અંતિમ ઓવર
જવાબમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે અંતિમ ઓવરમાં 10 રનની જરૂર હતી. આ ઓવરમાં મેચ ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી હતી. મૂનીએ પ્રથમ બોલ પર ત્રણ રન લીધા હતા. કેરીએ બીજા બોલ પર બે રન લીધા હતા. ત્રીજો બોલ નો બોલ બની ગયો. આગલા બોલ પર એક રન બાય આવ્યો. ચોથા બોલ પર મૂનીએ લેગ બાયથી એક રન લીધો.
કેરીએ પાંચમા બોલ પર બે રન લીધા હતા. કેરી છઠ્ઠા બોલ પર આઉટ થઇ હતી. પરંતુ અહીં ભારતનું નસીબ ખરાબ હતું. કારણ કે તે ઝુલન ગોસ્વામીએ નાંખેલ બોલ ને નો બોલ જાહેર કરાયો હતો. છેલ્લા બોલ પર કેરીએ બે રન લઈને ઓસ્ટ્રેલિયાને રોમાંચક વિજય અપાવ્યો હતો.