IPL 2021: ઋષભ પંતની કેપ્ટનશીપ પર ફિદા થયો વિશ્વનો સૌથી ઝડપી બોલર, કેપ્ટન તરિકે તેની આ ખાસ અદા પર છે આફરીન
જ્યારથી ઋષભ પંતે (Rishabh Pant) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂક્યો છે, ત્યારથી તે સતત ચર્ચાઓમાં છવાઇ રહ્યો છે. અનેક દિગ્ગજોએ તેની પ્રશંસા કરી રહ્યા છે.
IPL 2021 ની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને મોટો આંચકો લાગ્યો હતો. છેલ્લી સીઝનમાં ટીમને ફાઇનલમાં લઇ જનાર તેના કેપ્ટન શ્રેયસ અય્યરને ઇજા થઇ હતી. આ પછી ટીમ મેનેજમેન્ટ મુશ્કેલીમાં હતું કે ટીમનું નેતૃત્વ કોણ કરશે. ઘણા અનુભવી ખેલાડીઓ લાઈનમાં હતા, પરંતુ ટીમ મેનેજમેન્ટે શિખર ધવન, સ્ટીવ સ્મિથ, અજિંક્ય રહાણે, રવિચંદ્રન અશ્વિનને અવગણીને યુવાન ઋષભ પંત (Rishabh Pant) ને કેપ્ટન બનાવ્યો હતો. IPL 2021 ના પહેલા ભાગમાં, તેણે ટીમની સારી રીતે કેપ્ટનશીપ નિભાવી હતી.
જેના કારણે પંતને બીજા તબક્કામાં અય્યરના પરત ફર્યા બાદ પણ કેપ્ટન તરીકે જાળવી રાખ્યો હતો. તે પોતાની કેપ્ટનશિપથી સતત પ્રભાવિત કરવાનું ચાલુ રાખી રહ્યો છે. દિલ્હીનો તોફાની બોલર એનરિક નોર્ત્જે (Anrich Nortje) પણ પંતની કેપ્ટનશીપથી ખૂબ પ્રભાવિત છે. તેણે કહ્યું કે મેચની સ્થિતિની આગાહી કરવાની દિલ્હી કેપિટલ્સના કેપ્ટનની ક્ષમતાથી તે પ્રભાવિત થયો છે.
નોર્ત્જેને હાલમાં વિશ્વનો સૌથી ઝડપી બોલર માનવામાં આવે છે. નોર્ત્જે ઈજાને કારણે ઈન્ડીયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનના પહેલા તબક્કામાં ટીમનો હિસ્સો રહ્યો નહોતો. ગત બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચ તેની આ સિઝનમાં અને પંતની કેપ્ટનશિપ હેઠળની પ્રથમ મેચ હતી. તેણે આ મેચમાં 12 રનમાં બે વિકેટ લીધી હતી. રાજસ્થાન રોયલ્સ સામેની મેચની પૂર્વસંધ્યાએ નોર્ત્જે એ જણાવ્યું હતું કે, માત્ર એક મેચ બાદ કશું કહેવું મુશ્કેલ છે. એકંદરે, મેં જે જોયું છે તેમાંથી, તે રમતનું પરીક્ષણ કરવામાં શ્રેષ્ઠ છે. તે વિકેટકીપર પણ છે અને બાબતોને અલગ રીતે જુએ છે.
અનુમાન કરવાની ક્ષમતા
તેણે કહ્યું, પંતમાં આગાહી કરવાની ક્ષમતા છે કે, મેચમાં શું થવાનું છે અને કેપ્ટનમાં તે ગુણવત્તા હોવી અદ્ભુત છે. સામાન્ય બાબતો જેમ કે ફિલ્ડર્સની યોગ્ય પ્લેસમેન્ટ જરૂરી છે. વિકેટકીપર માટે શું થશે તે અનુમાન લગાવવું ખરેખર સારું છે.
આ સિઝનમાં સૌથી ઝડપી બોલ ફેંકવા પર આમ કહ્યું
એનરિક નોર્ત્જેએ IPL 2021 માં 151.71 kmph ની ઝડપે સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. જ્યારે બોલની ઝડપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, હું મેદાન પર બોલિંગની ગતિ વિશે વિચારતો નથી. જોકે, હું પ્રેક્ટિસ દરમ્યાન મારી તાકાત વધારવાનો આગ્રહ રાખું છું. ઝડપી ગતીનો બોલ એવી કોઈ બાબત નથી જે હું મેદાન પર કરવા માંગુ છું. હું માત્ર રમત દરમ્યાન બોલિંગ કરતી વખતે યોગ્ય લેન્થ પર પિચ કરવાનો પ્રયત્ન કરું છું.
રબાડાનો સાથ મળ્યો
સાઉથ આફ્રિકાના ભાગીદાર કાગિસો રબાડાને નવા બોલ સાથે બોલિંગ કરવા વિશે પૂછવામાં આવ્યું હતુ. ત્યારે તેણે કહ્યું કે, રબાડા પાસેથી ઘણું શીખવા મળ્યું. અમે એકબીજા સાથે ખૂબ જ સહજ છીએ. જેમ જેમ અમે આગળ વધ્યા, તેમ તેમ અમારી એકબીજા પ્રત્યેની સમજ વધતી ગઈ.