IND vs AUS: 17 વર્ષ પછી જીત! ઝામ્પા સામે ભારતીય બેટ્સમેનોની શરણાગતિ, કાંગારૂ સામે મેચ અને સિરીઝ બંને ગુમાવી
ઓસ્ટ્રેલિયાએ એડિલેડ વનડેમાં ભારતને 2 વિકેટથી હરાવીને સિરીઝ જીતી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે.

પર્થ વનડે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં પણ મેચ અને શ્રેણી બંને ગુમાવી દીધી. આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરી અને 264 રન બનાવ્યા. હવે આના જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય ફક્ત 8 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી કાઢ્યો.
બાર્ટલેટ અને ઝામ્પાએ તરખાટ મચાવ્યો
ઓસ્ટ્રેલિયાની જીતમાં યુવા ઝડપી બોલર ઝેવિયર બાર્ટલેટે અને ઝામ્પાએ મુખ્ય ભૂમિકા ભજવી. બંને બોલરોએ અનુક્રમે 3 અને 4 વિકેટ ખેરવીને ભારતીય બેટિંગ અસ્તવ્યસ્ત કરી નાખી હતી. ત્યારબાદ, મેથ્યુ શોર્ટે અડધી સદી ફટકારી અને કોનોલી તેમજ મિશેલ ઓવેને શાનદાર બેટિંગ કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી. ઓસ્ટ્રેલિયાએ 17 વર્ષમાં પહેલીવાર એડિલેડમાં ભારતને ODI મેચમાં હરાવ્યું છે.
ભારતની શરૂઆત ખરાબ રહી, કેપ્ટન ગિલ 9 રન બનાવીને આઉટ થયો. કોહલી પણ ખાતું ન ખોલી શક્યો અને શૂન્ય પર આઉટ થઈ ગયો. કારકિર્દીમાં પહેલી વાર તે સતત બે વનડેમાં શૂન્ય રન પર આઉટ થયો. જો કે, રોહિત અને ઐયર ટીમ ઈન્ડિયાને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયા હતા. રોહિતે 73 રન બનાવ્યા અને ઐયરે 61 રન બનાવ્યા. અક્ષર પટેલે અંતમાં 44 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાએ 264 રન બનાવ્યા.
અંતમાં યુવા બેટ્સમેને જીત સુનિશ્ચિત કરી
ચેઝ કરવા ઊતરેલ ઓસ્ટ્રેલિયા ટીમની શરૂઆત ખરાબ રહી, મિશેલ માર્શ 11 રન બનાવીને આઉટ થયો. ટ્રેવિસ હેડે પણ 28 રનની ઇનિંગ રમી પરંતુ મેથ્યુ શોર્ટે 78 બોલમાં 74 રન બનાવીને ઓસ્ટ્રેલિયાનું કમબેક કરાવ્યું.
મેથ્યુ રેનશોએ 30 રન બનાવ્યા, જ્યારે એલેક્સ કેરી 9 રન બનાવીને આઉટ થયો. અંતમાં યુવા ખેલાડી કૂપર કોનોલીએ અણનમ અડધી સદી ફટકારી અને મિશેલ ઓવેને 23 બોલમાં ઝડપી 36 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી. ત્રીજી વનડે 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે. હવે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય ક્લીન સ્વીપ ટાળવાનું રહેશે.
