એશિયા કપ 2023 ને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મુદ્દો બનાવી રહ્યુ છે. પાકિસ્તાનમાં હાલમાં પરિસ્થિતીઓ અચાનક જ તંગ થઈ ચુકી છે અને PSL 2023 ની ફાઈનલની તારીખ બદલવાની સ્થિતી ઉભી થઈ છે. આમ છતાં એશિયા કપને પાકિસ્તાનમાં જ આયોજન કરવા જોર લગાવી રહ્યુ છે. એશિયા કપ 2023 નુ આયોજક આ વખતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છે અને તેને તટસ્થ સ્થળે આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે, ટીમ ઈન્ડિયા પાકિસ્તાન પ્રવાસ નહીં ખેડે ત્યાર બાદ પાકિસ્તાને શોરબકોર શરુ કરી દીધો હતો. હવે પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે સંભાળી દીધી છે કે,ખુદ એ લોકો પોતાના જ દેશમાં સુરક્ષિત નથી.
પાકિસ્તાન ઈચ્છી રહ્યુ છે કે, એશિયા કપ પાકિસ્તાનમાં યોજવામાં આવે અને ભારત સહિતના એશિયાઈ દેશો તેમાં હિસ્સો લે. પરંતુ ભારતીય ટીમને પાકિસ્તાનની ધરતી પર મોકલવામાં આવનાર નથી. આવામાં પાકિસ્તાન ટૂર્નામેન્ટ પોતાના દેશમાં જ યોજવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યુ છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નહીં થયુ કે, એશિયા કપ ક્યાં રમાનાર છે.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે પાકિસ્તાનને તેની ઈચ્છાઓને લઈ આડે હાથ લીધુ હતુ. એક સમાચાર સંસ્થા સાથે વાતચિતમાં બતાવ્યુ હતુ કે ભારતે પાકિસ્તાન નહીં જવુ જોઈએ કારણ કે ત્યાંના લોકો જ પોતાના દેશમાં સુરક્ષિત નથી.
ભજ્જીએ બતાવ્યુ કે, જો પાકિસ્તાનમાં એશિયા કપનુ આયોજન થાય છે તો, ભારતને ત્યાં જવાનો ખતરો નહીં લેવો જોઈએ, કારણ કે તે સુરક્ષિત નથી. હરભજને કહ્યુ કે, આપણે ત્યાં જવાનો ખતરો જ શા માટે ઉઠાવીએ, જ્યારે પાકિસ્તાનના લોકો પોતાના જ દેશમાં સુરક્ષિત હોવાનુ મહેસુસ નથી કરતા તો.
જ્યારે ગત વર્ષે એશિયા કપના આયોજનની જવાબદારી પાકિસ્તાનને આપવામા આવી હતી, ત્યાર બાદ જ સ્પષ્ટ વાત જય શાહ દ્વારા કરવામાં આવી હતી કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં ખેડે. ભારતે આ માટે તટસ્થ સ્થળ પર જ પાકિસ્તાન સામે રમવાનુ બતાવ્યુ હતુ. તેના બાદ પાકિસ્તાને કાગારોળ મચાવી દીધો હતો. એશિયા કપમાં ભારત પાકિસ્તાન નહીં આવે કે આયોજક હક્ક છિનવાઈ જશે તો, પીસીબી પોતાના ટીમ વિશ્વકપમાં નહીં મોકલે. આગામી વનડે વિશ્વકપ ભારતમાં રમાનાર છે અને જેને લઈ પાકિસ્તાન ડર બતાવવાની વાતો કરી રહ્યુ છે, જે પાકિસ્તાનથી પાળવુ મુશ્કેલ છે.