Ashes 2023 : પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે મેચ જોવા પહોંચ્યો પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી
શાહીન શાહ આફ્રિદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે. તે હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ જોવા પહોંચ્યો હતો.
પાકિસ્તાનનો ડાબોડી ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી હાલ ઈંગ્લેન્ડમાં છે. તે એક વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે. શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણી માટે તેને પાકિસ્તાન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સીરીઝ પહેલા તે એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટ મેચ જોવા પહોંચ્યો હતો.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે શાહીન શાહ આફ્રિદી એજબેસ્ટન સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. શાહીનને જોઈને સ્ટેડિયમમાં હાજર ચાહકોનો ઉત્સાહ પણ વધી ગયો હતો. આ દરમિયાન ચાહકોએ તેની સામે અલગ-અલગ ધૂન વગાડીને તેનું મનોરંજન કર્યું હતું. એટલું જ નહીં કેટલાક ફેન્સે તેની સામે પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા, જે સાંભળીને શાહિને દર્શકોનો આભાર માન્યો હતો.
Shaheen Shah Afridi watching Ashes. pic.twitter.com/C5UFc1o9p9
— Johns. (@CricCrazyJohns) June 19, 2023
શાહીન ઘૂંટણની ઈજાથી પરેશાન
શાહીન શાહ આફ્રિદી લાંબા સમયથી ઈજાથી પરેશાન હતી. ગયા વર્ષે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. જે બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર થઈ ગયો હતો. પાકિસ્તાન સુપર લીગમાં ઈજા બાદ તે મેદાનમાં પરત ફર્યો હતો. તેણે ન માત્ર દમદાર પુનરાગમન કર્યું, પરંતુ તેની ટીમ લાહોર કલંદરને PSLમાં ચેમ્પિયન પણ બનાવ્યું હતું.
આ પણ વાંચોઃ ODI World Cup Qualifiers : એક પણ ખેલાડીની સદી નહીં છતાં શ્રીલંકાએ 355 રન ફટકાર્યા, જાણો કઈ રીતે?
Dil Dil Pakistan!
Nice to meet you @iShaheenAfridi, what a legend ❤️ pic.twitter.com/wu2zcRdtnW
— England’s Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 19, 2023
ટેસ્ટમાં 100 વિકેટ પૂર્ણ કરવા પર નજર
હવે શાહીન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેની જૂની લય જલ્દી પાછી મેળવવા પ્રયાસ કરશે, કારણ કે આ વર્ષે એશિયા કપ અને પછી વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ યોજાવાની છે. પાકિસ્તાનની ટીમ 9 જુલાઈએ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ શકે છે. આ સાથે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા સાયકલમાં પોતાના અભિયાનની શરૂઆત પણ કરશે. શાહીન તે જ સીરિઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે જ્યાં તેને ગયા વર્ષે ઈજા થઈ હતી. તેને શ્રીલંકામાં જ ઈજા થઈ હતી અને હવે તે ત્યાં જ ટેસ્ટમાં વિકેટની સદી પૂરી કરવા પ્રયાસ કરશે.