કેપ્ટન કમિન્સની લડાયક ઈનિંગના સહારે ઓસ્ટ્રેલિયાએ એશિઝ 2023ની વિજયી શરૂઆત કરી હતી. પહેલી મેચમાં જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે યાદગાર ઈનિંગ રમી ટીમને પહેલી ટેસ્ટમાં જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 65 રન જ્યારે પેટ કમિન્સે અણનમ 44 રન અને ડેવિડ વોર્નરે 36 રન બનાવ્યા હતા. પેટ કમિન્સ અને નાથન લાયન વચ્ચે નવમી વિકેટ માટે વિજયી 50+ રનની પાર્ટનરશિપ થઈ હતી.
પહેલી ટેસ્ટના અંતિમ દિવસનો પ્રથમ સેશન વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ શરૂ થયેલ મેચમાં ઈંગ્લેન્ડને જીત માટે સાત વિકેટ અને ઓસ્ટ્રેલિયાને વધુ 174 રનની જરૂર હતી. જે બાદ બે સેશનમાં રમાયેલ અંતિમ દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી, છતા અંતમાં કેપ્ટન કમિન્સની મક્કમ બેટિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.
ટોસ હાર્યા, મેચ જીત્યા
ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે પ્રથમ દિવસે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો રૂટની સદી અને જેક ક્રાઉલ-જોની બેયરસ્ટોની ફિફ્ટીની મદદથી ઈંગ્લેન્ડની ટીમે પહેલી ઈનિંગમાં 8 વિકેટના નુકસાને 393 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 386 રનમાં સમેટાઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગમાં ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી ફટકારી હતી.
બીજી ઈનિંગમાં ઇંગ્લિશ ટીમે આક્રમક રમત બતાવી ટેસ્ટ ક્રિકેટમાં વનડે ફોર્મેટની બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને ચોથા દિવસે ટીમ 273 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને પહેલી એશિઝ ટેસ્ટ જીતવા 281 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવી 107 રન બનાવ્યા હતા અને પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા વધુ 174 રનની જરૂર હતી .
પેટ કમિન્સની 44 રનની લડાયક ઈનિંગ અને ઉસ્માન ખ્વાજાની અર્ધસદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ અત્યંત રોમાંચક ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને બે વિકેટે હરાવ્યું હતું અને એશિઝ સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો