અજીત અગરકરે રન બનાવવા કહ્યું, ઈશાન કિશને રણજી ટ્રોફીની પહેલી જ મેચમાં ફટકારી સદી
રણજી ટ્રોફી 2025-26 શરૂ થઈ ગઈ છે. ઝારખંડના કેપ્ટન ઈશાન કિશને ટુર્નામેન્ટના પહેલા જ રાઉન્ડમાં યાદગાર ઈનિંગ રમી હતી. તેણે તમિલનાડુ સામે સદી ફટકારી હતી. આ ઈનિંગ એક મહત્વપૂર્ણ તબક્કે આવી હતી. થોડા દિવસ પહેલા જ ચીફ સિલેક્ટર અજીત અગરકરે ઈશાનના ટીમમાં સ્થાન ન મળવા અંગે મોટું નિવેદન આપ્યું હતું, જે બાદ ઈશાને હવે સદી ફટકારી જવાબ આપ્યો છે.

BCCIની પ્રીમિયર ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી શરૂ થઈ ગઈ છે. ટુર્નામેન્ટની મેચો સમગ્ર ભારતમાં વિવિધ મેદાનો પર રમાઈ રહી છે. ઝારખંડે પોતાના અભિયાનની શરૂઆત તમિલનાડુ સામે કરી હતી. બંને ટીમો કોઈમ્બતુરના શ્રી રામકૃષ્ણ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ગ્રાઉન્ડ પર એકબીજાનો સામનો કરી હતી. આ મેચની પહેલી ઈનિંગમાં ઈશાન કિશને ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર દ્વારા નક્કી કરાયેલી શરત પૂરી કરીને યાદગાર ઈનિંગ રમી હતી.
ઈશાન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર
હકીકતમાં, ઈશાન કિશન નવેમ્બર 2023થી ભારત માટે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. તે ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તાજેતરમાં તેને ઈંગ્લેન્ડ અને પછી વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમનો પણ ભાગ નહોતો.
અજિત અગરકરે શું કહ્યું ?
વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે ટીમની જાહેરાત દરમિયાન, ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને ઈશાનને પસંદ ન કરવાનું કારણ પૂછવામાં આવ્યું. તેમણે જવાબ આપ્યો, “જ્યારે અમે ઈન્ડિયા A ટીમની પસંદગી કરી ત્યારે ઈશાન કિશન ફિટ નહોતો. જગદીશન તે ટીમનો ભાગ હતો. હવે, વાપસી કરવા માટે ઈશાને વધુ ક્રિકેટ રમવી પડશે અને સારી ઈનિંગ્સ રમવી પડશે.”
ઈશાન કિશનની મજબૂત સદી
અજિત અગરકરે સ્પષ્ટ કર્યું હતું કે ઈશાન કિશનને ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવા માટે રન બનાવવાની જરૂર પડશે. હવે, ઈશાન કિશનએ રણજી ટ્રોફીની શાનદાર સદી સાથે શરૂઆત કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. તમિલનાડુ સામેની મેચમાં, ઈશાન કિશને 134 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. તેણે ટીમ માટે એક મહત્વપૂર્ણ તબક્કે કેપ્ટનની ઈનિંગ રમી. જ્યારે તે ક્રીઝ પર આવ્યો ત્યારે ટીમે ફક્ત 79 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેણે ટીમની કમાન સંભાળી.
ઈશાન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર
નોંધનીય છે કે ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ઈશાન કિશને અચાનક બ્રેક લીધો હતો, ત્યારબાદ BCCI એ તેને ઘરેલુ ક્રિકેટમાં રમવાની સલાહ આપી હતી. જોકે, તે ઘરેલુ ક્રિકેટમાં પાછો ફર્યો નહીં. આ ભૂલને કારણે તેણે ટીમમાં સ્થાન ગુમાવવું પડ્યું, અને તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ દૂર કરવામાં આવ્યો છે. જોકે, તે હવે નિયમિતપણે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે.
આ પણ વાંચો: સારાએ કેટલીવાર સ્કૂલ બંક કરી ? તેંડુલકરના નામનો ફાયદો ઉઠાવ્યો, સચિનની લાડલીએ કર્યા મજેદાર ખુલાસા
