ભારતને પાકિસ્તાનથી મળી મોટી ચેતવણી, બાંગ્લાદેશના કેપ્ટને ટીમ ઈન્ડિયાને દેખાડી આંખો
પાકિસ્તાનને ક્લીન સ્વીપ કર્યા બાદ હવે બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસે આવવાની છે. બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચ અને 3 T20 મેચ રમાશે. આ પ્રવાસ પહેલા બાંગ્લાદેશ ટીમના કેપ્ટન નઝમુલ શાંતોએ મોટું નિવેદન આપ્યું છે.
બાંગ્લાદેશ ટીમ માટે પાકિસ્તાનનો પ્રવાસ ઘણો ઐતિહાસિક રહ્યો હતો. તેઓએ પ્રથમ વખત પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવ્યું અને શ્રેણી પણ જીતી. ખાસ વાત એ હતી કે તેણે ક્લીન સ્વીપ સાથે આ સિરીઝ જીતી હતી. હવે બાંગ્લાદેશની ટીમ ભારત આવવાની છે. બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ પણ રમાવાની છે. આ શ્રેણી પહેલા બાંગ્લાદેશના ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ રમાનારી ટેસ્ટ સિરીઝ પર પાકિસ્તાન તરફથી જ ટીમના કેપ્ટન નઝમુલ શાંતોએ મોટું નિવેદન આપ્યું છે.
બાંગ્લાદેશી કેપ્ટનનું મોટું નિવેદન
ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ નઝમુલ શાંતોએ મેચ પછીના પ્રેઝન્ટેશનમાં પોતાના ખેલાડીઓની પ્રશંસા કરી હતી. આ સાથે તેણે ટીમ ઈન્ડિયાના પ્રવાસ વિશે પણ વાત કરી અને કહ્યું, ‘આગામી શ્રેણી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ જીતે અમને ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે. મુશફિકુર રહીમ અને શાકિબ અલ હસનના સંદર્ભમાં અમારી પાસે ઘણો અનુભવ છે અને તેઓ ભારતમાં મહત્વપૂર્ણ સાબિત થશે. મિરાજે આ પરિસ્થિતિઓમાં જે રીતે બોલિંગ કરી અને 5 વિકેટ લીધી તે ખૂબ જ પ્રભાવશાળી છે અને આશા છે કે તે ભારત સામે પણ આવું જ કરી શકે છે. દરેક વ્યક્તિએ યોગદાન આપ્યું છે, ખાસ કરીને જેમને તકો મળી ન હતી. તે 4 લોકો કે જેઓ પ્લેઈંગ 11માં નહોતા પરંતુ મેદાન પર ટીમને મદદ કરતા હતા તેઓ ખૂબ જ પ્રભાવશાળી હતા.
પાકિસ્તાનને ક્લીન સ્વીપ કર્યું
બાંગ્લાદેશે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત કોઈ પણ ટીમનો ક્લીન સ્વીપ કર્યો છે. બાંગ્લાદેશે શ્રેણીની પ્રથમ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ ટીમે પાકિસ્તાનને તેના જ હોમગ્રાઉન્ડમાં 10 વિકેટથી હરાવ્યું હોય. જ્યારે બીજી મેચ બાંગ્લાદેશે 6 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 274 રન બનાવી શકી હતી. જવાબમાં બાંગ્લાદેશ પ્રથમ દાવમાં 262 રન પર જ સિમિત થઈ ગયું હતું. આ પછી પાકિસ્તાને બીજી ઈનિંગમાં માત્ર 172 રન બનાવ્યા હતા અને ત્યારપછી બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં 185 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
Najmul Hossain Shanto said – “Our next Test series against India and this is very important for us. This series win will give us a lot of confidence. Hope Mehidy, Shakib & Mushfiqur do the same against India in India”. pic.twitter.com/wldNycYTL0
— Tanuj Singh (@ImTanujSingh) September 3, 2024
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ
ભારતના પ્રવાસ પર, બાંગ્લાદેશની ટીમ 2 મેચની ટેસ્ટ શ્રેણી અને 3 મેચની T20 શ્રેણી રમશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 19 થી 23 સપ્ટેમ્બર સુધી રમાશે. જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ શ્રેણી ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટ શ્રેણી પણ હશે.
આ પણ વાંચો: ભારત પ્રવાસ પહેલા બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવી રચ્યો ઈતિહાસ, બનાવ્યા 5 યાદગાર રેકોર્ડ