
Neocov Virus How Much Danger: ભારતમાં Google પર 5 લાખથી વધુ સર્ચ સાથે આ અઠવાડિયે NeoCoV ચર્ચામાં છે. ગ્રીક આલ્ફાબેટ, ડેલ્ટા, ઓમિક્રોન વગેરે પર આધારિત કોરોનાના પ્રકારોનો સામનો કર્યા પછી, લોકો હવે આ નવા શબ્દથી ડરી રહ્યા છે. પરંતુ શું આ કોરોનાનું નવું સ્વરૂપ છે? શું આ અંગે ચિંતા કરવાની જરૂર છે? શું તેનો ચેપ જીવલેણ સાબિત થઈ શકે છે? ઘણા અહેવાલો આવ્યા છે, પરંતુ સત્ય શું છે? સૌથી મહત્વની વાત એ છે કે તેનાથી ડરવાની જરૂર નથી. નિષ્ણાતો પણ તેને મોટી ચિંતાનો વિષય ગણી રહ્યા નથી. કારણ તમને આગળ સમજાય જશે.

NeoCoV સંબંધિત તમામ બાબતો પીઅર રિવ્યુ અભ્યાસનો એક ભાગ છે, જે ચીની વૈજ્ઞાનિકોના ગ્રુપ દ્વારા બહાર પાડવામાં આવી છે અને કેટલાક નિષ્ણાતો વુહાન યુનિવર્સિટીના પણ છે. સૌ પ્રથમ, અમે તમને જણાવી દઈએ કે NeoCoV શબ્દ જેનો ઉપયોગ વાયરસના પ્રકાર તરીકે થઈ રહ્યો છે તે MERS-CoV સાથે સંકળાયેલો છે. સાર્સ, MERS-CoV વગેરે કોરોના પરિવારનો ભાગ છે. MERS-CoV એ 7 પ્રકારના કોરોના વાયરસમાંથી એક છે જે મનુષ્યને સંક્રમિત કરી શકે છે.

2010 ના દાયકામાં, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં MERS-CoV નો પ્રકોપ ફેલાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, MERS-CoV થી પ્રભાવિત લગભગ 35 ટકા લોકો મૃત્યુ પામ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NeoCoV આ ખાસ કોરોના વાયરસનું સંભવિત પ્રકાર છે. નિષ્ણાતોના મતે, NeoCoVનું ખરેખર કોઈ ફોર્મલ ડેજિગ્નેશન નથી. રાજીવ જયદેવેન કે જેઓ IMAના પ્રમુખ રહી ચૂકેલા છે, તેમણે ટ્વિટર પર જણાવ્યું છે કે આ ન તો નવો કોરોના વાયરસ છે કે ન તો કોઈ મ્યૂટેશન અથવા વેરિઅન્ટ છે.

ધ પ્રિન્ટના રિપોર્ટ અનુસાર, જે રિસર્ચ પેપરને કારણે NeoCoV ચર્ચામાં આવ્યું છે, તે પણ તેને નોવેલ કોરોના વાયરસનું નવું સ્વરૂપ કહેતા નથી. સામાન્ય ભાષામાં, તેને MERS-CoV ના સૌથી નજીકના સંબંધી તરીકે ગણી શકાય, જે ચામાચીડિયામાં જોવા મળે છે.

NeoCoV ને સંક્રમિત કરવા માટે કેટલાક પ્રકારના ચામાચીડિયા ACE2 નો ઉપયોગ કરી શકે છે. ACE2 કોષોનો એક પ્રકાર છે, જેને જૈવિક ભાષામાં રીસેપ્ટર્સ કહેવામાં આવે છે. NeoCoV વાયરસ T510F મ્યૂટેશન પછી માનવ કોષ ACE2 ને સંક્રમિત કરી શકે છે. રિસર્ચ પેપરમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી તે માત્ર ચામાચીડિયામાં જ જોવા મળ્યું છે.

સંશોધકોનું કહેવું છે કે NeoCoV ચોક્કસ પ્રકારના મ્યુટેશન પછી જ મનુષ્યને સંક્રમિત કરી શકે છે, તેથી અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. તાજેતરના સંશોધનમાં ઘણી પૂર્વધારણાઓ છે, જે પ્રયોગશાળા અભ્યાસ પર આધારિત છે અને તેની સમીક્ષા કરવામાં આવી નથી. તેથી, NeoCoV માનવ કોષોને સંક્રમિત કરી શકે છે કે કેમ તે હાલમાં તપાસ હેઠળ છે. એટલા માટે નિષ્ણાતો કહી રહ્યા છે કે આપણે 10 વર્ષથી વધુ જૂના આ વાયરસથી ડરવાની જરૂર નથી.