
પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે RO સિસ્ટમ તથા કુલર સાથેની વ્યવસ્થા, રમતના સાધનો, મેદાનમાં પેવર બ્લોક, કમ્પાઉન્ડમા નાના બગીચામાં 200 થી વધુ ફુલ છોડ, 20 થી વધુ વૃક્ષો, 50 થી વધુ કુંડાઓ મૂકીને શાળાનું વાતાવરણ હરિયાળું બનાવવામાં આવ્યું છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1.5 કરોડના ખર્ચે હાડગૂડ પ્રાથમિક શાળાનું નવીન મકાન કે જે અદ્યતન બનાવવામાં આવનાર છે તેની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

શાળાના આચાર્ય દ્વારા બાળકોને જ્ઞાન સાથે શિક્ષણ અને સાંસ્કૃતિક તથા બૌદ્ધિક વિકાસની પ્રવૃત્તિઓ સાથે જોડી તેઓ અભ્યાસ અને ઇત્તર પ્રવૃત્તિઓમાં નાવિન્ય લાવ્યા છે. બાળકોને જીવનલક્ષી પાઠ ભણાવીને તેમને વિવિધ રીતે તૈયાર કરી તેમની કલ્પના શકિતને પાંખો આપી રહ્યા છે. બાળકોની સુષુપ્ત શક્તિઓને વિકસવાની તક મળી રહે તેવો તેમનો અભિગમ છે.

બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલા પ્રયાસથી હાડગુડ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોની અભ્યાસની સાથે ઇત્તર પ્રવૃત્તિઓમાં રુચિ વધી છે અને બાળકોની શાળામાં હાજરી પણ વધી છે. તેમની આ પ્રવૃત્તિઓને લીધે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. તે સાથે જ રાજ્ય સરકારના શિક્ષણ મહાયજ્ઞનો એક ઉદ્દેશ્ય સાર્થક થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળા ખાતે 861 બાળકોને ભણાવવા માટે 24 વર્ગ ખંડની સાથે પ્રાથમિક સુવિધાઓની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 24 શિક્ષકો અને એક મુખ્ય શિક્ષક મળીને કુલ 25 નો સ્ટાફ ધરાવતી જિલ્લાની એકમાત્ર પ્રાથમિક શાળા છે.

બાળકોને શિક્ષણ સાથે ઇત્તર પ્રવૃત્તિઓ થકી માનવ સંસાધન વિકાસનો અભિગમ સાથે વિવિધલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમય સાથે એવું પરિણામ મળ્યું કે, ખાનગી શાળામાં અભ્યાસે જતા હતા તે વિદ્યાર્થીઓ પણ આ ગામની સરકારી શાળામાં ભણવા માટે આવ્યા. છેલ્લા 10 વર્ષમાં 400 કરતાં વધારે બાળકો ખાનગી શાળાઓ છોડીને હાડગુડની જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળામાં એડમિશન લઈ અને ભણી રહ્યા છે. દર વર્ષે 25 થી 30 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને આ હાડગુડ ખાતેની સરકારી શાળામાં અભ્યાસ માટે આવે છે.
Published On - 4:52 pm, Sun, 11 June 23