
સરદાર સરોવર નર્મદા વરસાદના વિરામ વચ્ચે પણ ધીરે ધીરે તેની મહત્તમ સપાટી 138.68 મીટર તરફ આગળ વધી રહ્યો છે. બીજી બાજુ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે એટલે ગુજરાતભરના ખેડૂતો પાણીની માગ કરી રહ્યાં છે.

એટલે નર્મદા કંટ્રોલ ઓથોરિટી અને નર્મદા નિગમ દ્વારા રિવરબેડ પાવર હાઉસ બંધ કરીને પીક અવર્સમાં કે જરૂરી માંગ પ્રમાણે ચલાવવામાં આવે છે. જયારે કેનાલમાં પાણી છોડવાનું હોય કેનાલ હેડ પાવર હાઉસના 4 ટર્બાઈન ચલાવવામાં આવે છે. જે 17,011 ક્યૂસેક પાણી ખર્ચ કરે છે જેમાંથી 14,561ક્યૂસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. એટલે કે રાજ્યના ખેડૂતોની માંગ પુરી પાડવા આ પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલ ખેડૂતોએ પાકની વાવણી કરી દીધી છે અને પાણી ની જરૂર છે ત્યારે વરસાદ નથી એટલે ખેડૂતો એ રાજ્ય સરકારને માગ કરતા કેનાલમાં આ પાણી છોડાવામાં આવી રહ્યું છે. હવે પાણીની આવક તો થઇ રહી છે ત્યારે પાણીનો ખર્ચ ઓછો કરી સપાટી વધારવામાં આવી રહી છે.

કેનાલ દ્વારા રાજ્યમાં 109 જેટલા નર્મદા કેનાલ સાથે લિંક તળાવો છે જે ભરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. કારણ કે હવે મેઘરાજા વિરામ લે તો પણ નર્મદા ડેમ 80 ટકાથી વધુ ભરાઈ ગયો હોય, ગુજરાતને આખું વર્ષ પીવાનું અને સિંચાઇનું પાણી ચોક્કસ મળી રહેશે. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી સિઝનમાં પ્રથમ વાર 133.47 મીટર પાર પહોંચી ગઈ છે અને સપ્ટેમ્બર અંત સુધી ડેમ પોતાની મહત્તમ સપાટી સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ જોઈ શકાય છે.

ઓગષ્ટ મહીનામાં ગત વર્ષે ઉપરવાસમાં થી 6 લાખ ક્યુસેક થી પણ વધુ પાણી નર્મદા ડેમ માં આવ્યું હતું, જેને કારણે દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જ્યારે આ વર્ષે નર્મદા ડેમ હજુ 133.47 મીટર સુધી જ પહોંચ્યો છે હજુ પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવા માટે 5.21 મીટર દૂર છે ઉપરવાસમાંથી પાણી ઓછી આવક થતા હજુ સુધી સંપૂર્ણ ભરાયો નથી જોકે હાલ નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે. (Input Credit : Vishal Pathak)
Published On - 5:43 pm, Sat, 2 September 23