આ સ્ટાર ખેલાડીએ માત્ર 32 મેચમાં સૌથી વધુ સદી ફટકારવાનો બનાવ્યો રેકોર્ડ
બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સના બેટ્સમેને પર્થ સ્કોર્ચર્સ સામે ઐતિહાસિક સદી ફટકારી હતી. આ ખેલાડીએ 32 મેચોની કારકિર્દીમાં લીગના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી હતી. આ ખેલાડી તાજેતરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો ભાગ હતો.
1 / 5
બિગ બેશ લીગ 2024-25ની 30મી મેચમાં સિડની સિક્સર્સ અને પર્થ સ્કોર્ચર્સની ટીમો સામસામે આવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેને સિડની સિક્સર્સ તરફથી રમતા યાદગાર ઈનિંગ રમી હતી. આ સ્ટાર ખેલાડી તાજેતરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો ભાગ હતો. તે આ સિરીઝમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ તે બિગ બેશ લીગમાં શાનદાર શરૂઆત કરવામાં સફળ રહ્યો.
2 / 5
આ સ્ટાર ખેલાડી બીજું કોઈ નહીં પણ સ્ટીવ સ્મિથ છે, સ્ટીવ સ્મિથે પર્થ સ્કોર્ચર્સ સામે જોરદાર સદી ફટકારી અને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ખાસ વાત એ છે કે આ મેચમાં તે ઓપનિંગ કરવા આવ્યો હતો અને અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો હતો.
3 / 5
પર્થ સામેની આ મેચમાં સ્ટીવ સ્મિથે 7 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 121 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન સ્ટીવ સ્મિથે પોતાની સદી સુધી પહોંચવા માટે માત્ર 58 બોલનો સામનો કર્યો હતો. આ તેના T20 કરિયરની ચોથી સદી છે. તેણે મેદાનની ચારે બાજુ શોટ રમ્યા અને પ્રથમ બેટિંગ કરતા સિડનીની ટીમે પર્થ સામે 20 ઓવરમાં 3 વિકેટે 222 રનનો મોટો સ્કોર બનાવ્યો. સ્ટીવ સ્મિથની બિગ બેશ લીગ કારકિર્દીમાં આ ત્રીજી સદી હતી.
4 / 5
સ્ટીવ સ્મિથે બિગ બેશ લીગમાં અત્યાર સુધી માત્ર 32 મેચ રમી છે અને તેણે સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડની પણ બરાબરી કરી છે. તેના સિવાય આ લીગમાં માત્ર બેન મેકડર્મોટ 3 સદી ફટકારવામાં સફળ રહ્યો છે. પરંતુ બેન મેકડર્મોટની બિગ બેશ લીગ કારકિર્દી 100 મેચોની છે. એટલે કે સ્ટીવ સ્મિથે બેન મેકડર્મોટ કરતા ઘણી ઓછી મેચ રમી છે. આ સિવાય સ્ટીવ સ્મિથ સિડની સિક્સર્સ ટીમ માટે 1થી વધુ સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે.
5 / 5
બિગ બેશ લીગમાં સ્ટીવ સ્મિથનું બેટ ખૂબ જ સારું ચાલે છે. આ લીગની છેલ્લી 7 ઈનિંગ્સમાં તેણે 3 સદી ફટકારી છે અને 2 અડધી સદી પણ ફટકારી છે. આ સિવાય છેલ્લી 8 ઈનિંગ્સમાં તેણે 88ની એવરેજથી 528 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ 173.11 રહ્યો છે. (All Photo Credit : X / BBL14)