આજે પણ યાદ આવે છે અખંડ ભારતના શિલ્પી સરદાર
સંગઠનની આવી ઠંડી વ્યક્તિ સરદારને સ્વતંત્રતા પ્રાપ્તિના લોહીયાળ અને વિસ્ફોટક દિવસોમાં જુદી રીતે કામ લાગી. હવે તેમને માટે આખો દેશ હરીપુરા બની ગયો, જેના તમામ રાજકીય ભૌગોલિક મોરચા સાંભળવા માટે કરમસદના કિસાને પોતાના બાવડા અને ખબર મજબૂત બનાવી રાખ્યા હતા.
સરકારનું આવું પોતે જ એક સ્મરણ્ય ઇતિહાસનો અદભુત અધ્યાય છે. કરમસદમાં પિતૃભૂમિ, નડિયાદમાં મોસાળમાં જન્મ્યા, (31 ઓક્ટોબર 1875) પિતા ઝવેરભાઈ, માતા લાડબા, પેટલાદમાં પણ ભણ્યા. અઢારમાં વર્ષે ઝવેરબા સાથે લગ્ન થયાં. ગોધરામાં ‘પ્લીડર’ બન્યા, પછી બોરસદ સ્થળાંતર કર્યું. વિઠ્ઠલભાઈ પહેલા ઇંગ્લેન્ડ ગયા, પછી વલ્લભભાઈ (Sardar VallabhBhai Patel) (1910). 1909માં પત્નીનું મૃત્યુ થયું. લંડનમાં મિડલ ટેમ્પલમાં 1912 સુધીમાં અભ્યાસ પૂરો કર્યો. ભારત પાછા ફર્યા. 1913માં ગુજરાત સભા – જે ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિમાં ફેરવાઈ, તેના સભ્ય થયા અને મૃત્યુ (1950) પર્યંત કોંગ્રેસમાં રહ્યા! 1917માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કોંગ્રેસમાં મંત્રી, પ્લેગ અને દુકાળ, પાણીના પૂરમાં સેવાકાર્ય, આ પણ તેમના કામો. ઓછું જાણીતું કામ તે ગાંધીજીની (Mahatma Gandhi) સાથે બ્રિટિશ લશ્કરમાં ભરતી અભ્યાનમાં (1918) ગાંધીજીને સહયોગ આપ્યો.
વાડીલાલ હોસ્પિટલ (1921) તેમના કારણે ઊભી થઈ. ગુજરાત વિદ્યાપીઠની રચના માટે છેક બર્મા જઈને ફાળો ઉઘરાવી આવ્યા. સત્યાગ્રહનો દોર ચાલ્યો, બારડોલીમાં તેમનું લોકો-પદ ‘સરદાર’ પ્રાપ્ત થયું. 1929માં લાહોર અધિવેશનના પ્રમુખ થવાના હતા, એ ભારતીય સ્વરાજ-ઘોષણાનું અધિવેશન હતું પણ મોતીલાલની ઈચ્છા જવાહરલાલની. ગાંધીજીનો ટેકો મળ્યો. સરદારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી. 1947માં વડાપ્રધાન બનવાના પ્રસંગે પણ સરદાર “ત્યાગી” રહ્યા. દાંડીકૂચ પૂર્વે અને 1941માં જેલવાસી થયા.
1942માં વળી ઓગસ્ટથી જૂન 1945 યરવડા જેલમાં રહ્યા. સ્વાતંત્ર્ય પૂર્વેની રાજ રમતમાં અડગ રહ્યા. તમામ રાજરજવાડો અને અલગ થવા મથતા હૈદરાબાદ જૂનાગઢને પણ વિલીનીકરણના પ્રચંડ પુરુષાર્થથી ‘ભારત’ની એકતાના માર્ગે લઈ ગયા. તિબેટ વિશે નહેરુને ચેતવણીના થોડાક સમય પછી, બીમાર પડ્યા. 15 ડિસેમ્બર 1950 મુંબઈમાં તેમણે આંખો મીંચી.
એક પ્રશ્નાર્થથી શરૂઆત કરીએ
સરદાર વલ્લભભાઈના મૂલ્યાંકનની આધારશીલા કઈ હોઈ શકે?
ભારતના સાર્વજનિક જીવનમાં જ તેનો પ્રત્યુતર મળે છે. 1947ની પૂર્વે લાંબા સમય સુધી સ્વાતંત્ર્ય સંઘર્ષ કરીને, જેમણે સ્વાદિષ્ટ ભારતના પ્રારંભિક વર્ષોમાં એક યા બીજી રીતે (સત્તામાં રહીને કે સત્તાની બહાર) સક્રિયતા દાખવી, તેમની પ્રતિભાના ઘડતરમાં સૌથી મહત્વની વાત એ રહી કે તેઓ વ્યાપક સંઘર્ષમાંથી શોષણમાં પસાર થયા હતા.
એ સંઘર્ષોએ તેમને અનેક દિશાના અનુભવો કરાવ્યા : જનાંદોલનો, સત્યાગ્રહ, સશસ્ત્ર સંઘર્ષ, જેલ, લાઠીમાર, જનમટીપ સુધીની સજાઓ અને તેની સાથોસાથ જે મૂલ્યવાન નિરીક્ષણ તેમને કર્યું તે હતું – રાજકીય સ્વતંત્રતા કે સત્તાના હસ્તાંતરણ પછી, સંસદીય લોકતંત્રની પાયાની શરતો સાથે નેતૃત્વ અને પ્રજાને કઈ રીતે પડોટવાં. બસ, આ બે મુખ્ય કસોટીઓમાંથી તત્કાલીન રાજપુરુષો, મહાપુરુષો કેવા કેટલા પાર થયા તે તેમના મૂલ્યાંકનનો માપદંડ હોઈ શકે.
સરદાર વલ્લભભાઈ – જેમની યુવાનીના 47 વર્ષો બ્રિટિશ સામ્રાજ્યવાદની ઘનઘોર ગુલામી હેઠળ વીત્યાં અને માંડ ત્રણ વર્ષ તેમજ થોડાક મહિના સ્વતંત્ર ભારતમાં અનુભવયા તેમની રાજનીતિ અને રાજ્ય શાસનનો બોધપાઠ ઈસવીસન 2005માં વિચારવા બેઠા છીએ ત્યારે એ સમય પ્રભાવને પણ લક્ષમાં રાખવો જોઈએ કે પાંચ દાયકાથી વધારે સમય પૂર્વે 15 ડિસેમ્બર 1950ના તેમણે વિદાય લીધી છે અને તેમણે ગુલામ તેમજ સ્વતંત્ર ભારતની જે સમસ્યાઓનો સામનો કર્યો તેને પણ અર્થ શતાબ્દી વીતી ગઈ! આજે સરદાર હોત તો વૈશ્વિકરણથી માંડીને બજારવાદ સુધી કે કાશ્મીર – પૂર્વોતર ભારતથી ચીન પાકિસ્તાન સુધીના પ્રશ્નોને કઈ રીતે મુલવ્યા હોય તો એ એ “જો” અને “તો”નું અનુમાન માત્ર મનોરંજક નથી, બદલતા સમયના ધમમસાટનાં પ્રશ્નોના ઉકેલનો અંદાજ પણ આપે છે.
રાજનીતિ અને રાજ્યશાસન, બંનેમાં વ્યવહારની ભૂમિ પર જે મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે તે છે – રાજકારણ અને તેની નીતિ, વહીવટ કાયદો અને વ્યવસ્થા, કાયદાનું શાસન, નાગરિક ધર્મ અને જવાબદારી શીખવતું તંત્ર, રાષ્ટ્રીય સુરક્ષા – સ્વાભિમાન – સાર્વભૌમત્વની જાળવણી સાથે વિકાસલક્ષી કાર્યક્રમનો અમલીકરણ.
સરદાર વલ્લભભાઈએ આ જૂતા જૂથ પડકારોને કઈ રીતે ઝીલ્યા હશે, કેવી કેટલી શક્તિ, વ્યૂહરચનાઓ ગોઠવવા પડ્યા હશે, કેવા કેવા નિર્ણયો અને વ્યવહારોની કુશળતા દાખવી પડી હશે, તેના પ્રત્યક્ષ પરિણામ માટેના કેવા આયોજન હશે… આ વિચારતા આજે તો આશ્ચર્યસ્તબ્ધ થઈ જવાય છે : એક જ વ્યક્તિમાં આટલી ઉર્જાનો પ્રચંડ ધોધ!
સરદારના ઉર્જાવાન વ્યક્તિત્વે બે મોટા કામ કર્યા. ગુલામ ભારતમાં સામૂહિક પ્રજાકીય સંઘર્ષને વ્યાપક બનાવ્યો, તેની પ્રેરકશક્તિ માટેના મુદ્દાઓ શોધી કાઢ્યા અને જન આંદોલનમાં પળોટયા. આ કામ કોઈ કુશળ સંઘર્ષશીલ સંગઠનશાસ્ત્રી જ કરી શકે. માત્ર નેતા નહીં.
બીજું કામ તેમને સ્વાધીન તુરંતની વિકરાળ સમસ્યાઓને પાર પાડવાનું કર્યું. એક નહીં, એકાધિક પ્રશ્નોનું તેમના હાથે નિરાકરણ ન થયું હોત તો? એ વિચાર ધ્રુજાવી દે તેવો છે.
પણ, આ બે હિમાલયન પુરુષાર્થને પાછળ તેમની ભૂમિકા શું હતી? આજની ઘડીએ આપણા નેતૃત્વ અને કતૃત્વ બંને માટે અનિવાર્ય થઈ શકે તેવી તેમની ભૂમિકા હતી.
(1) તેમની રાજનીતિનો રાષ્ટ્રનિષ્ઠાની સાથે અવિનાભાવ સંબંધ હતો. (2) તેમણે રાજ્ય અને રાજ્ય શાસનની સુદ્રઢતાની પ્રાથમિકતા આપી. (3) તેમણે નેતૃત્વને નીતિમત્તાની સાથે જોડ્યું. (4) અને આ તમામ પડકારો માટેનું સામર્થ્ય તેમણે સાંસ્કૃતિક ભૂમિકાના આધારે સર્જ્યું.
ભારતના સ્વાતંત્ર્ય જંગ દરમિયાન સરદારે આ ચારે પરિણામોની સાથે જ કામ કર્યું, પરિણામે સેવા સંગઠન અને સામૂહિક જન આંદોલન – ત્રણ “સ” સરદારના “સ” બની ગયા!
અમદાવાદમાં તેમણે સ્થાનિક સ્વરાજ સંસ્થામાં પ્રતિનિધિ (કાઉન્સિલર) તરીકે બેસવાથી જાહેર જીવનની શરૂઆત કરી. ત્યાં સુધી તે મબલખ આવકની ક્ષમતા ધરાવતા બેરિસ્ટર હતા. (તેમના ઘરમાં ઊંચામાં ઊંચું ફર્નિચર હતું. સરદારના કોલર મુંબઈના ધોબીને ધોવા માટે મોકલતા) બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીના આગમનથી કોઈ ઉત્સુકતા નહોતી. (જુઓને, કેટલી જલ્દીથી તેઓ મહાત્મા કહેવાયા. આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે) પણ પછી તેમને લાગ્યું કે ગાંધીજી અસરકારક કાર્યક્રમો સાથે બહાર આવ્યા છે એટલે 1913 થી વકીલાતની શરૂઆત, ગુજરાત રાજકીય પરિષદ સભ્ય, અમદાવાદ મ્યુનિસિપાલટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિ, જુદી જુદી સમિતિના અધ્યક્ષ અને છેવટે પ્રજાનિયુક્ત પાર્ટીમાં પ્રમુખ (30 જાન્યુઆરી 1924) આ કારકિર્દી પ્રજાકીય સેવાનો મજબૂત પાયો બની રહી. પ્લેગ અને પાણીના પુરથી માંડીને રસ્તાઓના સમારકામ, ભીડ ઘટાડવા માટેની યોજનાઓથી લઈને કિલ્લા વિસ્તારની બહારની જગ્યાના વિકાસ માટે તેમણે દ્રઢતાથી નિર્ણયો લીધા અને લેવડાવ્યા. આ કામગીરીમાં તેમને ‘ખેડૂતોના દુશ્મન’ ‘અહિંસા અને જીવનદયાના વિરોધી’ ‘મુસ્લિમોના દુશ્મન’ તરેહવારના આક્ષેપો બક્ષિસમાં મળ્યા પણ વલ્લભભાઈ ડગ્યા નહીં.
કોર્પોરેશનમાં તેમની કામગીરી એવું કહેવાનું મન થાય છે કે વલ્લભભાઈ આઝાદી કેન્દ્ર આરોગ્ય અને આયોજન પ્રધાન બન્યા હોત તો આજે અવરોધક ઘણા બધા સવાલો ઉકેલાયા હોત!
કોર્પોરેશનથી દેશ : વલ્લભભાઈના સાર્વજનિક જીવનની આ દીર્ઘ અને કઠિન યાત્રામાં તેમણે રાષ્ટ્રીય સ્તરની રાજનીતિનું, બહુ જલ્દીથી નજરે ના જોઈ શકાય એવું, વાવેતર કર્યું. એ પણ નોંધનીય છે કે સ્વતંત્રતા પૂર્વે કે પછી તેમણે કોઈ લોકરંજની (પોપ્યુલિસ્ટ) પગલા ભરીને વાહ વાહ મેળવી નથી. બલકે, લોકોને કઠોર સચ્ચાય દર્શાવતા ગયા અને સજ્જ કરતા ગયા.
એ એક દીર્ઘકાલીન રાજનીતિનો અધ્યાય હતો
કઠલાલથી સત્યાગ્રહની શરૂઆત થઈ (તેમાં મદદગાર થયેલા મોહનલાલ પંડ્યા એક જમાનામાં ગુપ્ત સશસ્ત્ર ચળવળના નાયક હતા.) ખેડા સત્યાગ્રહમાં તેમણે સંપૂર્ણપણે ઝુકાવ્યું. ને પછી એક પછી એક, નાના અને મોટા સત્યાગ્રહોથી ગુજરાત ગરજી ઉઠ્યું. બારડોલીના સત્યાગ્રહે બેરિસ્ટર વલ્લભભાઈને સરદારમાં બદલી નાખ્યા. તેમણે દાંડીકૂચની પૂર્વે દાંડી માર્ગે જનસભાઓ લીધી, જેલ ગયા. વળી છૂટ્યા અને જેલવાસી થયા. નાગપુર સત્યાગ્રહ હતો તેમણે ગાંધીજીએ પસંદ કરીને મોકલ્યા હતા. નાગરિક અસહકારથી ભારત છોડો ચળવળ સુધીમાં સરદાર અગ્રેસરોમાંના એક હતા અને એ જ રીતે 1931માં કરાચી રાષ્ટ્રીય મહાસભાના સભાપતિનું સ્થાન શોભાવ્યું. આ પદ તેમને વહેલું મળ્યું હોત તો પણ એકવાર મોતીલાલ નહેરુ અને બીજીવાર જવાહરલાલ પર ગાંધીજીની પસંદગી ઉતરી. ભવિષ્ય એ સ્વતંત્ર ભારતનું વડાપ્રધાન પદ પણ છોડવા તૈયાર વલ્લભભાઈને માટે આ અધ્યક્ષપદમાં તે પહેલા મોડું થવાનો રંજ ન હતો.
સરદાર લાક્ષણિક સંગઠનનો જીવ હતા. જમીન પરની સચ્ચાઈના પુરા જાણકારી એટલે સત્યાગ્રહો, આંદોલનો, પક્ષ અને પક્ષના કાર્યકર્તાને એક તંતુએ કેમ બાંધવા, ક્યાં કેટલી નમ્રતા અને કેટલી કડકાઈ દાખવવી તેનો પૂરો અંદાજ હતો. તેનું યશસ્વી ઉદાહરણ 1938ના ફેબ્રુઆરીમાં, હરીપુરા જેવા સાવ નાનકડા ગામમાં મળેલા 51માં રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનનો છે. સુભાષચંદ્ર બોઝ તેના સભાપતિ બન્યા હતા. તત્કાલીન કોંગ્રેસમાં સ્વતંત્રતા મેળવવા માટેની ગતિ અને કાર્યક્રમો વિશે એ બે છાવણી હતી. વલ્લભભાઈ તેમાં ગાંધીજીને અનુસર્યા, પણ સુભાષના રાષ્ટ્રપતિત્વથી છવાયેલા હરીપુરા અધિવેશનની તમામ વ્યવસ્થા વલ્લભભાઈએ જ ઊભી કરી આપી. રસ્તા, સમથળ જમીન, દૂધ-ઘી માટે 500 ગાયો, પાણીની ટાંકી, છાપખાનું, હોસ્પિટલ, બેંક, ટપાલતારની ઓફિસ, ટેલીફોન એક્સચેન્જ, બસ સર્વિસની અદભુત વ્યવસ્થા હતી. આસપાસના ગામડાથી આવેલા હજારો માણસો માત્ર 6 પૈસામાં ભરપેટ જમ્યા! બે હજાર સ્વયંસેવકોએ રસોડું અને આરોગ્યની વ્યવસ્થા સંભાળી લીધી. નહેરુથી કહેવાય ગયું. ‘અરે! વલ્લભભાઈ એ તો ભવ્ય નગર બાંધી આપ્યું છે!’
સંગઠનની આવી ઠંડી વ્યક્તિ સરદારને સ્વતંત્રતા પ્રાપ્તિના લોહીયાળ અને વિસ્ફોટક દિવસોમાં જુદી રીતે કામ લાગી. હવે તેમને માટે આખો દેશ હરીપુરા બની ગયો, જેના તમામ રાજકીય ભૌગોલિક મોરચા સાંભળવા માટે કરમસદના કિસાને પોતાના બાવડા અને ખબર મજબૂત બનાવી રાખ્યા હતા.
1947થી 1950
સરદારની અગ્નિપરીક્ષા ના આ જ્વલંત વર્ષો હતા. પીડા સહિતની જ્વાલાઓની રોશનીનો ઝળહળાટ.
રાજનીતિ અને રાજ્યશાસન બંને મોરચે તેમણે સ્વાધીન ભારતને કંઈક એવી સ્વચ્છતા અર્પવી હતી, જે દીર્ઘકાલીન ઇતિહાસ બોધ બની જાય. એવું તેમણે કર્યું.
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)