Republic Day 2022 : પરેડમાં સામેલ ઊંટની ટુકડી બની આકર્ષણનુ કેન્દ્ર, જાણો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી આ ટુકડી વિશે
આ વખતે ઊંટ પર સવાર સીમા સુરક્ષા દળના બેન્ડે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો અને દર્શકોને રોમાંચિત કર્યા હતા.
Republic Day 2022 : દેશવાસીઓ આજે 73માં ગણતંત્ર દિવસની (Republic Day ) ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દિલ્હીમાં પરંપરાગત પરેડનું (Parade) આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજપથ પર યોજાઈ રહેલી આ પરેડ દ્વારા દેશે આખી દુનિયાને પોતાની શક્તિ બતાવી હતી. તમને જણાવી દઈએ કે, આ વખતે ઊંટ પર સવાર બોર્ડર સિક્યુરિટી ફોર્સના બેન્ડે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો અને દર્શકોને રોમાંચિત કર્યા હતા. આ ટુકડી દાયકાઓથી આ પરેડમાં સામેલ છે.
The Camel-mounted band of the Border Security Force at the 73rd Republic Day at Rajpath pic.twitter.com/Lusl6VOUPT
— ANI (@ANI) January 26, 2022
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ
BSFના જવાનો ગુજરાત અને રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઊંટની સવારી કરીને સરહદોની સુરક્ષા માટે ખડે પગે હોય છે. વિશ્વમાં આ પ્રકારની આ એકમાત્ર સૈન્ય ટુકડી છે, જેના ખભા પર દેશની સરહદોની સુરક્ષાની જવાબદારી છે. આ કારણે તેનું નામ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયેલું છે. સરહદ સુરક્ષા દળના ખભા પર દેશની 6,385-કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાની જવાબદારી છે, જેમાં વિશાળ રણ, નદી-ખીણો અને માઇલો સુધી ફેલાયેલા બરફથી ઢંકાયેલા પ્રદેશોનો સમાવેશ થાય છે.
સૌપ્રથમ 1990માં સમાવેશ કરવામાં આવ્યો હતો
રાજપથ પર સુશોભિત ઊંટો પર ગોઠવાયેલી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની ટુકડી 1990માં પહેલીવાર આ પરેડમાં જોડાઈ હતી. ઊંટને રણનું વહાણ કહેવામાં આવે છે. રણમાં વાહનોનું અવરજવર ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ રેતીના ટેકરા પર ઊંટ સરળતાથી દોડી શકે છે. આ જ કારણ છે કે આ જવાનો માટે ઊંટની પસંદગી કરવામાં આવી હતી.
સંગ્રામે આગેવાની કરી
પ્રજાસત્તાક દિવસના અવસરે રાજપથ પર નીકળનારી ઊંટોની ટુકડીમાં લગભગ સો ઊંટ સામેલ છે. આ ઊંટોને નામ પણ આપવામાં આવ્યા છે. આ વખતે જે ઊંટને આ ટુકડીનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતુ, તેનું નામ સંગ્રામ છે. કમાન્ડન્ટ મનોહર સિંહ ખીચી આ ઊંટ પર સવાર હતા. ઉપરાંત યુવરાજ, ગજેન્દ્ર, મોનુ, ગુડ્ડુ સહિતના અન્ય ઊંટો પણ આ પરેડમાં સામેલ છે. જોકે, આ વખતે કોરોના મહામારીને કારણે તેમની સંખ્યા ઓછી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : Video: કડકડતી ઠંડીમાં ITBP જવાનોમાં Republic Day 2022નો ઉત્સાહ, હિમવીરોએ માઈનસ 35 ડિગ્રીમાં તિરંગો ફરકાવ્યો