કારસ્તાન જૂનુ પણ ષડયંત્ર નવું, કાશ્મીર ખીણમાં કાળ ત્રાટકતા આતંકવાદીઓએ જમ્મુને બનાવ્યું નિશાન
ગઈકાલ સોમવારે જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ સૈન્ય કાફલાના વાહન પર ગોળીબાર અને ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં પાંચ જવાન શહીદ થયા છે. જ્યારે અન્ય પાંચ જવાન ઘાયલ થયા છે. આતંકી હુમલો જ્યાં થયો તે વિસ્તાર ઉધમપુર જિલ્લાના બસંતગઢને અડીને આવેલો છે. બસંતગઢ એક સમયે આતંકવાદીઓ માટે પાકિસ્તાનમાંથી કાશ્મીરમાં ઘૂસણખોરીનો માર્ગ હતો.

ગઈકાલ સોમવારે જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ સૈન્ય કાફલાના વાહન પર હુમલો કર્યો હતો. જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે અન્ય પાંચ જવાન ઘાયલ થયા છે. આતંકવાદીઓએ પહેલા સૈન્ય કાફલાના વાહનને ગ્રેનેડથી નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ વિસ્તાર ઉધમપુર જિલ્લાના બસંતગઢને અડીને આવેલો છે.
આતંકવાદનું આશ્રયસ્થાન પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને આતંકિત કરવાના કાવતરાઓ રચવાથી દૂર રહેતુ નથી. છેલ્લા એક દાયકામાં કાશ્મીર ખીણ પ્રદેશમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેમની જ ભાષામાં વળતો જવાબ આપ્યો છે. ત્યારે હવે સ્થિતિ એવી છે કે કાશ્મીર ખીણ પ્રદેશના યુવાનો આતંકવાદ છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા આવી રહ્યા છે. સુરક્ષા દળો ઉપર રોજબરોજ થતા પથ્થરમારાના દિવસો હવે પૂરા થઈ ગયા છે.
હવે કોઈ અલગતાવાદી અવાજ, કાશ્મીર બંધનું એલાન કરવાની હિંમત કરી શકતો નથી. આ બધી એવી બાબતો છે, જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠનને સહેલાઈથી પચાવી શકતુ નથી. તેથી જ હવે આતંકી સંગઠનોએ જમ્મુ ક્ષેત્રને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરના ભૂતકાળના આતંકવાદી હુમલાઓ પણ ક્યાંક ને ક્યાંક આ તરફ ઈશારો કરે છે.
આ માર્ગોથી આતંકવાદીઓ ઘૂસણખોરી કરતા હતા
વર્ષ 2000 ની આસપાસ, પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસવા માટે આતંકવાદીઓ રાજૌરી જિલ્લામાં કરકુંડી, કેરી, લામ, તંગાગલી, ભીર ભાડેસર, ઝાંગઢ, મેનકા મહાદેવ, સુંદરબની અને કાલાકોટ વિસ્તારોમાંથી ઘૂસણખોરી કરતા હતા. આતંકવાદીઓ કાલાકોટ, બુધલ વિસ્તારના સમોટ અને કાલાકોટ થઈને રિયાસી પહોંચતા હતા. પુંછ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બાલાકોટ, રોશની પોસ્ટ, બનલોઈ, કૃષ્ણા ઘાટી, શાહપુર, સબઝિયન અને કુતરિયાન માર્ગોનો ઉપયોગ કરતા આવ્યા છે.
ઘૂસણખોરીની સાથે સાથે આતંકવાદીઓએ હુમલા પણ કર્યા હતા. ધૂસણખોરી માટે ઉધમપુર અને કઠુઆ વચ્ચેનો બસંતગઢ માર્ગ પણ આતંકવાદીઓની યાદીમાં હતો. વર્ષ 2000માં આતંકવાદીઓએ કાશ્મીરમાં ધૂસવા માટે આ માર્ગોનો વધુ ઉપયોગ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આતંકવાદીઓ ખુલ્લેઆમ લગ્નોમાં હાજરી આપતા હતા. 2005 પછી સેનાની તકેદારીના કારણે આ માર્ગો ધૂસણખોરી માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર આતંકવાદીઓ જમ્મુ ક્ષેત્રમાં હુમલાની યોજના બનાવી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં બનેલી આતંકવાદી ઘટનાઓથી પણ તેની પુષ્ટિ થાય છે.