‘આ માછલી દેખાય તો આવે છે પ્રલય’, તમિલનાડુના દરિયાકિનારે જોવા મળી આ દુર્લભ પ્રકારની ડુમ્સડે ફિશ- Video
તમિલનાડુના તટ પર એક દુર્લભ પ્રકારની ઓઆર ફિશ જોવા મળી છે. જે જાપાની માન્યતા મુજબ 'ડુમ્સ ડે ફિશ'તરીકે ઓળખાય છે. એવુ કહેવાય છે કે આ માછલી દેખાય તો કુદરતી આપદાઓ આવવાનો સંકેત છે. હાલ આ માછલી દેખાતા તમિલનાડુના સ્થાનિકોમાં ચિંતા પ્રસરી છે.

તમિલનાડુના દરિયા કિનારેથી જ હાલમાં જ એક દુર્લભ અને રહસ્યમયી માછલી પકડવામાં આવી છે. જેને ઓઆરફિશ (Oarfish) કહેવામાં આવે છે. તેને જાપાની માન્યતામાં ડુમ્સડે ફિશ એટલે કે પ્રલયની માછલી પણ કહેવામાં આવે છે કારણ કે દરિયાઈ સપાટી પર તેની હાજરી કુદરતી આફતોની નિશાની માનવામાં આવે છે. આ માછલીની એક ઝલકે ન માત્ર વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યુ છે, પરંતુ સ્થાનિક લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ માછલીનો વીડિયો સોશિયલ મીડિયા પર બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સાત માછીમારો એક વિશાળ અને સિલ્વર રંગની લહેરાતી માછલી પકડેલા જોવા મળે છે. ઓઆરફિશનું કદાવર શરીર અને માથા પાસે દેખાતા લાલ ક્રેસ્ટ જેવા મીનપક્ષો (પાંખ) તેને અન્ય માછલીથી અનોખી અને ડરામણી બનાવે છે.
ઓઆરફિશ શું છે અને તેને શા માટે અશુભ ગણવામાં આવે છે?
ઓઆરફિશ સામાન્ય રીતે ઊંડા સમુદ્રમાં જોવા મળે છે અને ભાગ્યેજ સમુદ્રની સપાટીની જોવા મળે છે. આ ધીમી ગતિએ તરતી માછલી છે જે મોટાભાગે પાણીમાં સીધી (વર્ટિકલ) સ્થિતિમાં તરતી રહે છે અને પ્લાન્કટોન ખાઈને જીવિત રહે છે. જાપાનમાં સદીઓ જૂની માન્યતા છે કે જો ઓરફિશ દરિયાની સપાટીની નજીક જોવા મળે, તો તે કોઈ કુદરતી આફત, ખાસ કરીને ભૂકંપ અથવા સુનામીની ચેતવણી છે. આ આધારે, તેને ‘ડૂમ્સડે ફિશ’ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ માછલી સમુદ્રની નીચે ભૂકંપની ગતિવિધિઓને અનુભવી લે છે અને મનુષ્યોને ચેતવણી આપવા સપાટી પર આવે છે. જોકે આ દાવાની અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ જાપાન અને અન્ય દેશોમાં ભૂકંપ પહેલાં ઓઆરફિશ જોવા મળવાની ઘટનાઓએ ચોક્કસપણે આ માન્યતાને મજબૂત બનાવી છે.
જુઓ Video
The rarely seen oarfish, which usually are in deep-sea, which is also known as ‘Doomsday’ fish is caught in the net in TamilNadu pic.twitter.com/8N4TTNyDec
— Aryan (@chinchat09) June 16, 2025
તમિલનાડુમાં માછીમારોની જાળમાં ફસાઈ માછલી
સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ, આ માછલી અચાનક તેમની જાળમાં ફસાઈ ગઈ. તેનું કદ અને રંગ જોઈને તેઓ ચોંકી ગયા. માછલીની લંબાઈ આશરે 3 મીટર હોવાનો અંદાજ છે, જ્યારે ઓઆરફિશની મહત્તમ લંબાઈ 11 મીટર સુધી હોઈ શકે છે, જે તેને વિશ્વની સૌથી લાંબી બોનફિશમાંની એક બનાવે છે. વીડિયોમાં, માછીમારો આ દુર્લભ પ્રાણીને કાળજીપૂર્વક પકડીને ઉભેલા છે અને બેકગ્રાઉન્ડમાં લોકો તેની તસવીર લેતા જોવા મળી રહ્યા છે.
વિશ્વભરમાં જોવા મળી આ પ્રકારની માછલી
તમિલનાડુમાં ઓઆરફિશની હાજરી કોઈ અલગ ઘટના નથી. તાજેતરના વર્ષોમાં, આ માછલી સપાટી પર જોવા મળવાની ઘટનાઓ આખી દુનિયામાં વધી છે. આ મહિનાની શરૂઆતમાં, ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયામાં ઓશન બીચ પર એક મહિલાને દરિયા કિનારે ચાલતી વખતે ત્રણ મીટર લાંબી ઓઆરફિશ મૃત હાલતમાં મળી આવી હતી. ફેબ્રુઆરી 2025 માં,આ માછલી મેક્સિકોના પ્રશાંત કિનારે બાજા કેલિફોર્નિયા સુર વિસ્તારમાં ફરી જોવા મળી હતી.
વૈજ્ઞાનિકોનો અભિપ્રાય
વૈજ્ઞાનિકો કહે છે કે ઓઆરફિશ ફક્ત ત્યારે જ સપાટીની નજીક આવે છે જ્યારે તે બીમાર હોય, મૃત્યુની નજીક હોય અથવા તો અથવા પ્રજનનનો સમય હોય. તે સામાન્ય રીતે સમુદ્રના ઊંડાણમાં, માણસોથી દૂર જોવા મળે છે. જોકે હજુ સુધી કોઈ નક્કર પુરાવા નથી કે ઓઆરફિશ ખરેખર ભૂકંપ કે અન્ય આપદાઓની આગાહી કરે છે, તેના દરેક દેખાવને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલની આશંકા પહેલાથી જ સેવાઈ રહી હોય.
સ્થાનિક લોકોમાં ચિંતા
તામિલનાડુના દરિયાકાંઠે ઓઆરફિશ જોવા મળ્યાના સમાચારથી સ્થાનિક સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા લોકો ચિંતિત છે, કારણ કે તે કોઈ આવનારી આફતનો સંકેત છે. જોકે, વહીવટીતંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવા અને વૈજ્ઞાનિક તથ્યો પર વિશ્વાસ કરવાની અપીલ કરી છે.