સુપ્રીમ કોર્ટે કોરોનાના કારણે જીવ ગુમાવનારાના પરિવારો માટે 50,000 રૂપિયાની વળતર યોજનાને આપી મંજૂરી, 30 દિવસમાં થશે ચુકવણી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફરિયાદ નિવારણ સમિતિ મૃત દર્દીના મેડિકલ રેકોર્ડની તપાસ કરી શકે છે અને 30 દિવસમાં વળતર આપવાનો આદેશ આપી શકે છે. સમિતિને હોસ્પિટલોમાંથી રેકોર્ડ મંગાવવાનો અધિકાર પણ હશે.
દેશમાં કોરોના વાયરસને (Corona Virus) કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતર તરીકે 50,000 રૂપિયા આપવાની કેન્દ્રની યોજનાને સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંજૂરી આપી દીધી છે. એક અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.
જસ્ટિસ એમ.આર. શાહે આદેશમાં જણાવ્યું હતું કે, મૃતકોના સગાને કોઈ પણ સંજોગોમાં 50,000 રૂપિયાની રકમ ચૂકવવામાં આવશે અને આ ચુકવણી કેન્દ્ર અને રાજ્ય દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ચૂકવવામાં આવેલી રકમ ઉપરાંત હશે. તેમણે કહ્યું કે આ ચુકવણી રાજ્ય આપત્તિ રાહત ફંડમાંથી કરવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પીડિતોની સંપૂર્ણ વિગતો પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થવી જોઈએ.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે વળતરની રકમ અરજીના 30 દિવસની અંદર ચૂકવવાની રહેશે. જો મૃત્યુનું કારણ કોરોના હોય તો જ આ રકમ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આદેશમાં એમ પણ કહ્યું છે કે રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દરેક પીડિત પરિવારને 50,000 રૂપિયાનું વળતર આપશે. ખાસ વાત એ છે કે આ આદેશ હેઠળ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે અત્યાર સુધી જાહેર કરેલી યોજના સિવાય, આ નાણાં પીડિતોના પરિવારોને અલગથી આપવામાં આવશે.
તમામ લાભાર્થીઓના નામ અખબારમાં પ્રકાશિત કરવામાં આવશે
આદેશ અનુસાર, જે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ કોરોનાને કારણે થયું છે, તે વળતરની આ રકમ તેના નજીકના સંબંધીને આપવામાં આવશે. આ માટે, પરિવારે મૃતકના કોરોના હોવાના પુરાવા સાથે જિલ્લાના આપત્તિ વિભાગને અરજી સબમિટ કરવાની રહેશે. વિભાગ આ અરજીનો 30 દિવસમાં નિકાલ કરશે. વિભાગે તમામ લાભાર્થીઓના નામ અખબારમાં પ્રકાશિત કરવા પડશે જેથી પારદર્શિતા જળવાઈ રહે.
કોર્ટે એમ પણ કહ્યું કે ફરિયાદ નિવારણ સમિતિ મૃત દર્દીના મેડિકલ રેકોર્ડની તપાસ કરી શકે છે અને 30 દિવસની અંદર વળતરની માગ કરી શકે છે. સમિતિને હોસ્પિટલોમાંથી રેકોર્ડ મંગાવવાનો અધિકાર પણ હશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ ભલામણ કરી હતી કે કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયા આપવામાં આવે. કેન્દ્રએ આ મામલે ગયા મહિને સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી.
આ પણ વાંચો : Lakhimpur Violence : મૃતકોના પરિવારોને મળશે 45 લાખ રૂપિયા અને સરકારી નોકરી, યોગી સરકારે કરી જાહેરાત
આ પણ વાંચો : ઘર ખરીદનારાઓના હિતમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય – મોડલ કરાર બનશે, બિલ્ડર અને એજન્ટની જવાબદારી નક્કી થશે