SIRની સમયમર્યાદા 7 દિવસ લંબાવી, હવે ભરેલા ફોર્મ 11 ડિસેમ્બર સુધી સબમિટ કરી શકાશે
ચૂંટણી પંચે મતદાર યાદી ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા માટેની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી છે. SIR ફોર્મ હવે 4 ડિસેમ્બરને બદલે 11 ડિસેમ્બર સુધી સબમિટ કરી શકાશે. જો કે, અંતિમ મતદાર યાદી, આગામી 14 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

ગુજરાત સહિત દેશભરના 12 રાજ્યોમાં હાલમાં ચાલી રહેલી મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબશ ( SIR )માં ભરાયેલા ફોર્મ પાછા સોંપવાની અંતિમ તારીખ વધારવામાં આવી છે. હવે 4 ડિસેમ્બરને બદલે, SIR ની અંતિમ તારીખ 7 દિવસ વધુ લંબાવી છે, એટલે કે, આગામી 11 ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ શકે છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઘણા જિલ્લાઓ અને રાજ્યોમાં BLOs કામના ભારણમાં વધારો અનુભવી રહ્યા હોવાનું કહેવાય છે.
અગાઉના કાર્યક્રમ અનુસાર, 9 ડિસેમ્બર, 2025 ના રોજ જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદી હવે એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. ડ્રાફ્ટ હવે 16 ડિસેમ્બર, 2025 ના રોજ પ્રકાશિત થશે.
કઈ કઈ તારીખોમાં થયા ફેરફાર ?
- ડ્રાફ્ટ પ્રકાશનની અંતિમ તારીખ 9 ડિસેમ્બર, 2025 થી બદલીને 16 ડિસેમ્બર, 2025 કરવામાં આવી છે.
- દાવાઓ અને વાંધાઓની અંતિમ તારીખ 9 ડિસેમ્બર, 2025 થી વધારીને 8 જાન્યુઆરી, 2026 કરાઈ છે. એ જ રીતે 16 ડિસેમ્બર, 2025ની તારીખ વધારીન 15 જાન્યુઆરી, 2026 કરવામાં આવી છે.
- અંતિમ યાદી પ્રકાશન, જે મૂળ 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ નક્કી કરવામાં આવ્યું હતું, તે હવે 14 ફેબ્રુઆરી, 2026 ના રોજ થશે. આ સમગ્ર પ્રક્રિયા એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે.
BLO પર દબાણ ઘટાડવું
મતદારયાદી સુધારણા ઝુંબેશમાં સમય વધારો કરવાના નિર્ણયને BLO માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે 4 ડિસેમ્બર સુધીમાં SIR ફોર્મ સબમિટ કરવાના દબાણને કારણે ઘણા BLO માં હાર્ટ એટેક અને આત્મહત્યાના અહેવાલો સામે આવી રહ્યાં છે. આ નિર્ણયથી હવે SIR પ્રક્રિયામાં સામેલ અધિકારીઓને વધારાનો એક અઠવાડિયાનો સમય મળશે. દેશમાં હજુ પણ ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં SIR નું 50 % કામ પણ પૂર્ણ થયું નથી. જે લોકો પોતાના દસ્તાવેજો પૂર્ણ કરી શક્યા નથી તેમના માટે પણ આ રાહતના સમાચાર લેખાશે.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.