તમારી દુકાનની આગળ રહેલી ખાલી જગ્યા તમે કોઈને ભાડે આપી શકો છો? જાણો સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બીવી નાગરન્નાની ખંડપીઠે કહ્યું કે "હાઈકોર્ટ દ્વારા યોગ્ય રીતે કહ્યું તેમ, દુકાનમાં વ્યવસાય કરવો અને તેની દુકાનની આગળની જગ્યા પર વ્યવસાય કરવો, બંને અલગ-અલગ છે.

સુપ્રીમ કોર્ટે તાજેત્તરમાં જ કહ્યું કે કોઈ દુકાનદાર દુકાનમાં બિઝનેસ કરી શકે છે પણ તેની દુકાનની આગળની જગ્યા પર હક્ક કરી શકતો નથી અને તે જગ્યા કોઈ અન્ય વ્યક્તિને પણ ભાડે આપી શકતો નથી. તમે બજારમાં કોઈ વસ્તુ લેવા ગયા હોય ત્યારે ઘણી વખત જોયુ હશે કે દુકાનદારો દુકાનની આગળની ઘણી જગ્યા પર પણ પોતાનો હક્ક જમાવતા હોય છે. જો તેની દુકાનની આગળ તમે વ્હીકલ પાર્ક કરો તો પણ ઘણી વખત બોલાચાલી થઈ જતી હોય છે.
ત્યારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બીવી નાગરન્નાની ખંડપીઠે કહ્યું કે “હાઈકોર્ટ દ્વારા યોગ્ય રીતે કહ્યું તેમ, દુકાનમાં વ્યવસાય કરવો અને તેની દુકાનની આગળની જગ્યા પર વ્યવસાય કરવો, બંને અલગ-અલગ છે. કારણ કે કોઈ વ્યક્તિની પાસે લાઈસન્સ છે અને તે કોઈ દુકાનમાં વ્યવસાય કરી રહ્યો છે પણ દુકાનની આગળ રહેલી જગ્યાનો તે હકદાર નથી. આ પ્રકારના દાવાને સમર્થન કરનારા કોઈપણ નિયમ અને નિયમન અથવા માર્ગદર્શિકાને હાઈકોર્ટ અથવા આ કોર્ટમાં સંજ્ઞાનમાં લાવવામાં આવ્યા નથી.
આ પણ વાંચો: DCW ચીફ સ્વાતિ માલીવાલનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યું- પિતા દ્વારા કરવામાં આવ્યું હતું જાતીય શોષણ
શું છે આખો કેસ?
અરજીકર્તા ચંદીગઢની કૃષિ ઉપજ મંડી ખાતે આવેલી દુકાન નંબર 27નો માલિક બન્યો હતો. પ્રતિવાદી નં.5 દુકાનના ભાડૂઆત હતા. બંને પક્ષોની પાસે બજારમાં વેપાર કરવા માટે જરૂરી લાઈસન્સ હતા. હાઈકોર્ટ દ્વારા પ્રતિવાદી નં.5 સામે હકાલપટ્ટીની કાર્યવાહીની પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યારબાદ તે વર્ષ 2007માં દુકાન નં.12માં શિફ્ટ થયો હતો અને નવી દુકાનમાં સરનામું બદલવા માટે અરજી કરી હતી. જો કે આ અરજીને નામંજૂર કરવામાં આવી અને તેને તેનું લાઈસન્સ સરન્ડર કરવા અને નવા લાઈસન્સ માટે અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું.
આ દરમિયાન અરજીકર્તાને નવું લાયસન્સ આપવામાં આવ્યું હતું અને તેને દુકાન નં.27માં ધંધો શરૂ કર્યો, પ્રતિવાદી નં.5એ હાઈકોર્ટ સમક્ષ તે આદેશને પડકારતા એક રિટ પિટિશન દાખલ કરી, જેમાં સરનામું બદલવાની તેમની અરજી ફગાવી દીધી હતી. ઓર્ડર પર સ્ટે આપવામાં આવ્યો હતો, જે પ્રતિવાદી નંબર 5ના લાયસન્સની માન્યતા સમાપ્ત થાય ત્યાં સુધી યથાવત રહ્યો. પ્રતિવાદી નં.5ની લાયસન્સ રીન્યુઅલ માટેની અરજી ફરીથી નામંજૂર કરવામાં આવી હતી.
હસ્તક્ષેપ બાદ પ્રતિવાદી નં 5 જુના લાઈસન્સ મુજબ કામ કરતો રહ્યો. લાઈસેન્સિંગ ઓફ ઓક્શન પ્લેટફોર્મ રૂલ્સ 1981 હેઠળ બનેલી લાઈસન્સ કમિટીએ નિર્ણય કર્યો કે પ્લેટફોર્મમાં સાઈટને ‘વન સાઈટ વન શોપ’ના આધાર પર ફાળવવામાં આવશે અને પ્રતિવાદી નં 5નું નામ અરજીકર્તાની સાથે ‘co-allocated’ તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
એક અરજી દાખલ કર્યા બાદ હાઈકોર્ટે પ્રતિવાદી નંબર 5નું લાયસન્સ રિન્યુ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી હરાજી પ્લેટફોર્મના ઉપયોગ કરવાના અધિકારોના મુદ્દા સંબંધિત અધિનિયમમાં સુધારો કરીને વૈકલ્પિક નીતિ ન આવે ત્યાં સુધી, પ્રતિવાદી નં.5 દુકાન નં.27ની સામેના પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે હકદાર છે.
કોર્ટે એ પણ કહ્યું કે પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો અધિકાર અને બજાર વિસ્તારમાં વ્યવસાય કરવા માટે લાઈસન્સ મેળવવાનો અધિકાર બંને અલગ અલગ છે અને બંને અધિકાર સીધા જોડાયેલા નહતા. હાઈકોર્ટની ખંડપીઠે અરજી દાખલ કરવા પર આદેશની પુષ્ટી કરી.
જ્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો તેને કહ્યું કે અરજીકર્તા દુકાન નંબર 27ની બાજુમાં શેડ/હરાજી પ્લેટફોર્મનો દાવો કરી રહ્યો છે પણ તે આ સંબંધમાં કોઈ વિશેષ નિયમ બતાવવામાં અસમર્થ હતો. તેથી તે શેડ/હરાજી પ્લેટફોર્મની ફાળવણી માટે ભલામણ કરી શકતો નથી.
કોર્ટે કહ્યું કે 2007માં શેડ પડી ગયા પછી સચિવ, કૃષિના દિશાનિર્દેશો અનુસાર ફાળવણી કરવામાં આવી હતી. “અરજીકર્તા હરાજીના પ્લેટફોર્મની ફાળવણીના સંબંધમાં સચિવ દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશોના પાલન કરવા માટે કોઈપણ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ અને/અથવા ફાળવણી માટે હકદાર નથી. અરજીકર્તાને બજાર અને હરાજી મંચ પર બિઝનેસ કરનારા અન્ય વ્યક્તિઓના બરાબર સમાન રીતે વર્તવું જોઈએ.
પ્રતિવાદી નંબર 5ના પક્ષમાં હરાજી મંચની ફાળવણી પર કોર્ટે કહ્યું કે તે 1970થી લાઈસન્સ ધરાવે છે અને વ્યવસાય કરી રહ્યો છે, જ્યારે અરજીકર્તાને 2007માં લાઈસન્સ મળ્યું હતું. આ આધારો પર ખંડપીઠે અપીલોને રદ કરી દીધી.