લાજ શરમ નેવે મૂકી! તમે ગરીબ છો, તેમાં આ માસૂમનો શું વાંક? માતા-પિતાએ કંઈક એવું કર્યું કે, આખું રાજ્ય હચમચી ગયું
બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ દુનિયાના સૌથી મજબૂત સંબંધનું ઉદાહરણ છે. જો કે, હાલમાં જ આ સંબંધને લજવી નાખે તેવી ઘટના બહાર આવી છે.

ઝારખંડના પલામુ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો બહાર આવ્યો છે, જેણે ગરીબીના સત્યનો પર્દાફાશ કર્યો છે. લેસ્લીગંજ વિસ્તારમાં રહેતા એક ગરીબ દંપતીએ મજબૂરીમાં પોતાના એક મહિનાના માસૂમ પુત્રને માત્ર 50,000 રૂપિયામાં વેચી દીધો.
પુત્રને 50,000 રૂપિયામાં વેચી દીધો
બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ દુનિયાના સૌથી મજબૂત સંબંધનું ઉદાહરણ છે પરંતુ ગરીબી સામે કદાચ બધા સંબંધો ડગમગી જાય છે. આવું જ કઈંક ઝારખંડના પલામુ જિલ્લામાં બન્યું છે. અહીં એક અત્યંત ગરીબ દંપતીએ પોતાના એક મહિનાના પુત્રને માત્ર 50,000 રૂપિયામાં વેચી દીધો.
આ ઘટના મેદિનીનગરના લેસ્લીગંજ વિસ્તારની છે, જ્યાં ગરીબી અને બીમારી સામે ઝઝૂમી રહેલા પરિવાર માટે બધા રસ્તા બંધ થઈ ગયા હતા, ત્યારે તેમણે મજબૂરીમાં આ પગલું ભર્યું. મીડિયા રિપોર્ટસ અનુસાર, મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટનાની નોંધ લીધી અને વહીવટીતંત્ર તેમજ પોલીસને ઝડપી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો.
આ પછી પોલીસે લાતેહાર જિલ્લામાંથી માસૂમ બાળકને સારી સ્થિતિમાં શોધી કાઢ્યું, જેને કથિત રીતે એક દંપતીને વેચી દેવામાં આવ્યું હતું. લેસ્લીગંજ પોલીસ સર્કલ ઓફિસર સુનીલ કુમાર સિંહે જણાવ્યું કે, માતા-પિતાની ઓળખ રામચંદ્ર રામ અને પિંકી દેવી તરીકે થઈ છે.
શું હતી મજબૂરી?
‘રામચંદ્ર રામ’ એક મજૂર છે અને દૈનિક વેતનથી ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું કે, સતત વરસાદને કારણે તે છેલ્લા કેટલાંક મહિનાઓથી બેરોજગાર છે. તેમની પત્ની પિંકી દેવી બાળકના જન્મથી જ બીમાર હતી. સારવાર અને ખોરાક માટે પૈસાના અભાવે તેમને આવો નિર્ણય લેવો પડ્યો. રામે કહ્યું કે, “મારી પાસે પત્નીની સારવાર માટે કે બાળકોને ખવડાવવા માટે પણ પૈસા નહોતા. આવી સ્થિતિમાં, આ પગલું ભરવું પડ્યું.” આ બેઘર અને નિરાધાર પરિવાર પાસે રહેવા માટે સલામત જગ્યા પણ નથી. તેઓ તેમના બીજા ચાર બાળકો સાથે જર્જરિત ઝૂંપડીમાં રહી રહ્યા છે.
આ કેસ બહાર આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે પરિવારને સહાય તરીકે 20 કિલો અનાજ પૂરું પાડ્યું હતું અને વધુમાં વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
