Russia Ukraine War: ખાર્કિવમાં ‘ઓપરેશન ગંગા’ સફળ, વિદેશ મંત્રાલયે કહ્યું- તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 15 ફ્લાઈટ ભારત પહોંચી છે, જેમાં લગભગ 2900 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. 'ઓપરેશન ગંગા' હેઠળ અત્યાર સુધીમાં લગભગ 13,300 ભારતીયોને લઈને 63 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે.
યુક્રેનના (Ukraine) ખાર્કિવમાં ફસાયેલા લગભગ તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે યુક્રેનના ખાર્કિવ (Kharkhiv) શહેરમાંથી લગભગ તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે, જે એક સારા સમાચાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે હવે અમે જોશું કે હજુ પણ કેટલા ભારતીયો યુક્રેનમાં છે. તેમણે કહ્યું કે ભારતીય દૂતાવાસ એવા લોકોનો સંપર્ક કરશે જેઓ ત્યાં હોવાની શક્યતા છે, પરંતુ હજુ સુધી નોંધણી કરાવી નથી. સાથે સાથે અમને સુમીની ચિંતા થાય છે. ત્યાં પડકાર ચાલુ રહે છે. સુમીમાં હિંસા ચાલુ છે. આ સાથે અહીં વાહનવ્યવહારનો પણ અભાવ છે. અમે પિસોચિનમાંથી 298 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે.
અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 15 ફ્લાઈટ ભારત પહોંચી છે, જેમાં લગભગ 2900 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. ‘ઓપરેશન ગંગા’ હેઠળ અત્યાર સુધીમાં લગભગ 13,300 ભારતીયોને લઈને 63 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે. આગામી 24 કલાકમાં વધુ 13 ફ્લાઈટ શેડ્યૂલ છે.
From Pisochyn & Kharkiv, we should be able to clear out everyone in the next few hours, so far I know no one left in Kharkhiv. Main focus is on Sumy now, challenge remains ongoing violence & lack of transportation; best option would be ceasefire: MEA#UkraineRussianWar pic.twitter.com/EdNf5Zhkcz
— ANI (@ANI) March 5, 2022
આવતીકાલે 2200 ભારતીયો સ્વદેશ પરત ફરશે
યુક્રેનના પડોશી દેશોમાંથી રવિવારે 11 ફ્લાઈટ મારફતે 2200થી વધુ ભારતીયો વતન પરત ફરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારે લગભગ 3000 ભારતીયોને 15 ફ્લાઇટ્સ દ્વારા ‘એરલિફ્ટ’ કરવામાં આવ્યા હતા. તેમાં 12 વિશેષ નાગરિક અને ભારતીય વાયુસેનાની ત્રણ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રશિયાના હુમલા બાદ 24 ફેબ્રુઆરીથી યુક્રેનની એરસ્પેસ બંધ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેના પડોશી દેશો મારફતે સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.
સુમીમાં ફસાયેલા 700 ભારતીયોની માહિતી
અગાઉ, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાં સતર્ક અને સુરક્ષિત રહેવા કહ્યું છે. તમામ વિદ્યાર્થીઓએ સલામત સ્થળે રહેવું જોઈએ અને બિનજરૂરી જોખમ ન લેવું જોઈએ. વિદેશ મંત્રાલય અને અમારા દૂતાવાસ વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે. સુમી એ સંઘર્ષના ક્ષેત્રોમાંનું એક છે જ્યાં રશિયન અને યુક્રેનિયન સેનાઓ વચ્ચે ભીષણ લડાઈ જોવા મળી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે કહ્યું કે સુમીમાં 700 ભારતીયો ફસાયા હોવાની માહિતી છે.