સદસ્યતા રદ થયા બાદ Rahul Gandhiનું પ્રથમ ટ્વિટ, કહ્યું, “હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું, હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું”
રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું કે, હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું."
નવી દિલ્હી : કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભા-સાસંદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ શુક્રવારે કહ્યું કે તેઓ ભારતના અવાજ માટે લડી રહ્યા છે અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું કે, હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.”
मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं।
मैं हर कीमत चुकाने को तैयार हूं।
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2023
કેરળની વાયનાડ સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીને શુક્રવારે 2019ના માનહાનિના કેસમાં સુરતની કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવતાં લોકસભામાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે.
નોટિફિકેશનમાં જણાવાયું છે કે તેમને (રાહુલ ગાંધી)ને બંધારણની કલમ 102(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે સુરતની એક કોર્ટે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા, અને તેમની “મોદી અટક” વિશેની ટિપ્પણી બદલ બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
રાહુલ ગાંધી પર કાર્યવાહી બાદ કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો યાત્રા’ની લોકપ્રિયતાએ શાસક પક્ષને નર્વસ બનાવી દીધો છે. જેના કારણે વિપક્ષી નેતાઓ સામે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાહુલ ગાંધી પર કાર્યવાહી બાદ ફરી એકવાર વિપક્ષો એકઠા થયા છે. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓએ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે જ્યારે તમે સંસદમાં નેહરુ સરનેમનો ઉલ્લેખ કરો છો ત્યારે તમારી સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.
શું હતો સમગ્ર મામલો?
હકીકતમાં, રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેવી રીતે હોઈ શકે? રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ગુજરાત ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના નેતા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીના નિવેદનને કારણે તેમના સમાજના લોકોની બદનામી થઈ છે.
આ પછી કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. કેસની સુનાવણી આગળ વધી. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. નિવેદન પાછળ મારો કોઈ ખોટો ઈરાદો નહોતો. આ પછી કોર્ટે રાહુલ ગાંધીને આ કેસમાં દોષી ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી.