ગઈકાલે નેપાળના પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે એક પેસેન્જર પ્લેન નદીની ખીણમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સહીત 72 લોકોના મોત થયા હતા. જેમાં પાંચ ભારતીયોનો પણ સમાવેશ છે. કહેવામાં આવી રહ્યું છે કે, એરક્રાફ્ટની ખટારા સિસ્ટમના કારણે મુસાફરોનો જીવ ગયો હતો. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightRadar24 અનુસાર, Yeti Airlinesનું વિમાન 15 વર્ષ જૂનું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ એરક્રાફ્ટ અવિશ્વસનીય ડેટા સાથે જૂના ટ્રાન્સપોન્ડરથી સજ્જ હતું. આ વિમાન દુર્ઘટના છેલ્લા 30 વર્ષમાં સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંની એક છે.
- નિષ્ણાતો માને છે કે યેતી એરલાઈન્સ પાસે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરક્ષિત ફ્લાઈટ્સ ઉડાવતા અનુભવી પાઈલટોની ભારે અછત છે. આ કારણે પણ નેપાળમાં વિમાન અકસ્માતો વધી રહ્યા છે.
- નેપાળ એવિએશનના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, નેપાળ દેશ વિમાનના ઉડ્ડયન માટે ખૂબ જ ભયજનક દેશ છે. નેપાળના પર્વતો પાયલોટ માટે મોટો પડકાર છે. હવામાનમાં અચાનક ફેરફાર અને દુર્ગમ સ્થળોએ બાંધવામાં આવેલી એરસ્ટ્રીપ્સને કારણે નેપાળમાં પ્લેન અકસ્માતોનો ખૂબ જ ખરાબ રેકોર્ડ છે.
- નેપાળ એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સના અશોક પોખરિયાલનું કહેવું છે કે, જૂના પ્લેનમાં આધુનિક વેધર રડાર નથી, જેના કારણે પાયલટ હવામાનની માહિતી રિયલ ટાઈમમાં મેળવી શક્યા નહીં, કારણ કે આ પ્લેન પણ ઘણું જૂનું હતું, તેથી તેમાં પણ ઘણી સમસ્યાઓ હતી.
- 15 વર્ષ જૂના એરક્રાફ્ટને ખરીદ્યા બાદ તેને સતત ઉડાડવામાં આવી રહ્યું હતું. ATR 72ને સુરક્ષિત એરક્રાફ્ટ માનવામાં આવે છે. નેપાળમાં દુર્ઘટનાગ્રસ્ત યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થનાર પ્રથમ ATR વિમાન છે.
- બચાવ અને સર્ચ ઓપરેશન ગઈકાલે બંધ કરી દેવામાં આવ્યું હતું. ઢાળવાળા ખડકોથી ઘેરાયેલી નદીના ઉંડાણમાં ફસાયેલા બાકીના મૃતદેહોને શોધવા માટે આજે ફરી ઓપરેશન શરૂ કરાયું છે. કાટમાળના સ્થળ પરથી ઓછામાં ઓછા 50 મૃતદેહો મળી આવ્યા છે.
- માય રિપબ્લિકા વેબસાઈટના રિપોર્ટ અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોની ઓળખ તમામ મૃતદેહોને એકત્ર કર્યા બાદ જ શરૂ થશે. આજે સોમવારે તમામ નિયમિત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
- એરલાઈન્સના જણાવ્યા અનુસાર સોમવારે માત્ર ઈમરજન્સી અને રેસ્ક્યુ ફ્લાઈટ્સ જ ઓપરેટ થશે. યતિ એરલાઈન્સે ટ્વીટ કર્યું કે ઈમરજન્સી અને રેસ્ક્યુ ફ્લાઈટ્સ ફરી શરૂ થશે.
- અકસ્માત માટે માનવીય ભૂલ, એરક્રાફ્ટ સિસ્ટમની ખરાબી કે પાયલોટનો થાક પણ જવાબદાર હોઈ શકે છે. પ્લેન અકસ્માતોની તપાસ કરી રહેલા એક નિષ્ણાતે આ વાત કહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘટનાની ઝીણવટભરી તપાસ બાદ જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે.
- અકસ્માતમાં માર્યા ગયેલા ચાર લોકો ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના હતા. માર્યા ગયેલા લોકોમાં ગાઝીપુરના સોનુ જયસ્વાલ, અનિલ રાજભર, અભિષેક કુશવાહ અને વિશાલ શર્માનો સમાવેશ થાય છે. તેઓ કાસિમાબાદ તાલુકાના અલગ-અલગ ગામોના રહેવાસી હતા.
- સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ જણાવ્યું કે, યતિ એરલાઇનના 9N-ANC ATR-72 એરક્રાફ્ટે કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ઉડાન ભરી હતી.