નેપાળમાં વિમાન તુટી પડવાની સમગ્ર ઘટના મુસાફરના મોબાઈલ કેમેરામાં થઈ કેદ, જુઓ viral video
વિમાન દુર્ઘટના બાદ રવિવારે મોડી રાતે બચાવ અને સર્ચ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ખડકોથી ઘેરાયેલી ઊંડી નદીના ખાડામાં ફસાયેલા બાકીના મૃતદેહોને શોધવા માટે આજે સોમવારે ફરી ઓપરેશન શરૂ થશે.
નેપાળમાં ગઈકાલ રવિવારે એક ભયાનક વિમાન દુર્ઘટના થઈ હતી. જેમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 5 ભારતીય લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 4 લોકો ઉત્તર પ્રદેશના ગાઝીપુરના રહેવાસી હતા. આ અકસ્માતનો એક ફેસબુક લાઈવ વીડિયો સામે આવ્યો છે. જે હૃદયને હચમચાવી નાખે તેવો છે. આમાંથી એક ભારતીય વ્યક્તિ ફેસબુક લાઈવ કરી રહ્યો હતો, જેમાં આ અકસ્માતનો ભયાનક વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં યુવક વિમાન તુટી પડતા પહેલા બારીની બહારનો નજારો બતાવી રહ્યો છે. અચાનક વિસ્ફોટનો અવાજ સંભળાય છે અને સર્વત્ર આગની જ્વાળાઓ ફેલાઈ જાય છે. આ વિડિયો ખૂબ જ ચોંકાવનારો છે.
વિમાન દુર્ઘટના બાદ રવિવારે મોડી રાતે બચાવ અને સર્ચ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને ખડકોથી ઘેરાયેલી ઊંડી નદીના ખાડામાં ફસાયેલા બાકીના મૃતદેહોને શોધવા માટે આજે સોમવારે ફરી ઓપરેશન શરૂ કરાશે. મધ્ય નેપાળના પોખરા રિસોર્ટ શહેરમાં સેતી નદીના કિનારે યેતી એરલાઇન્સનું 9N-ANC ATR-72 પ્લેન ક્રેશ થતાં ઓછામાં ઓછા 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર માર્યા ગયા છે. આ પ્લેનમાં પાંચ ભારતીય નાગરિકો સહિત કુલ 72 લોકો સવાર હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવ અને સર્ચ ઓપરેશન રવિવારે બંધ કરવામાં આવ્યું હતું અને હવે સોમવારે શરૂ કરવામાં આવશે. માય રિપબ્લિકા વેબસાઈટના અહેવાલ મુજબ, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોની ઓળખ તમામ મૃતદેહોને એકત્ર કર્યા પછી જ શરૂ થશે. સોમવારે તમામ નિયમિત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
नेपाल प्लेन हादसे से पहले फेसबुक का लाइव वीडियो#NepalPlaneCrash pic.twitter.com/N7lyXS8HEV
— Dhyanendra Singh (@dhyanendraj) January 15, 2023
એરલાઈન્સના જણાવ્યા અનુસાર સોમવારે માત્ર ઈમરજન્સી અને રેસ્ક્યુ ફ્લાઈટ્સ જ ઓપરેટ થશે. યેતી એરલાઈન્સે ટ્વિટ કર્યું, “અમે તમને જણાવવા માંગીએ છીએ કે યેતી એરલાઈન્સ 9N-ANC ATR-72 500 ક્રેશમાં થયેલા જાનહાનિ પ્રત્યે શોક રૂપે 16 જાન્યુઆરી, 2023 ના રોજ નિર્ધારિત તમામ નિયમિત યેતી એરલાઈન્સ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.” જોકે, ઈમરજન્સી અને રેસ્ક્યુ ફ્લાઈટ ફરી શરૂ થશે.
ATR-72 એરક્રાફ્ટ સાથે સંબંધિત પ્રથમ અકસ્માત
નેપાળમાં રવિવારે થયેલ વિમાન દુર્ઘટના દેશમાં ATR-72 એરક્રાફ્ટ સંબંધિત આ પ્રથમ અકસ્માત હતો. પ્લેનમાં ચાર ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ જણાવ્યું કે, યતિ એરલાઇનના 9N-ANC ATR-72 એરક્રાફ્ટે કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ઉડાન ભરી હતી. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું.
એટીઆર-72 એ ફ્રાન્સ અને ઇટાલીમાં એરક્રાફ્ટ ઉત્પાદક એટીઆર દ્વારા વિકસિત ટ્વીન એન્જિન ટર્બોપ્રોપ પ્રાદેશિક એરલાઇનર છે. એટીઆર એ ફ્રેન્ચ એરોસ્પેસ કંપની એરોસ્પેટીલ અને ઇટાલિયન ઉડ્ડયન જૂથ એરિટાલિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે. હાલમાં નેપાળમાં માત્ર બુદ્ધ એર અને યેતી એરલાઈન્સ જ ATR-72 એરક્રાફ્ટ ચલાવે છે. માય રિપબ્લિકા અખબાર અનુસાર, નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના પ્રવક્તા જગન્નાથ નિરૌલાએ કહ્યું કે નેપાળમાં ATR-72 વિમાન સાથે સંબંધિત આ પ્રથમ દુર્ઘટના છે.
એવિએશન સેફ્ટી નેટવર્કના ડેટા અનુસાર નેપાળના ઈતિહાસમાં ગઈકાલે રવિવારે બનેલ વિમાન ક્રેશની ઘટના એ ત્રીજો સૌથી ખરાબ અકસ્માત હતો. યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈ જીવિત વ્યક્તિ વિશે કોઈ માહિતી નથી. હવામાનમાં અચાનક ફેરફાર અને દુર્ગમ સ્થળોએ બાંધવામાં આવેલી એરસ્ટ્રીપ્સને કારણે નેપાળમાં પ્લેન અકસ્માતોનો ખૂબ જ ખરાબ રેકોર્ડ છે.