Delhi Crime: દિલ્હીમાં માત્ર 15 હજાર માટે ડબલ મર્ડર! બે બહેનોએ પોતાના ભાઈને બચાવતા ગુમાવ્યો જીવ
ગોળી વાગતાં બંને બહેનો લોહીથી લથપથ રોડ પર પડી હતી. તેઓને તાત્કાલિક સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બંનેના મોત થયા.

Delhi: દિલ્હીના આરકે પુરમની આંબેડકર વિસ્તાર આજે રવિવારે સવારે 4 વાગ્યે ગોળીબારથી હચમચી ગયો હતો. જ્યારે લોકો ઊંઘી રહ્યા હતા, ત્યારે બદમાશોએ કોલોનીમાં એક ઘરની બે બહેનોની ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસે આ ઘટનામાં સામેલ ત્રણ બદમાશોની ધરપકડ કરી છે. ત્રણેયના નામ માઈકલ, દેવ અને અર્જુન છે. ચાલો જાણીએ આ સમગ્ર ઘટના.
બદમાશોની ગોળીઓથી જીવ ગુમાવનાર બે બહેનોના નામ પિંકી અને જ્યોતિ છે. પરિજનોનો દાવો છે કે બદમાશો ભાઈ લલિતની હત્યા કરવા આવ્યા હતા. પરંતુ, ભાઈને બચાવવા માટે બહેનો આગળ આવી અને બદમાશોની ગોળીઓનો ભોગ બની હતી. ઘરના એક સભ્ય રેખાના જણાવ્યા અનુસાર લલિતે એક બદમાશ પાસેથી 15,000 રૂપિયા ઉછીના લીધા હતા. તેને વસૂલવા માટે તેણે ગુંડાઓને ઘરે મોકલ્યા હતા. રેખાની વહુ લલિતના સંબંધમાં હોવાનું જણાય છે. લલિત વ્યવસાયે ડ્રાઈવર છે.
બદમાશોએ ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો
રેખાએ જણાવ્યું કે આજે સવારે અચાનક 15-20 બદમાશો આવ્યા. તેઓએ ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ડરના કારણે કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. થોડી વાર પછી બદમાશો ફરી આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. ઘરની દિવાલો પર પણ ગોળીઓ વરસાવી હતી. દરમિયાન જ્યોતિ અને પિંકી તેમના ભાઈને બચાવવા ઘરની બહાર આવ્યા હતા. કદાચ તેમને લાગ્યું હશે કે ગુનેગારો તેમના પર ગોળીબાર નહીં કરે, પરંતુ બદમાશોએ તેમને નિશાન બનાવીને ગોળી મારી દીધી હતી.
લલિત પર પણ ગોળી ચલાવી હતી
રેખાના જણાવ્યા પ્રમાણે લલિત ઘરની બહાર આવતા જ બદમાશોએ તેના પર પણ ગોળીબાર કર્યો હતો. પરંતુ, તે બચી ગયો હતો. ગોળી વાગતાં બંને બહેનો લોહીથી લથપથ રોડ પર પડી હતી. તેઓને તાત્કાલિક સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં બંનેના મોત થયા હતા. પિંકી અને જ્યોતિ બંને પરિણીત હતા. પિંકી મોટી બહેન હતી. તેમને બે દીકરીઓ છે. જ્યારે નાની બહેન જ્યોતિને બે પુત્ર અને એક પુત્રી છે.