મોહન ભાગવતે મોદી સરકારની કરી પ્રશંસા, કહ્યુ- અમારા રાષ્ટ્રવાદથી કોઈને ખતરો નથી
RSS: મોહન ભાગવતે મોદી સરકારની પ્રશંસા કરી છે. રાષ્ટ્રવાદ પર વાત કરતા મોહન ભાગવતે કહ્યુ અમારી રાષ્ટ્રીયતા સમગ્ર વિશ્વને એક કુટુંબ ગણીને ચાલે છે. અમારી રાષ્ટ્રીયતાથી ભારત મોટુ બનશે અને તેમા ક્યારેય હિટલર પેદા નહીં થાય.
RSS પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagvat) કેન્દ્રની મોદી સરકારની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ માત્ર ભારત જ વિશ્વને પરિવાર ગણે છે. નહીં તો ભીષણ યુદ્ધ દરમિયાન યુક્રેન કોણ જતુ લોકોને બચાવવા અને ત્યાંથી બહાર કાઢવા માટે. ભાગવતે વધુમાં કહ્યું કે માત્ર આપણા દેશના બાળકોને જ નહીં પરંતુ પડોશી દેશોના બાળકોને પણ ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આરએસએસ(RSS) પ્રમુખે વધુમાં કહ્યું કે જ્યારે શ્રીલંકા ડૂબતું હોય છે ત્યારે કયો દેશ મદદ માટે દોડીને જાય છે. ભાગવતે કહ્યું કે અમારા રાષ્ટ્રવાદ (Nationalism)થી કોઈને ખતરો નથી. અમારે ત્યાં રાષ્ટ્રવાદ છે જ નહીં. અમારે ત્યાં રાષ્ટ્રીયતા છે. અમારી રાષ્ટ્રીયતા સમગ્ર વિશ્વને એક પરિવાર ગણીને ચાલે છે. અમારી રાષ્ટ્રીયતાથી ભારત મોટુ બનશે અને ક્યારેય તેમા હિટલર પેદા નહીં થાય જો કોઈનામાં હિટલરનું બીજ ઉગી નીકળ્યુ હોત તો ભારતના લોકો પહેલા જ તેના પગ પકડીને બહાર ખેંચી કાઢે છે.
હિન્દુ-મુસ્લિમ દુશ્મનાવટનો અંત લાવવો પડશે
આરએસએસ પ્રમુખે કહ્યું કે જ્યારે 1947માં ભારત આઝાદ થયું ત્યારે મહર્ષિ અરવિંદે એક વાત કહી હતી કે આપણે આઝાદ થઈ ગયા છીએ, પરંતુ આ નફરત ક્યાંથી આવી. હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય પેદા કરીને એકતા તરફ જવાને બદલે કાયમી રાજકીય વિભાજન સર્જાયું. આ વૈમનસ્યનો સફાયો તો કરવો જ પડશે. જ્યાં સુધી તે નષ્ટ નહીં થાય ત્યાં સુધી ભારતવર્ષ નહીં બને. પૂર્વ સિવિલ સર્વિસ ઓફિસર ફોરમના લેક્ચર દરમિયાન મોહન ભાગવત મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેની અધ્યક્ષતા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કરી હતી.
ભાગવતે ગુરુવારે મસ્જિદ અને મદરેસાની મુલાકાત લીધી હતી
મુસ્લિમ સમુદાય સુધી તેમની પહોંચને આગળ વધારતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે એક મસ્જિદ અને મદરેસાની મુલાકાત લીધી અને અખિલ ભારતીય ઇમામ સંગઠનના વડા સાથે ચર્ચા કરી. બંનેની મુલાકાત બાદ ઈમામ સંસ્થાના વડાએ ભાગવતને ‘રાષ્ટ્રપિતા’ કહ્યા હતા.
આ દરમિયાન ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઉમર અહમદ ઈલ્યાસીએ કહ્યું હતું કે, “ભાગવતની આ મુલાકાતથી એ સંદેશ જવો જોઈએ કે ભારતને મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે આપણે સહુએ મળીને કામ કરવુ જોઈએ. આપણા બધા માટે રાષ્ટ્ર સર્વોપરી છે. આપણા DNA એક જ છે, ફક્ત આપણા ધર્મ અને ઈબાદતના રીત-રીવાજ અલગ છે.”