VIP હજ ક્વોટા સમાપ્ત કરવા મોદી સરકારનો નિર્ણય, સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને લીધી આડે હાથે
હજને લઈને યુપીએના શાસન દરમિયાન વીઆઈપી કલ્ચર લાગુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લઘુમતી બાબતોના મંત્રાલયની હજ સમિતિ અને સર્વોચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા તમામને વિશેષ ક્વોટા ફાળવવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે હજ યાત્રાને લઈને મોટો નિર્ણય લીધો છે. હજ માટે સરકાર દ્વારા આપવામાં આવેલ VIP ક્વોટા હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, વર્તમાન મોદી સરકારે દેશના ટોચના બંધારણીય પદો અને લઘુમતી બાબતોના મંત્રાલયમાં લોકો માટે ઉપલબ્ધ આરક્ષિત હજ ક્વોટાને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. VIP કલ્ચરને ખતમ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પનો આ એક ભાગ છે. અલ્પસંખ્યક બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, અનામત ક્વોટા કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો.
યુપીએના શાસનમાં લાગુ થયુ હતો VIP ક્વોટા
હજને લઈને યુપીએના શાસન દરમિયાન વીઆઈપી કલ્ચર લાગુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લઘુમતી બાબતોના મંત્રાલય, હજ સમિતિ અને સર્વોચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા તમામ લોકો માટે વિશેષ ક્વોટા ફાળવવામાં આવ્યો હતો. ઈરાનીએ કહ્યું કે હજ કમિટીએ આ ક્વોટા નાબૂદ કરવા વિનંતી કરી હતી અને વિવિધ રાજ્યોની તમામ હજ કમિટીઓએ તેનું સમર્થન કર્યું છે. હજ પ્રક્રિયામાં આ વીઆઈપી કલ્ચર નાબૂદ કરવામાં આવ્યું છે.
VIP ક્વોટા હેઠળ 5,000 બેઠકો હતી
તેમણે કહ્યું કે 2012માં જ્યારે તેની શરૂઆત કરવામાં આવી ત્યારે આ વિશેષ ક્વોટા હેઠળ લગભગ 5,000 બેઠકો અનામત હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સરકારે તેને નાબૂદ કરી દીધી છે. પીએમનું માનવું હતું કે જો આપણે વીઆઈપી કલ્ચરને સંપૂર્ણ રીતે ખતમ કરવું હોય તો કોઈપણ વિભાગમાં આવા વિશેષ વર્ગીકરણને નાબૂદ કરવું જોઈએ. તેમણે વડાપ્રધાનના સંકલ્પને પુનરોચ્ચાર કરતા કહ્યું કે ભવિષ્યમાં ગરીબોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને એક વ્યાપક હજ નીતિ જાહેર કરવામાં આવશે.
26 જૂનથી હજ યાત્રા શરૂ થશે
26 જૂન 2023થી હજયાત્રા શરૂ થવાની ધારણા છે. હજ યાત્રા એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંનું એક છે, જે તમામ સક્ષમ મુસ્લિમોએ ઓછામાં ઓછું એક વાર કરવું જરૂરી છે. 2019 માં, કોરોના મહામારીના કારણે વિશ્વવ્યાપી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તે પહેલાં, લગભગ 2.6 મિલિયન લોકોએ હજયાત્રા કરી હતી.