મોદી સરકાર કાર્યકાળ તો પૂરો કરશે જ, 2029માં પણ આવશે તો મોદી જ : અમિત શાહ
અમિત શાહે ચંડીગઢમાં વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણની એનડીએ સરકાર પોતાનો કાર્યકાળ તો પૂરો કરશે જ, પરંતુ આગામી સરકાર પણ એનડીએની જ બનશે અને મોદી ફરી એકવાર પીએમ બનશે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં શાહે કહ્યું કે, લોકસભાની 3 ચૂંટણીમાં કોંગ્રેસે જેટલી બેઠકો મેળવી હતી એના કરતા પણ વધુ બેઠકો ભાજપે આ ચૂંટણીમાં જીતી છે.
ગૃહમંત્રી અમિત શાહ, આજે રવિવારે ચંદીગઢ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મણિમાજરા વિસ્તારના લોકોને મોટી ભેટ આપી. અમિત શાહે આ વિસ્તારમાં 24×7 વોટર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જે 75 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. પોતાના સંબોધનમાં અમિત શાહે વિપક્ષના નિવેદનો પર પલટવાર કર્યો હતો. વિપક્ષ દાવો કરી રહ્યું છે કે NDA સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં, જેના પર ગૃહમંત્રીએ કહ્યું કે, NDA પોતાનો કાર્યકાળ તો પૂરો કરશે જ, સાથોસાથ 2029માં ફરી એકવાર ભાજપની આગેવાનીમાં સરકાર પણ બનાવશે.
24 કલાક પાણી મળશે
આ પ્રોજેક્ટને કારણે હવે ચંદીગઢના મણિમાજરાના લોકોને 24 કલાક પાણી મળી શકશે. પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં અમિત શાહે કહ્યું કે, હવે બહેનોએ પાણી લેવા જવા માટે એલાર્મ લગાવવાની જરૂર નહીં પડે, હવે તમે જ્યારે પણ નળ ખોલશો ત્યારે તમને પાણી મળશે. ગૃહમંત્રીએ કહ્યું, ટેન્કરમાંથી નહીં, નળમાંથી પાણી મળશે. તેમણે કહ્યું કે સરકારની આ યોજના દ્વારા મણિમાજરાના 1 લાખ લોકોને તેમના ઘરે 24 કલાક પાણી ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટ મોદી સરકાર દ્વારા 13 નવેમ્બર 2021 ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સતત 4 વખત તેના પૂર્ણ થવાની તારીખ બદલવામાં આવી હતી, ત્યારબાદ હવે આ પ્રોજેક્ટ તૈયાર છે.
પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પાણીનો બગાડ અટકાવવાનો છે, તેમાં સ્માર્ટ મીટરિંગ, લીકેજ અટકાવવા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ તબક્કાવાર શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં મણિમાજરાના લોકોને પહેલા પાણી મળશે, આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 2028 સુધીમાં સમગ્ર રાજ્યમાં 24 કલાક પાણી આપવાનો છે.
2029માં પણ મોદી સરકાર બનશે
વિરોધ પક્ષ દ્વારા સતત એનડીએ સરકાર પર પ્રહારો કરાઈ રહ્યો છે અને દાવો કરી રહ્યો છે કે, આ એનડીએ સરકાર પાંચ વર્ષ સુધી ચાલવાની નથી. વિપક્ષના આ દાવાઓને ફગાવતા અમિત શાહે કહ્યું કે, હું તમને ખાતરી આપું છું કે વિપક્ષને જે કરવું હોય તે કરવા દો, આ લોકો અસ્થિરતા ફેલાવવા માંગે છે, તેઓ વારંવાર કહે છે કે આ સરકાર કામ કરતી નથી, પરંતુ આ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો તો કરવાની જ છે, તેની સાથોસાથ 2029મા આગામી સરકાર પણ NDAની જ હશે અને મોદી વધુ એકવાર PM બનશે.
વિપક્ષ, 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખે
વિપક્ષો પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, તેઓ નથી જાણતા કે કોંગ્રેસ લોકસભાની પાછલી ત્રણ ચૂંટણીમાં જેટલી બેઠકો જીત્યું છે તેના કરતા પણ વધુ બેઠકો આ ચૂંટણીમાં ભાજપ જીત્યું છે. આ લોકોએ વિપક્ષમાં બેસવાની માનસિકતા કેળવી લેવી પડશે. અને વિપક્ષમાં બેસીને કેવી રીતે કામ કરવું તે પણ સારી રીતે શીખી જશે.