લખીમપુર ખીરી કેસ: શુક્રવાર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા યુપી સરકારને સુપ્રીમકોર્ટનો આદેશ

Lakhimpur kheri violence: સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં વિગતવાર સ્ટેટસ રિપોર્ટ દાખલ થવો જોઈએ, જેમાં એ લોકોના નામ પણ સામેલ હોવા જોઈએ કે જેમની સામે FIR દાખલ કરવામાં આવી છે અને પીડિત કોણ છે

લખીમપુર ખીરી કેસ: શુક્રવાર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા યુપી સરકારને સુપ્રીમકોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટ (ફાઇલ ફોટો)

લખીમપુર ખેરી કેસમાં, સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી કરતી વખતે ઉત્તર પ્રદેશ સરકારને શુક્રવાર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપતા કહ્યું કે, આ મામલે શુક્રવારે જ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં વિગતવાર સ્ટેટસ રિપોર્ટ દાખલ થવો જોઈએ, જેમાં એ લોકોના નામ પણ સામેલ હોવા જોઈએ કે જેમની સામે FIR દાખલ કરવામાં આવી છે અને પીડિત કોણ છે. આ સિવાય અત્યાર સુધી શું પગલા લેવામાં આવ્યા છે અને તપાસની સ્થિતિ શું છે, તે પણ રિપોર્ટમાં જણાવવું જોઈએ.

આ સાથે, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને એવો પણ નિર્દેશ આપ્યો હતો કે તે મૃતક ખેડૂત લવપ્રીત સિંહની માતાને યોગ્ય સારવાર આપે. આજે સવારે સુપ્રીમ કોર્ટે લખીમપુર કેસમાં સુઓમોટો કોગ્નિઝન્સ પર સુનાવણી શરૂ કરી, સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે બે વકીલ શિવકુમાર ત્રિપાઠી અને સીએસ પાંડાએ લખિમપુર મુદ્દે પત્ર લખ્યો હતો, તેઓએ પણ તેમની બાજુ રજૂ કરવી જોઈએ, યુપી સરકાર તરફે વકીલ ગરિમા પ્રસાદ હાજર થયા. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમે રજિસ્ટ્રીને વકીલોના પત્રોને પીઆઈએલ તરીકે માનવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે પત્ર લખનારા વકીલોને સુનાવણીમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટે બંને વકીલોના પત્ર પર આ બાબતનું ધ્યાન રાખ્યું છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે બંને વકીલોની રજૂઆત પર અમે વધુ સુનાવણી હાથ ધરીશું, તેમને તાત્કાલિક હાજર થવાનો નિર્દેશ આપવો જોઈએ. એમ પણ કહ્યું કે રજિસ્ટ્રીએ ભૂલથી આ બાબતને સુઓ મોટો તરીકે મૂકી દીધી છે. અમે વકીલોના પત્રને પીઆઈએલ તરીકે માનવા કહ્યું હતું.

એડવોકેટ શિવકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે લખીમપુરમાં બનેલી ઘટના અંગે સુપ્રીમ કોર્ટને પત્ર લખવામાં આવ્યો હતો, કારણ કે વહીવટની ઉપેક્ષાને કારણે ખેડૂતોના મોત થયા હતા. વકીલે કહ્યું કે માનવ અધિકારોનું સીધું ઉલ્લંઘન થયું છે અને યુપી સરકારે આ મામલે જરૂરી પગલાં લીધા નથી. આ પછી, સીજેઆઈએ યુપી સરકાર વતી હાજર રહેલા ગરિમા પ્રસાદને બોલવા કહ્યું. CJI એ કહ્યું કે તમે યોગ્ય FIR અને તપાસ કરી નથી. આ અંગે ગરિમા પ્રસાદે કહ્યું કે નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં પંચની રચના કરવામાં આવી છે, FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. આ પછી, CJI એ કહ્યું કે સ્ટેટસ રિપોર્ટ આવતીકાલ શુક્રવાર સુધીમાં દાખલ કરી દેવો જોઈએ.

આ પણ વાંચોઃ Health : શું તમને મોડેથી જમવાની આદત છે, તો વાંચો આયુર્વેદ શું કહે છે રાત્રે મોડેથી જમવા વિશે

આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતનો ડંકો ! શ્રી સૈની મિસ વર્લ્ડ અમેરિકા 2021 ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય – અમેરિકન બની

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati