મુસ્લિમ લીગ સાથે ગઠબંધનમાં સરકાર બનાવી ત્યારે તમારી દેશભક્તિ ક્યાં હતી ? ભાજપને ખરગેનો સણસણતો સવાલ
રાજ્યસભામાં "વંદે માતરમ" પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે, વંદેમાતરમને લઈને એવા પ્રહાર કર્યા કે કોંગ્રેસ પાર્ટીને ઘેરી લીધી. જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જે લોકોએ ગઈકાલ સુધી વંદે માતરમ ગાયું ન હતું તેઓ હવે વંદેમાતરમને લઈને ચિંતિત છે.

ગૃહમંત્રી અમિત શાહે, રાજ્યસભામાં રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ” પર ચર્ચાની શરૂઆત કરી હતી. ગઈકાલ સોમવારે લોકસભામાં પ્રિયંકા ગાંધીએ વંદેમાતરમની ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું તેનો પ્રત્યુતર આપતા અમિત શાહે, કહ્યું કે જેઓ તેનું મહત્વ સમજી શકતા નથી તેઓ તેને ચૂંટણી સાથે જોડી રહ્યા છે. અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ, ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, જેઓ એ ગઈકાલ સુધી વંદે માતરમ ગાયું ના હતું તેઓ હવે તે ગાઈ રહ્યા છે. તે જ લોકો ચિંતિત છે. ખરગેએ રાજ્યસભામાં વંદે માતરમ માટે નારા પણ લગાવ્યા હતા.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આજે ભાજપ દેશભક્તિની વાત કરી રહી છે. પણ આ એ જ લોકો છે, જેમણે સત્તા માટે મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. તે સમયે ભાજપની કહેવાતી દેશભક્તિ ક્યાં ગઈ હતી ?
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ “વંદે માતરમ, વંદે માતરમ” ના નારા લગાવતા વંદે માતરમથી પોતાનું ભાષણ શરૂ કર્યું. ખડગેએ કહ્યું, “ગૃહમંત્રીના બોલ્યા પછી મને સમય આપવા બદલ સ્પીકરનો હુ આભાર માનુ છું. હું ભાગ્યશાળી છું કે, છેલ્લા 60 વર્ષથી હુ આ ગીત ગાઉં છું. જે લોકો વંદે માતરમ નથી ગાતા તેઓએ હમણાં જ શરૂઆત કરી છે. હું કોંગ્રેસ વતી બંકિમજીને શ્રદ્ધાંજલિ આપું છું.”
ધ્યાન હટાવવાનો પ્રયાસ – ખડગે
દેશ આર્થિક સંકટ અને બેરોજગારીનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, સરકાર લોકોની મુખ્ય સમસ્યાથી ધ્યાન ભટકાવવા માટે આવી વાતો ઉઠાવે છે. ખડગેએ કહ્યું કે, શાસક પક્ષે બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વંદે માતરમની ચર્ચા કરી છે. ખડગેએ કહ્યું કે આ મુદ્દાનો ઉપયોગ વાસ્તવિક મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે કરી શકાતો નથી. આજે એક ડોલરની કિંમત 90 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જનતાના મુદ્દાઓ અને તેમની સમસ્યાઓ પર ચર્ચા થવી જોઈએ. આ એક પ્રકારનું ધ્યાન ભટકાવવાનું કામકાજ છે.
સરકાર મુસ્લિમ લીગના સહયોગથી રચાઈ હતી
મલ્લિકાર્જુન ખડગેએ, પણ પોતાના ભાષણમાં પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ નેહરુ પર 1937માં મૂળ વંદે માતરમમાંથી ચોક્કસ પંક્તિઓ દૂર કરવાનો આરોપ લગાવ્યો હતો. “હવે તમે આ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છો – પરંતુ જ્યારે તમે મુસ્લિમ લીગ સાથે જોડાણ કરીને બંગાળમાં સરકાર બનાવી ત્યારે શું થયું ? જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળમાં સરકાર બનાવવા માટેના રાજકીય પક્ષમાં જોડાયા ત્યારે તમારી દેશભક્તિ ક્યાં ગઈ હતી? એ વખતે કેમ મુસ્લિમ લીગનો વિરોધ કરીને સરકારની બાહર ના બેઠા.”
ખડગેએ કહ્યું કે દાયકાઓ પછી, બાંગ્લાદેશ પાકિસ્તાનની નજીક જઈ રહ્યું છે. ચીન આપણા પૂર્વોતર રાજ્ય અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવી રહ્યું છે. શાંઘાઈમાં ચીન દ્વારા એક ભારતીય મહિલાને 18 કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવી હતી. આમ છતાં, સરકાર દ્વારા ચીન વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચારવામાં આવ્યો નથી.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.