ખેડૂતો પર નિવેદન આપીને ફસાઈ ગઈ કંગના રનૌત, કહ્યું- હું મારા શબ્દો પાછા લઉં છું
બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ કંગના રનૌતે, ખેડૂત કાયદાને ફરીથી દાખલ કરવાની હિમાયત કરી હતી. કંગનાના આ નિવેદન બાદ રાજકીય વિવાદ સર્જાયો હતો. વિપક્ષ કોંગ્રેસે, કંગનાના આ નિવેદનને મોદી-શાહનો છુપો એજન્ડા ગણાવ્યો તો ભારતીય જનતા પાર્ટીએ તેને કંગના રણૌતનુ અંગત નિવેદન ગણાવ્યું. આખરે કંગના રણૌતને, આજે બુધવારે પોતાનું નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું.
મંડીથી ચૂંટાયેલા ભાજપના સાંસદ કંગના રનૌત, જે પોતાના સ્પષ્ટ નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે, કંગનાએ કૃષિ કાયદા પર નિવેદન આપીને દેશમાં રાજકીય ગરમી વધારી દીધી છે. જો કે, તેણે પોતાના નિવેદનમાં જ આશા વ્યક્ત કરી હતી કે, આ અંગે વિવાદ થઈ શકે છે. કંગનાના નિવેદનને અંગત ગણાવીને ભાજપે આ નિવેદનથી અંતર રાખ્યું હતું. આખરે વિવાદ વધી જતાં કંગનાએ કૃષિ કાયદા પરનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.
કંગના રનૌતે કહ્યું, ‘છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયાએ ખેડૂત કાયદાને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા અને મેં સૂચન કર્યું કે, ખેડૂતોએ વડાપ્રધાનને રદ કરાયેલા ખેડૂત કાયદા પાછા લાવવા માટે વિનંતી કરવી જોઈએ. મારા આ નિવેદનથી ઘણા લોકો નિરાશ થયા છે. જ્યારે ખેડૂત કાયદા આવ્યા ત્યારે ઘણા લોકોએ તેને ટેકો આપ્યો હતો, પરંતુ આપણા વડાપ્રધાને તેને ખૂબ જ સંવેદનશીલતાથી પાછા ખેંચી લીધા હતા. હવે હુ એક કલાકાર નથી ભાજપની કાર્યકર પણ છુ. આથી મારા મંતવ્યો મારા પોતાના ના હોવા જોઈએ, મારા પક્ષનું સ્ટેન્ડ હોવું જોઈએ. જો મેં મારા વિચારથી કોઈને નિરાશ કર્યા હોય, તો હું દિલગીર છુ. હું મારા શબ્દો પાછા લઉં છું.
Do listen to this, I stand with my party regarding Farmers Law. Jai Hind pic.twitter.com/wMcc88nlK2
— Kangana Ranaut (@KanganaTeam) September 25, 2024
વિરોધ પક્ષોએ ભાજપનો છુપો એજન્ડા જણાવ્યો
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે, ભાજપ વતી આ પ્રકારનું નિવેદન આપવા માટે કંગના રણૌત અધિકૃત નથી અને તેમનું નિવેદન કૃષિ બિલો પર ભાજપના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરતું નથી. સાથે જ વિપક્ષી દળોએ કંગનાના આ નિવેદનને ભાજપનો છુપો એજન્ડા ગણાવ્યો હતો. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, કંગનાના નિવેદન સાબિત કરે છે કે આ મોદી સરકારનો- ભાજપનો છુપો એજન્ડા છે.
આ મામલે AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે, પીએમ મોદીએ આનો જવાબ આપવો જોઈએ કે ભવિષ્યમાં તેમના વડપણ હેઠળ ચાલતી આ સરકાર, રદ કરેલા કૃષિ કાયદા ફરી લાવશે કે નહીં. આ ઉપરાંત સરકારમાં સહયોગી જેડીયુએ પણ કંગનાના નિવેદનનો ભારે વિરોધ કર્યો હતો.
કંગનાના નિવેદન પર કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે, બીજેપી સાંસદ કંગના રનૌત કહે છે કે ત્રણ કૃષિ કાયદા લાગુ કરવાનો સમય આવી ગયો છે. હરિયાણામાં ભાજપની સરકાર બનશે તો આ ત્રણ કાળા કાયદા લાગુ કરવામાં આવશે. હું પડકાર ફેકુ છુ કે, હરિયાણામાં કોંગ્રેસની સરકાર જ બનશે અને કોઈનામાં તાકાત નથી કે, અગાઉ રદ કરાયેલા ખેડૂતોને લગતા ત્રણ કાળા કાયદાને ફરીથી લાગુ કરી શકે.
મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારને ભીંસમાં લીધી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘750 ખેડૂતોની શહીદી પછી પણ ખેડૂત વિરોધી ભાજપ અને મોદી સરકારને તેમના ગંભીર ગુનાનો ખ્યાલ નથી આવ્યો. ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાઓ ફરીથી લાગુ કરવાની ચર્ચા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી આનો સખત વિરોધ કરે છે. ભારતના 62 કરોડ ખેડૂતો ક્યારેય ભૂલી શકશે નહીં કે ખેડૂતોને વાહન નીચે કચડી નાખનારી મોદી સરકારે આપણા ખેડૂતોને સામે કાંટાળા તાર, ડ્રોન, ટીયર ગેસ, ખીલા અને બંદૂકોનો ઉપયોગ કર્યો હતો. આ વખતે, હરિયાણા સહિત તમામ ચૂંટણીવાળા રાજ્યોમાંથી ખેડૂતો દ્વારા ખુદ વડાપ્રધાને સંસદમાં આંદોલનકારી અને પરોપજીવી તરીકે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીનો યોગ્ય જવાબ મળશે.
સરકારે 2021માં ત્રણેય કાયદા પાછા ખેંચી લીધા હતા
મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં 3 કૃષિ કાયદા પસાર કર્યા હતા, જેનો ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ એક વર્ષ કરતા પણ વધુ સમયથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન અનેક ખેડૂતોના મોત થયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ખેડૂતોના પ્રદર્શનને જોતા સરકારે વર્ષ 2021માં આ ત્રણ કાયદાને રદ્દ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂત કાયદાને પાછો ખેંચતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે, હું ખેડૂતોને સમજાવી શક્યો નહીં, ક્યાંક ભૂલ થઈ ગઈ છે.