ભારતનો સ્પષ્ટ જવાબ: ટ્રમ્પના લીધે ભારત-અમેરિકા વચ્ચે તણાવ, પાકિસ્તાન બેજવાબદાર
પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ જનરલ, અસીમ મુનીર દ્વારા પરમાણુ શસ્ત્રોને લઈને કરાયેલા ઉશ્કેરણીજનક નિવેદન પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે પાકિસ્તાનની બ્લેકમેઈલ કરવાની જૂની અને જાણીતી આદતનો પર્દાફાશ કર્યો છે અને તેને બેજવાબદાર ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે સૈન્ય અને આતંકવાદી સંગઠનો વચ્ચેના ઊંડા સંબંધો પર ચિંતા વ્યક્ત કરી છે.

પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે તેના ખૂબ જ નજીકના વ્યૂહાત્મક ભાગીદાર દેશ અમેરિકાની ધરતી પરથી પરમાણુ શસ્ત્રોને લઈને જે રીતે ભારત માટે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે તેના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે.
ભારતે પરમાણુ શસ્ત્રો પર બ્લેકમેલિંગ કરવાની પાકિસ્તાનની જૂની આદતને આગળ લાવીને તેને બેજવાબદાર ગણાવી છે અને અમેરિકાની પણ ટીકા કરતા સાફ શબ્દોમાં જણાવી દીધુ છે કે, ટ્રમ્પને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.
મુનીર અમેરિકાની મુલાકાતે છે
અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. જ્યાં ફ્લોરિડામાં એક ખાનગી કાર્યક્રમમાં તેણે ભારત દ્વારા સિંધૂ નદી પર બનનારા ડેમને મિસાઇલોથી ઉડાવી દેવા અને અણૂબોમ્બ નાખીને અડધી દુનિયાનો નાશ કરવા જેવી વાતો કહી છે. ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે તે તેના રાષ્ટ્રીય હિત માટે જરૂરી તમામ પગલાં લેશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ ભાર મૂક્યો હતો કે, પાકિસ્તાનમાં સૈન્ય અને આતંકવાદી સંગઠનો વચ્ચે ઊંડા સંબંધો છે, જેના કારણે વૈશ્વિક સમુદાયને ત્યાં પરમાણુ કમાન્ડ અને કંટ્રોલની વિશ્વસનીયતા પર શંકા છે.
Statement by Official Spokesperson⬇️ https://t.co/aEi9bMFOHi pic.twitter.com/AGyyGNu8gv
— Randhir Jaiswal (@MEAIndia) August 11, 2025
ભારત નહીં ઝૂકે
ભારતે એ વાતનો પણ અફસોસ વ્યક્ત કર્યો હતો કે, ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે મિત્ર દેશ (યુએસએ) ની ધરતી પરથી ઉશ્કેરણીજનક અને બ્લેકમેઈલ કરનારૂ નિવેદન આપ્યું હતું. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ પ્રકારના પરમાણુ બ્લેકમેલ સામે ઝૂકશે નહીં અને તેની રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, દરેક જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખશે. જનરલ મુનીરે છેલ્લા બે મહિનામાં બીજી વખત અમેરિકાની મુલાકાત લીધી છે.
એક તરફ, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ છે, ત્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર પાકિસ્તાન સેના માટે લાલ જાજમ પાથરીને કામ કરી રહ્યું છે. શનિવારે, પાકિસ્તાની મૂળના ઉદ્યોગપતિ દ્વારા આયોજિત રાત્રિભોજનમાં, પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા નિવેદનો આપ્યા છે.
મુનીરની ધમકીઓ
મીડિયા અહેવાલો અનુસાર, જનરલ મુનીરે ભારત દ્વારા બનનારા ડેમને 10 મિસાઈલોથી તોડી પાડવાની ધમકી પણ આપી છે. પાકિસ્તાન દ્વારા આ અહેવાલોની સત્તાવાર રીતે નિંદા કરવામાં આવી નથી.
ભારતના કેટલાક નિષ્ણાતો માને છે કે જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ દરરોજ દાવો કરી રહ્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અટકાવી દીધું છે, તેનાથી પાકિસ્તાની સેના પ્રમુખને આવું બેજવાબદાર નિવેદન આપવા માટે પ્રોત્સાહન મળ્યું હશે.
પાકિસ્તાનના નેતાઓએ અગાઉ પણ ધમકી આપી હતી
અગાઉ પણ, જ્યારે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવાની વાત કરી હતી, ત્યારે કેટલાક પાકિસ્તાની નેતાઓએ પરમાણુ હુમલાની ધમકી આપી હતી. ભારતે પહેલા પણ ઘણી વખત પાકિસ્તાનના આવા નિવેદનોની નિંદા કરી છે અને વૈશ્વિક મંચ પર આ મુદ્દો ઉઠાવ્યો હતો.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો